કેન્સરથી પીડાતા પતિની જિંદગી બચાવવા રસ્તા પર ચાની કિટલી શરૂ કરનાર શિલ્પા બેન પટેલની સંઘર્ષગાથા

હૈયે હામ હોય તો એકલી નારી પહાડ જેવા વિઘ્નો સાથે પણ બાથ ભીડી શકે છે એ સત્યને સાર્થક કરતો એક કિસ્સો તાજેતરમાં જ અમદાવાદના મણિનગરમાં રહેતી શિલ્પા પટેલ નામની મહિલાની સંઘર્ષગાથામાં જોવા મળ્યો.

પતિને બબ્બેવાર કેન્સર થયું. ઘરમાં આવક બંધ થઇ ગઇ. કોલેજના પહેલા વર્ષમાં ભણતી એકની એક દીકરી અને માતા શિલ્પાબેનનો અવિરત સંઘર્ષ શરૂ થયો અને રસોડામાં રોજ ત્રણ કપ ચા બનાવતી માતાને રસ્તા પર કિટલી શરૂ કરવી પડી !

જી હા, એક પત્ની અને એક માની દર્દીલી દાસ્તાન આવી જ છે. આશરે ૪ વર્ષ પહેલાં શિલ્પાબેનના પતિ શૌરીન પટેલને ગળાનું કેન્સર થયું. સિવિલમાં સારવાર કરાવી, ખાસ્સો ખર્ચો ય કર્યો પણ સારવાર સાર્થક ન નીવડતા મટવા આવેલું ગળાનું કેન્સર આંતરડા સુધી પહોંચી ગયું.

બીમાર પતિની આવક બંધ થઇ ચૂકી હતી એટલે ઘરખર્ચ અને બીમારીનો ખર્ચ કેમ કાઢવો એ મોટી સમસ્યા હતી પણ સંજોગો સામે લડી લેવું એવા મક્કમ નિર્ધાર સાથે શિલ્પાબેને સ્ટેડિયમ પેટ્રોલપંપ પાસે ચાની કિટની શરૂ કરી. પતિની કિમોથેરાપીની સારવારનો મહિને ઓછામાં ઓછો ૪૦ હજાર ખર્ચ થતો હતો એટલે ચા બનાવીને એમણે શક્ય એટલી આવક રળવાનું શરૂ કર્યું.

ચાના ધંધામાં થોડી ઘણી આવક થવા લાગી ત્યાં થોડા સમય પહેલાં દબાણ હટાવ ઝુંબેશમાં એમનો ધંધો બંધ થઇ ગયો હતો છતાં હિંમત હાર્યા વિના એમણે ફરી રસ્તાની બાજુમાં ટેબલ લગાવી ચા બનાવીને વેચવાનું શરૂ કર્યું. આજે પણ તે રોજ મણિનગરથી સ્ટેડિયમ આવે છે ને સવારથી સાંજ સુધી ગ્રાહકોને ચા બનાવીને પીરસે છે.

એમના આ શ્રમયજ્ઞ દરમ્યાન હોસ્પિટલના બિછાને પડેલા શૌરીન પટેલની દેખરેખ રાખવા એમની દીકરી કોલેજના અભ્યાસના ભોગે પણ આખો દિવસ હાજર રહે છે. પતિનું ભવિષ્ય અનિશ્ચિત છે, નિરંતર સારવાર ચાલુ છે ત્યારે પોતાના સૌભાગ્યને બચાવવા શિલ્પાબેન તનતોડ મહેનત કરી રહ્યા છે. ભીડમાં પણ એકલી છતાં ચા વેચીને પતિની જિંદગી ખરીદવાની એમની ખુમારી દાદ માગી લે તેવી છે.

આ પોસ્ટ ને વધુમાં વધુ શેર કરીને આગળ મોકલજો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો