જીવનમાં શાંતિ મેળવવા ઇચ્છતા હોય તો, મનની ભાવનાઓ પર નિયંત્રણ રાખતાં શીખો

કોઇ એક નગરમાં એક વિદ્વાન સંત રહેતા હતા. લોકો તેમની પાસે પોતાની સમસ્યાઓ લઈને આવતા અને સમાધાન મેળવી ખુશ થઈને જતા હતા. એક દિવસ એક શેઠ સંત પાસે જઈને બોલ્યા, મારી પાસે કોઇ વસ્તુની અછત નથી, છતાં મારું મન અશાંત રહે છે. મહેરબાની કરીને જણાવો કે, હું શું કરું?

આ સાંભળતાં જ સંત ઊભા થયા અને ચાલવા લાગ્યા. શેઠ પણ તેમની પાછળ-પાછળ ગયા. આશ્રમના એક ખાલી ખૂણામાં જઈને સંતે એક આગ સળગાવી અને ધીરે-ધીરે અંદર લાકડાં નાખવા લાગ્યા. જેમ-જેમ એક-એક લાકડું ઉમેરતા ગયા, તેમ-તેમ આગ વધતી ગઈ. થોડીવાર પછી સંત પાછા આવી પોતાની જગ્યાએ બેસી ગયા.

કામ, ક્રોધ, લોભ, મોહ અને મદનાં લાકડાં નાખ્યા કરશો તો, જીવનભર ક્યારેય શાંતિથી નહીં રહી શકો

શેઠ પણ પાછા આવી સંતની પાસે બેસી ગયા. ઘણીવાર સુધી સંત કઈંજ ન બોલ્યા એટલે શેઠે તેમને કહ્યું કે, મહાત્મા, હું તમારી પાસે જવાબની આશા રાખું છું. સાધુ હસ્યા અને બોલ્યા, આટલી વારથી હું તમને તમારો જવાબ જ તો આપી રહ્યો હતો, પરંતુ કદાચ તમને સમજાયો નહીં. હવે હું વિસ્તારથી સમજાવું છું.

સંતે કહ્યું, દરેક માણસની અંદર એક આગ હોય છે. જો એ આગમાં તમે કામ, ક્રોધ, લોભ, મોહ અને મદનાં લાકડાં નાખ્યા કરશો તો, જીવનભર ક્યારેય શાંતિથી નહીં રહી શકો. જ્યાં સુધી તમે અશાંતિ ફેલાવતા તત્વો આગમાં નાખવાનાં બંધ નહીં કરો, ત્યાં સુધી તમારું મન શાંત નહીં રહે. સંતની વાત સાંભળી શેઠને પોતાની સમસ્યાનું સમાધાન મળી ગયું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો