” પરમ સંતોષના આંસુ “

સંવેદનાથી ભરેલું વ્યક્તિત્વ એટલે વિઠ્ઠલભાઈ રાદડિયા. માંદગીના બિછાને પડેલ માણસની ખેડૂત માટેની ખેવનાની વાતની વધુ એક સત્ય હકીકત સોશિયલ મીડિયાના માધ્યમથી આપની સામે મૂકું છુ. પંડયની પીડાની પરવા કર્યા વિના સાચા લોકસેવકને સાજે એવું ઉમદા ,અકલ્પનીય કામ કરનાર આ રાજનેતાને ભાવવંદના સાથે એમનો વધુ એક પ્રેરક પ્રસંગ.

મણકો -4 :

” પરમ સંતોષના આંસુ ”

વાત 2015ની છે. જૂન મહિનો ચાલતો હોવાથી ચોમાસાનું આગમન થઈ ગયું હતું. નૈઋત્યમાં ઘૂઘવતા અરબી સમુદ્ર ઉપરથી કાળા ડીબાંગ વાદળાંઓની ખોપુ એક પછી એક ગર્ય (ગીર વિસ્તાર) ઓળંગીને આગળ ધપી રહી હતી. સૌરાષ્ટ્રનો ખેડૂત આ ખોપુ જોઈ જોઈને હરખાતો હતો. વાવણીલાયક વરસાદ વરસી જતા લાગઠ લાપસીના આંધણ મૂકાઈ ગયા હતા. સચરાચરમાં જાણે કે નવું જીવન આવી ગયું હતું.

ઠીક એવા સમયે સોરઠનો સાવજ બિછાને પડ્યો હતો. ઈ ડાલામથ્થો માણસ રાતદિવસ ગરીબોના કામ કરી ને આજ શરીરની નરવાઈ ખોઈ બેઠો હતો. લાખો દુવાઓના કારણે એના ઉપર થયેલી સર્જરી સફળ રહી હતી.

મોઢાના કેન્સરના કારણે વિઠ્ઠલભાઈ અમેરિકા ખાતે ચાલેલી લાંબી સારવાર બાદ ગાંધીનગર આવ્યા હતા.અહીં તેઓ ડોક્ટરોની નિગરાની હેઠળ રેડિએશન થેરાપીની સારવાર લઈ રહ્યા હતા. તબિયત નાજુક હોવાથી બોલવાની તથા ગાંધીનગર છોડવાની સખત મનાઈ હતી.

ત્રણ દાયકાથી જે માણસ રાજનીતિના માધ્યમથી અવિરત સેવા કરતો હોઇ એને ન બોલવાનું કહેવામાં આવે તો એને એ કઈ રીતે પોસાય ! તેમ છતા, સોરઠનો આ સાવજ ડોક્ટરોની સલાહ અને સૂચન પ્રમાણે આરામ ફરમાવી રહ્યો હતો.

અચાનક એક એવી કુદરતી ઘટના બને છે જે આ માણસને અંદરથી હચમચાવે મૂકે છે.એને મૂંગા રહેવું હવે પાલવે એમ નથી.

વાત જાણે એમ બની છે કે નૈઋત્યમાંથી ઉમડઘૂમડ ઉમટી આવેલા વાદળો ધરતી ઉપરનું પોતાનું હેત એક્સામટુ વરસાવી દે છે. આભના ધરતી ઉપરના વધુ પડતા અણધાર્યા હેતથી ખેડૂતોના છાતીના પાટિયા બેસી જાય છે. લોક્માતઓની છાતી ફાટી જાય એવો મૂશળધાર વરસાદ તૂટી પડે છે. અમરેલી જિલ્લો અને અમરેલી જિલ્લાને અડીને આવેલ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકને મેઘરાજા જોતજોતામાં ઘમરોળી નાંખે છે. ઓછા સમયમાં ભારે વરસાદ પડી જતા નદી નાળા પાણી સંગ્રહી નથી શકતા એટલે એમની મર્યાદા સમા કાંઠાને એ તોડી નાખે છે.ચારેકોર જળબંબાકારની સ્થિતિ વચ્ચે વાડી, ખેતર ને પાદર બધું હતું નહોતું થઈ જાય છે.

બે દિવસ પછી જ્યારે પાણી ઓછરે છે ત્યારે તારાજી સિવાય કાંઈ બચ્યું નથી હોતું.વાવેલા પાકનો તો કોઈ અત્તો પત્તો જ નહોતો રહ્યો.સીમ, શેઢા અને ખેતર ક્યાં ગયા એ કોઈ જાણતું નથી.

ખેડૂતને ખબર છે તો માત્ર એટલી જ કે એની પાસે હવે રળી ખાવા માટે કાંઈ નથી બચ્યું. નિમાણા ખેડૂનો ચહેરો જો ભગવાને જોયો હોઇ તો એ પણ કદાચ ફરીવખત આવી તારાજી સર્જવાની હિંમત ન જ કરે.લાખો કરોડોની કિમતી અને ભારે મહેનતથી ઉપજાઉ બનાવેલી જમીન રાતના અંધારમાં ક્યારે ઓગળી ગઈ એનો કોઈને તાગ નથી રહ્યો.પંથકના ગામડાઓમાં જ્યાં પણ જાઓ, નિ:સહાય ચહેરા નજરે પડી રહ્યાં છે.

મુસીબતની આ વેળાએ વિઠ્ઠલભાઈની સ્થિતિ પાંજરે પુરાયેલા બીમાર અને અશક્ત સિંહ જેવી હતી.ખેડૂ માટે કાયમ ખોંખારો ખાઈને બોલનાર વિઠ્ઠલભાઈ સુધી તારાજીના આ સમાચાર ન પહોંચે એ માટે ટેકેદારો, શુભેચ્છકો અને આગેવાનો તથા ઘરના સભ્યો ધ્યાન રાખી રહ્યા છે. સૌ જાણતા હતા કે ખેડૂ માણસની ખુવારીની ખબર જો વિઠ્ઠલભાઈને પડશે તો પછી એ ઝાલ્યા નહીં રહે. જગતના તાતની પીડા સામે આ માણસ પોતાના પંડ્યની પીડાને નહીં ગણકારે.એટલે સૌ ભારે ચૂપકીદી રાખી રહ્યાં હતા.

છતા વિઠ્ઠલભાઈને કંઈક માઠું થયાની ભનક આવી જ ગઈ હતી. કદાચ એમની છઠ્ઠી ઇન્દ્રિય સાબૂત હતી.

‘ મને આજના છાપા આપો અને ટીવીમાં સમાચાર કરો,મારે સમાચાર જોવા છે.’

વિઠ્ઠલભાઈએ ઈશારાથી કીધું એટલે સેવા કરનાર સમજી ગયા કે હવે પંથકમાં આવેલી આકાશી આફત છૂપાવી શકાય એમ નથી.

છાપાની હેડલાઈન અને ટીવીના દૃશ્યો ઉપર નજર પડતા જ વિઠ્ઠલભાઈ પથારીમાં અડધા બેઠા થઈ ગયા.માણસે એમને મહામહેનતે સમજાવીને પાછા સૂવડાવ્યા.

આખરે વિઠ્ઠલભાઈને સઘળી હકીકતથી વાકેફ કરવામાં આવ્યા.પૂર હોનારતની વાત સાંભળી વિઠ્ઠલભાઈ ફરીવખત પથારીમાંથી બેઠા થઈ ગયા.એમનો માંહ્યલો પોકારી ઊઠ્યો.

‘મારો ખેડૂત આજ લાચાર છે.એને સાંત્વના અને મદદની જરૂર છે માટે મારે કાંઈક કરવું જોઈએ.’

એમણે મનોમન કશુંક નક્કી કરી બીજી જ ક્ષણે સૂચના આપી દીધી.

‘રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક’ના મેનેજરને અહીં અબઘડી બોલાવો.’

કોઈ કશુંય બોલી વિઠ્ઠલભાઈને રોકી શકે એમ નહોતા.સૌ જાણતા હતા કે વિઠ્ઠલભાઈ હવે આરોગ્યની પરવા કર્યા વિના પોતાનું ધાર્યું જ કરશે.

વિઠ્ઠલભાઈ એ સમયે રાજ્યની બીજા નંબરની સૌથી મોટી સહકારી બેંક ‘રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક’ના ચેરમેન હતા.એમણે ખેડૂતોની મદદ માટે ઉપાય વિચારી લીધો હતો.સાંજ પડતા સુધીમાં તો બેંક મેનેજર અધિકારીઓની ટીમ સાથે હાજર હતા.

સૌની ઓછું બોલવાની વિનંતિ વચ્ચે વિઠ્ઠલભાઇનો આદેશ છૂટ્યો.

‘ અમરેલીની સાથે રાજકોટ જિલ્લાના જેતપુર, ગોંડલ, ઉપલેટા અને ધોરાજી તાલુકામા પણ અતિ ભારે વરસાદ પડ્યો છે.હોનારતને લીધે અત્યારે મારો ખેડૂત રાતાપાણીએ રોઈ રહ્યો છે.કુદરતે આજ એની કસોટી કરી છે.ભેગી આપણીય કસોટી કરી છે.કાંઈ પણ જોયા વિના આપડે ખેડૂતની વહારે આવવાનું છે.એના આંસુ લૂછી આજ પુણ્ય કમાવાની ભગવાને આપણને તક આપી છે.,’

“પણ, પ…ણ ..વિઠ્ઠલભાઈ !તમે ઓછું બોલો.ડોકટરે તમને બિલકુલ નહીં બોલવા માટે સલાહ આપી છે.જે કહેવું હોઈ એ ઈશારામાં કે પછી લખીને કહો.” મેનેજરે એમને વિનંતિના સ્વરે રોક્યા.

‘ જો મેનેજર સાહેબ ! આજે તમે સાંજે રાજકોટ પહોંચશો,એટલે આજે તો નહીં, પણ કાલે ઓફિસ જઈને મારા ખેડૂત ખાતેદારો માટે પરિપત્ર કરવાનું કામ પહેલા કરશો.દિવસ દરમિયાન બેંકની બધી જ બ્રાન્ચોને લેખિત હુકમો કરી એમની શાખાને પૂરતા નાણા મળી રહે એવી ગોઠવણ કરશો.આપણા અસરગ્રસ્ત ચારેય તાલુકાઓના તમામ અસરગ્રસ્ત ખેડૂતોને વગર વ્યાજની રૂપિયા બે લાખની સહાય મંજૂર થઈ જાય એ તમારે કાળજીપૂર્વક જોવાનું છે.પરમ દિવસે મારો ખેડૂત ખાતેદાર એના ખાતામાંથી આ રકમ ઉપાડી શકવો પડે.બસ !આટલું કરો એટલે હું બોલવાનું બંધ કરી ને આરામ કરીશ.’

આટલું બોલતા વિઠ્ઠલભાઈને શ્વાસ ચડી ગયો.

બીજે દિવસે વિઠ્ઠલભાઈ આખો દિવસ પથારીમાં સૂનમૂન પડી રહ્યા.પછીના દિવસે બપોર પછી સમાચાર આવ્યા કે ‘ રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંક’ના ખાતેદાર ખેડૂતોના ખાતામાં રૂ.બે-બે લાખ જમા થઈ ગયા છે ત્યારે વિઠ્ઠલભાઈનો શ્વાસ હેઠો બેઠો અને એમને હાશકારો થયો.

સૂતા સૂતા જ એમણે શ્રીનાથજીની છબી સામે બે હાથ જોડ્યા.એ સમયે એમની બંને આંખોમાં પરમ સંતોષના સાચા મોતી સમા આંસુ તગતગી રહ્યા હતા.

– રવજી ગાબાણી

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો