62 વર્ષીય રોકેટમેન કે. સિવનની વાડીએ મજૂરી કરવાથી ઈસરોના ચીફ બનવા સુધીની પ્રેરણાદાયી સફર

અત્યારે ભારત સહિત દુનિયાભરના લોકો ઈસરોના ચીફ ડો. કે. સિવનની પડખે ઊભા છે. મૂન લેન્ડિંગ કરતી વખતે આખરી મિનિટોમાં ચંદ્રયાન-2ના ‘વિક્રમ ઓર્બિટર’ સાથેનો સંપર્ક તૂટી જતાં સમગ્ર ઈસરો પરિવાર અને દેશમાં નિરાશાનું વાતાવરણ છવાઈ ગયું. આ ઘટનાના થોડા સમય પછી કે. સિવન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારે તેઓ પોતાની નિરાશા સંતાડી ન શક્યા અને ભાવુક થઈને રડી પડ્યા હતા. એ વખતે પીએમ મોદીએ પણ તેમને આલિંગન આપીને અને પીઠ પર હાથ પસવારીને સાંત્વના આપી હતી.

7 નવેમ્બર-શનિવારની સવારે પ્રધાનમંત્રીએ દેશને સંબોધીને ઈસરોની કામગીરીનાં વખાણ કર્યાં હતાં. ભાવુક થઈને રડી પડેલા ઈસરો ચીફ કે. સિવનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે, પરંતુ આ ‘રોકેટમેન’ની એક કેરીની વાડીએ મજૂરી કરવાથી શરૂ કરીને છેક ઈસરોના ચીફ બનવા સુધીની સફર ભારોભાર રસપ્રદ અને પ્રેરણાદાયી રહી છે.

કે. સિવનનો જન્મ ખેડૂત પરિવારમાં થયેલો

એક ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલા કે. સિવનની ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ‘ઇસરો’ના ચીફ સુધી પહોંચવાની સફર ઘણી સંઘર્ષ ભરેલી છે. તેમનું પૂરું નામ કૈલાસવાદિવૂ સિવન છે. તેમનો જન્મ તમિલનાડુના કન્યાકુમારી જિલ્લાના મેલા સરક્કલવિલાઈ ગામમાં થયો હતો. કે. સિવનના પિતાને કેરીની વાડી હતી.

વાડીમાં પિતાને મદદ કરાવતા હતા

નાની ઉંમરથી જ તેઓ પિતાને ખેતીકામમાં મદદ કરતા હતા. પરિવારની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તેઓ ખેતીકામ માટે માણસો રાખી શકે. આથી કે. સિવન જ્યારે કોલેજની રજાઓમાં ઘરે આવતા ત્યારે પિતા સાથે તેમને પણ તરત જ ખેતરે મજૂરીએ જોતરાઈ જવું પડતું હતું. કેરીની વાડીનું નિંદામણ કાઢવાથી લઈને રખેવાળી કરવા સુધીનાં તમામ કામ આ બાપ-દીકરાની જોડી જ સાંભળતી હતી.

પિતાનીને મદદ કરવા વાડીથી નજીક કોલેજ પસંદ કરી

પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતા કે. સિવને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, સામાન્ય રીતે દરેક વિદ્યાર્થીને પોતાની કોલેજ મરજીથી પસંદ કરવાની ખ્વાહિશ હોય છે, પણ મારા પિતાની ઈચ્છા એવી હતી કે હું ઘર અને વાડીની નજીકની જ કોલેજ જોઈન કરું જેથી તેમને ખેતીકામમાં મદદ કરી શકું. હું કોલેજથી પરત આવીને સીધો જ કેરીની વાડીએ કામ કરવા પહોંચી જતો હતો.

કોલેજ પહેલાં તેમની પાસે ચંપલ કે પેન્ટ પણ નહોતાં

વધુ રસપ્રદ વાત તો એ છે કે, કે. સિવને જ્યારે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં પ્રથમ પગ મૂક્યો ત્યારે જ તેમના પગમાં ચંપલ આવ્યા હતા. કોલેજ પહેલાં સુધી તેઓ બધે ઉઘાડા પગે સફર કરતા હતા. પરિવાર પાસે ચંપલ ખરીદવાની ત્રેવડ નહોતી એટલું જ નહીં, સિવન પાસે પહેરવા માટે પેન્ટ સુદ્ધાં નહોતાં. તેમનું નાનપણ અને કિશોરાવસ્થા તમિલનાડુના પરંપરાગત પોશાક એવી ધોતી પહેરીને જ વીત્યું હતું. તેમ છતાં કે. સિવન કહે છે કે, હું એક ખેડૂત પુત્ર છું. મારા માતા-પિતાએ ક્યારેય મને ભૂખ્યો સૂવડાવ્યો નથી. અમારી આર્થિક પરિસ્થતિ સારી નહોતી છતાં, અમને ત્રણ ટંકનું જમવાનું મળી રહે તેનું મારાં માતા-પિતાએ હંમેશાં ધ્યાન રાખ્યું હતું.

એન્જિનિયરિંગ કરવાના પૈસા નહોતા

અભ્યાસ વિશેની વાત કરતાં કે. સિવને કહ્યું છે કે, ‘મારે એન્જિનિયરિંગ કરવું હતું, પણ મારા પિતા તેની ફી ભરી શકે તેમ નહોતા. મેં એન્જિનિયરિંગ કરવા માટે ઘણાં અઠવાડિયાં સુધી જીદ્દ પણ કરી હતી. મને એવું હતું કે મારા પિતાનું મન હું બદલી શકીશ પણ અંતમાં મારે મારું જ લક્ષ્ય બદલીને બેચલર ઓફ સાયન્સ ભણીને સંતોષ માનવો પડ્યો. સિવને ગણિત વિષય સાથે સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું.

‘પિતાએ મને એન્જિનિયરિંગ ભણાવવા પોતાની જમીન વેચી દીધી’

દીકરાની ઉચ્ચ અભ્યાસ કરવાની મહેચ્છા પૂરી કરવા માટે તેમના પિતાએ પણ બલિદાન આપવામાં કશું જ બાકી નહોતું રાખ્યું. કે. સિવન ઈન્ટરવ્યૂમાં કહે છે, ‘એકવાર અચાનક મારા પિતા મારી પાસે આવ્યા. તેમણે કહ્યું કે, મેં તને તારે જે ભણવું છે તે ભણતા અટકાવ્યો છે, પણ આગળથી આવું નહીં થાય. મને ખબર છે તને એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ છે અને તારા અભ્યાસના ખર્ચ માટે હું મારી જમીન પણ વેચી દઈશ.’ એમણે એવું કર્યું પણ ખરું.

એરોનોટિકલ એન્જિનિયરિંગ કર્યા પછી પણ જોબ ન મળી

કે. સિવન વધુમાં કહે છે કે, ‘મેં બી.ટેક. (બેચલર ઓફ ટેક્નોલોજી) પૂરું કર્યું તે પછી જોબ શોધવા માટે રાત-દિવસ એક કરી દીધા હતા. તે સમયે એરોનોટિકલ એન્જિનિયરિંગમાં અત્યંત મર્યાદિત નોકરીઓ ઉપલબ્ધ હતી. આ ક્ષેત્રના વિદ્યાર્થીઓને માત્ર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને નેશનલ એરોનોટિક્સ લિમિટેડમાં જ જોબ મળતી હતી.મને આ બંનેમાંથી કોઈ જગ્યાએ જોબ મળી નહીં. ત્યારબાદ મેં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં ભણવાનું શરૂ કરી દીધું.’

મારા કરિયરમાં મારે જે જોઈતું હતું તે ક્યારેય મળ્યું નથી’

જોબ વિશે તેમણે જણાવ્યું કે, મારે સેટેલાઇટ સેન્ટરમાં જોડાવું હતું, પણ મારે વિક્રમ સારાભાઈ સેન્ટરમાં જોડાવું પડ્યું. તે પછી મારે એરોડાયનેમિક્સ ગ્રૂપ જોઈન્ટ કરવું હતું, પણ હું PSLV પ્રોજેક્ટમાં જોડાયો. અત્યાર સુધીના મારા કરિયરમાં મારે જે જોઈતું હતું તે ક્યારેય મળ્યું નથી. પણ હા, મને જે જોબ મળી છે તે મેં સ્વીકારીને તેમાં મારું વર્ચસ્વ આપી દીધું છે. ભવિષ્યમાં પણ મને જે કામ સોંપવામાં આવશે તે હું દિલથી કરીશ.’

ચંદ્રયાન-2માં મળેલી પ્રારંભિક નિષ્ફળતાથી કે. સિવનની નિષ્ફળતાઓનો સિલસિલો હજી પણ જારી રહ્યો છે. પરંતુ તેમના જીવનનો ઘટનાક્રમ જોતાં એવું ચોક્કસપણે કહી શકાય કે આ જ વ્યક્તિ આગામી સમયમાં આપણને ગંજાવર સફળતા અપાવશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો