દિવાળી પર ગરીબોના ચહેરા પર સ્મિત લાવવા ‘સંવેદના ખુશીઓનો પટારો’ અભિયાન અંતર્ગત સુરતીઓએ 15 દિ’માં 3 લાખ નવાં-જુનાં રમકડાં અને કપડાં આપ્યાં

સુરત મહાનગર પાલિકા દ્વારા ‘સંવેદના ખુશીઓનો પટારો’ નામનું અનોખુ અભિયાન 30 સપ્ટેમ્બરથી શરૂ કરાયું હતું, જેમાં માત્ર 15 દિવસની અંદર જ કપડા, રમકડાં સહિત 3 લાખ વિવિધ વસ્તુઓ ભેગી થઇ ગઇ છે. ટેક્સટાઇલ માર્કેટમાંથી 20 હજાર નવી સાડીઓ એકત્ર થઇ છે. જ્યારે 500 રમકડા પણ નવા આપવામાં આવ્યા છે. 17મીએ ડાયમંડ બુર્સમાં 6 હજાર મજૂરોને ભેટ વિતરણ કરવાનો કાર્યક્રમ છે. ત્યારબાદ 18મીએ સ્મીમેર ખાતે હોમ શેલ્ટર અને 19મીએ રૂસ્તમપુરા કોમ્યુનીટી હોલ ખાતે વસ્તુ વિતરણ કરાશે.

બાળકના ચહેરા પર સ્મિત લાવતા ખુશી મળે: મ્યુ.કમિશનર

‘રાજકોટના સ્લમ વિસ્તારમાં એક ઝુંપડપટ્ટી તરફ ગયાં હતાં ત્યાં બાળકો પાસે કશું હતું નહીં, એ દિવસે મને લાગ્યું કે, આપણે દિવાળી ઉજવીએ છીએ, પણ ગરીબ બાળકો પાસે કશું હોતું નથી અને ખાલી આકાશને જોતા રહેતાં હોય છે,એટલે આપણે એવી દિવાળી ઉજવવી જોઇએ જેથી ગરીબો ખુશ થાય, ગરીબો ફટાકડા લઇ શકતા નથી અને બાળકો પીડાય છે. મેં રાજકોટના સ્લમ વિસ્તારમાં કાર્યક્રમ શરૂ કર્યો હતો. તે પછી સુરતમાં પણ ‘સંવેદના ખુશીઓનો પટારો’ અભિયાન શરૂ કર્યું. કોઈ ગરીબ બાળકના ચહેરા પર સ્મિત લાવીએ ત્યારે સૌથી વધુ ખુશી મળે છે.:મ્યુ.કમિશનર.

17 તારીખથી કાર્યક્રમની શરૂઆત થશે

બીજુ મેં એક સ્ટોરી વાંચી હતી કે, ગાંધીજી જ્યારે સ્વાધીનતા સંગ્રામમાં હતાં ત્યારે એક આદિવાસી વ્યક્તિ અર્ધનગ્ન અવસ્થામાં હતો તે પોતાના જીવનની મુડી જે એક રૂપિયો ગાંધીજીને રેલવે સ્ટેશન પર આવી સ્વાધીનતા સંગ્રામમાં તમે વાપરજો એમ કહી આપી હતી. આ ઘટના મને ખુબ જ સ્પર્શી ગઇ. એટલે મને લાગ્યું નાનામાં નાના માણસ પણ કંઈ આપે તો એને પણ સંતોષ મળે છે. એટલે નાનામાં નાના માણસે કઈ આપ્યું હોય અને મોટા માણસે 2 હજાર સાડી આપી હોય તો હું માનું છું કે, નાનામાં નાના માણસની વસ્તુ પણ એટલી જ અગત્યની છે કે જેટલી 2 હજાર સાડી આપનારની છે, કેમકે બંનેના ભાવ સરખા છે. આપણે જ્યાં જીવીએ છીએ ત્યાં કંઈ કરવું જ જોઈએ. આપણી આજુબાજુ આવા લોકોના જીવનમાં કઈ કરી શકીએ. આ પ્રોજેક્ટમાં જેટલા લોકો દાન કરે અથવા સંસ્થાઓ સાથે મળે આ લોકો સાથે આગળ વધીશું અને આ અભિયાન ચાલતું જ રહેશે. 17 તારીખથી આ કાર્યક્રમ શરૂ થાય છે. અલગ અલગ સ્લમ વિસ્તારોમાં કચરામાં પડેલી વસ્તુઓ વીણીને પોતાનું જીવન ગુજારતા મજૂર પરિવારના લોકોને દાનમાં આ વસ્તુઓ આપવામાં આવશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો