સુરતના હરેકૃષ્ણ ડાયમંડના કર્મચારીઓને દિવાળી બોનસમાં મળી 600 KIWD કાર

દિવાળી પર કર્મચારીઓને કાર, જ્વેલરી અને રોકડ રકમ આપવા માટે જાણીતી સુરતની હીરા કંપની એચકે ડાયમંડ દ્વારા આ વખતે 600 કર્મચારીઓને કાર આપવામાં આવનાર છે. જેમાં એક દિવ્યાંગ મહિલા કર્મચારીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેને દિલ્હીમાં વડાપ્રધાનના હસ્તે કારની ગીફ્ટ અપાશે. જેનું વીડિયો કોન્ફરન્સીંગથી લાઈવ પ્રસારણ થશે. આ અંગે કંપનીના ચેરમેન સવજી ધોળકીયાએ જણાવ્યું હતું કે, કર્મચારીઓને સ્કિલને ધ્યાનમાં રાખીને તેમને કાર ભેટમાં આપવામાં આવશે જેથી તેઓ મોટીવેટ થતા કંપનીને જ રિટર્ન ફાયદો થવાનો છે.

600 કર્મચારીઓને અપાશે કાર

દર વર્ષે દિવાળી પર કર્મચારીઓને કાર ભેટમાં આપવા માટે જાણીતા સવજી ધોળકીયા દ્વારા આ વર્ષે કર્મચારીઓને રેનોલ્ટ અને સુઝુકી કંપનીની કાર ભેટમાં આપવામાં આવનાર છે. જે અંગે કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કુલ 1400 કર્મચારીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાંથી 600 લોકો કાર માટે એલિજીબલ થયા હતાં. બાકીના અન્ય કર્મચારીઓને તેમના ઈન્સેન્ટીવ પ્રોગ્રામ પ્રમાણે રોકડ રકમની એફડી આપવામાં આવશે.

દિવ્યાંગ મહિલાને મળશે કાર

કંપનીમાં કામ કરતી દિવ્યાંગ મહિલા કાજલને કારની ચાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આપવામાં આવશે. દિલ્હી ખાતે કાજલની સાથે અન્ય મહિલાને પણ કારની ચાવી આપવામાં આવશે. સાથે જ અન્ય બે કર્મચારીઓને વડાપ્રધાન ચાવી આપશે. જે સમગ્ર કાર્યક્રમનું સુરતમાં એચકે હબ ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

શું છે ઈન્સેન્ટીવ પ્રોગ્રામ

કર્મચારીઓને ભેટ અંગેના ઈન્સેન્ટીવ પ્રોગ્રામ અંગે કંપનીના ચેરમેન સવજી ધોળકીયાએ જણાવ્યું હતું કે, આ એક ઈન્સેન્ટીવ પ્રોગ્રામ છે. આ વર્ષે અમે આ સ્કિમને સ્કિલ ઈન્ડિયા ઈન્સેન્ટીવ પ્રોગ્રામ નામ આપ્યું છે. આ પ્રોગ્રામ અંતર્ગત દરેક કર્મચારીના પગારમાંથી અમુક રકમ અગાઉથી જમા કરવામાં આવે છે. અને એ કર્મચારીને કાર કે અન્ય સ્વરૂપે ભેટમાં આપવામાં આવશે. કર્મચારીને સૌ પ્રથમ મકાન અને અન્ય જરૂરીયાત સંતોષાઈ ત્યારબાદ કારની ગીફ્ટ કરવામાં આવતી હોય છે.

કુલ 1800 કર્મચારીઓને અપાઈ કાર

છેલ્લા ઘણા વર્ષોથી કાર આપવામાં આવતી હોવાથી દરવર્ષે કર્મચારીઓને કંપની દ્વારા અપાતી કારનો આંકડો લગભગ 1800ની ઉપર પહોંચ્યો હોવાનું કંપનીના મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

થોડા દિવસો અગાઉ ચાર કર્મચારીને આપી હતી મર્સિડિઝ

કંપની દ્વારા સુરત ખાતે 25 વર્ષ પૂર્ણ કરનાર 3 કર્મચારીઓને મર્સિડિઝ કાર ભેટમાં આપવામાં આવી હતી. આ સાથે જ એક કર્મચારીને મુંબઈ ખાતે મર્સિડિઝ કાર ભેટમાં આપવામાં આવી હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો