સુરતની બે દિકરીઓ માઉન્ટ એવરેસ્ટ સર કરનારી પ્રથમ ગુજરાતી મહિલાઓ બની

‘અમને તો એવરેસ્ટ ચઢવા કરતાં નીચે ઉતરવાનું સૌથી અઘરું લાગ્યું કારણે કે, અમે ઉપર ચડી તો ગયા પરંતુ જ્યારે નીચે ઉતરતાં ત્યારે એમ લાગતું હતું કે, અમે ઘરે પહોંચીશું કે નહીં. કારણ કે, એકદમ લીસ્સો રસ્તો હતો. એક વખત જો લપસી ગયા તો બરફમાં ક્યાં ખોવાઈ જઈએ કંઈ નક્કી જ ન હોય. રસ્તામાં અનેક લાશો જોઈ છતાં હાર્યા વગર અમે આગળ વધતાં હતાં કારણે કે, કિસ્મત બીજો મોકો આપતી નથી. જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે જ કંઈ કરી શકાય છે. ’ એવરેસ્ટ સર કરનાર ગુજરાતની પ્રથમ મહિલા અદિતી અને અનુજા વૈદ્ય સુરત આવી પહોંચ્યા હતાં. ત્યારે અદિતી વૈદ્યએ એમના અનુભવો શેર કર્યા હતાં.

મુશ્કેલીમાં અમે એટલે ન હાર્યા કારણ કે કિસ્મત ક્યારેય બીજો મોકો આપતી નથી

નીચે ઉતરવાનો વધારે ભય લાગ્યો

સમિટ પર પહોંચ્યા પછી ચેલેન્જ એ નીચે ઉતરવાની. એવરેસ્ટને સર તો કરી લીધો. અનેક લોકો એવરેસ્ટ તો સર કરી લે છે પરંતુ નીચે ઉતરી નથી શકતાં. અમે બંને બહેનો એક બીજાને સપોર્ટ કરીને હિંમત આપતાં હતાં. અમારી સાથે એક વ્યક્તિ હતાં એમની આંગળીઓમાં લોહી જામી ગયું હતું. એમને જો જીવતા રહેવું હોય તો આંગળીઓ કાપવી પડે. અમારી નજર સામે જ એમની આંગળીઓ કાપી નાંખી. ફેની વાવાઝોડું આવ્યું ત્યારે એવરેસ્ટ પર 170 કિલોમીટર પ્રતિકાલની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. ક્યારેક, એમ થતું હતું કે, ઘરે પાછા ચાલ્યા જઈએ પરંતુ ત્યારે બે મહિના સુધી કરેલી પ્રેક્ટિસ યાદ આવતી હતી. જેના કારણે અમે હિંમત કરીને આગળ ‌વધતાં હતાં. માઈનસ 35 ડિગ્રી જેટલું ટેમ્પરેચર હતું. આ દિવસો અમને ક્યારેય નહીં ભૂલાય, અનેક મુશ્કેલીઓ વેઠી છતાં અમે આગળ વધ્યા હતાં.

10 કિલો વજન સાથે રાખીને ચઢ્યા

જ્યારે અમે એવરેસ્ટ પર ચઢી રહ્યા હતાં. ત્યારે 10 કિલો વજન અમારી સાથે હતો. બરફમાં અમારા પગ ખુપી જતાં એટલે ચઢવામાં ખુબ જ મુશ્કેલીઓ થતી હતી. સતત સ્નો ફોલ થઈ રહ્યો હતો જેના કારણે અમને ખુબ જ મુશ્કેલી પડતી હતી. જ્યારે કોઈ એવરેસ્ટ ચઢે અને રસ્તામાં મોત થઈ જાય ત્યારે તો એમની બોડીને ત્યાં મુકીને આગળ જતું રહેવું પડે છે. અમારી સાથે ત્રણ લોકોના મૃત્યુ થયાં હતાં. રસ્તામાં અમને અનેક લાશો જોવા મળતી હતી. ત્યારે અમને વિચાર આવતો હતો કે, અમે ઘરે પરત જઈ શકીશું કે નહીં. વર્ષો સુધી ત્યા જ લાશો પડી રહે છે. જે લોકોએ ટ્રેનિંગ લીધી ન હતી તેવા લોકો પરત ફરી રહ્યા હતાં. એમને કોલ્ડ ઈન્જરી થઈ હતી. રોજના અમે 5 કલાક પહાડ ચડતાં હતાં. જ્યારે અમને નીચે ઉતરતાં હતાં ત્યારે ટ્રાફિક હતું અને અમને ડર લાગતો હતો કે, ઓક્સિજન ખતમ ન થઈ જાય.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો