પાકિસ્તાનના 3000 બોમ્બ પણ ન તોડી શક્યા માતાનું આ મંદિર

જેસલમેરથી આશરે 130 કિલો મીટર દૂર ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક તનોટ માતાનું મંદિર આવેલું છે.  મંદિર આશરે 1200 વર્ષ જૂનું છે. જો કે આ મંદિર હંમેશાથી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે પરંતુ 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ બાદ આ મંદિર દેશ-વિદેશમાં પોતાના ચમત્કારો માટે પ્રસિદ્ધ થઇ ગયું. 1965ના યુદ્ધમાં પાકિસ્તાને આશેર 3000 બોમ્બ ફેક્યા હતાં પરંતુ આ મંદિરને ઉની આંચ આવી ન હતી. ત્યાં સુધી કે મંદિરના પરિસરમાં પડેલા 450 બોમ્બમાં વિસ્ફોટ જ ન થયો. આ બોમ્બ હવે મંદિરના પરિસરમાં બનેલા એક સંગ્રહાલયમાં ભક્તો દર્શન કરી શકે તે માટે રાખવામાં આવ્યાં છે.

1965ના યુદ્ધ બાદ આ મંદિરની જવાબદારી સીમા સુરક્ષા દળે ઉછાવી લીધી અને અહીં પોતાની એક ચોકી પણ બનાવી લીધી. તેટલું જ નહિ 4 ડિસેમ્બર 1971ની રાતે પંજાબ રેજિમેન્ટ અને સીમા સુરક્ષા દળની એક કંપનીએ માતાની કૃપાથી લોંગેવાલામાં પાકિસ્તાનના આખા ટેન્ક રેજીમેન્ટને ધૂળ ચાટતા કરી દીધાં હતાં અને લોંગેવાલાને પાકિસ્તાની ટેન્કોનું કબ્રસ્તાન બનાવી દીધું હતું. લોંગેવાલા તનોટ માતાના મંદિર નજીક જ આવેલું છે. લોંગેવાલાના વિજય બાદ મંદિર પરિસરમાં એક વિજય સ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું અને હવે ત્યાં દર વર્ષે 16 ડિસેમ્બરના રોજ સૈનિકોની યાદમાં ઉજવણી કરવામાં આવે છે.

માતાના આ મંદિરને આવડ માતાના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તનોટ માતાને હિંગળાજ માતાનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે. હિંગળાજ માનું આ શક્તિપીઠ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં છે. દર વર્ષે અષાઢ અને ચૈત્ર મહિનાની નવરાત્રિમાં અહીં વિશાળ મેળો ભરાય છે.

ઘમાં સમય પહેલાં મામડિયા નામના ચારણ હતાં. તેને કોઇ સંતાન ન હતું તેથી તેણે સંતાન મેળવવાની લાલચમાં હિંગળાજ શક્તિપીઠના સાત વખત પગપાળા દર્શન કર્યા હતાં. ત્યારે માતાએ તેને સપનામાં આવીને પૂછ્યું તો ચારણે તેમને તેની કૂખે જન્મ લેવા કહ્યું હતું.

માતાની કૃપાથી ચારણના ઘરે 7 પુત્રીઓ અને એક પુત્રનો જન્મ થયો. તે સાત પુત્રીઓ માંથી એક આવડે વિક્રમ સંવત 808માં ચારણના ત્યાં જન્મ લીધો અને ચમત્કાર દેખાડવાનું શરૂ કર્યું. ચારણની સાતેય પુત્રીઓ દેવીય શક્તિ હતી.

મંદિર પાસે સ્થિત ચોકીના ચાર વર્ષની કોન્સટેબલ રહેલા કોલિકાંત સિન્હાએ જણાવ્યું કે માતા ખૂબ જ શક્તિશાળી છે અને માતાએ તેમની દરેક મનોકામના પૂરી કરી છે. માડ પ્રદેશમાં આવડ માતાની કૃપાથી ભાટી રાજપૂતોનું સુદ્રઢ રાજ્ય સ્થાપિત થયું. રાજા તણુરાવ ભાટીએ આ સ્થાનને પોતાની રાજધાની બનાવ્યુ અને માતાને સુવર્ણ સિંહાસન ભેટ આપ્યું. વિક્રમ સંવત 828 ઇસવીસનમાં આવડ માતા પોતાના ભૌતિક શરીર સાથે અહીં સ્થાપિત થયાં હતાં.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો