ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ સુરતના આંગણે શહિદ સૈનિકોના લાભાર્થે મોરારી બાપુની ભવ્ય રામકથાનું આયોજન વાંચો સંપૂર્ણ વિગત

સમગ્ર દેશના સીમાડાઓનું રક્ષણ કરતા વીર જવાનોના પરિવારના લાભાર્થે સુરતમાં આગામી ડિસેમ્બર મહિનામાં મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા પૂજ્ય મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ રામકથાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

સુરતના અગ્રણી નનુભાઇ સાવલિયા દ્વારા સ્થાપવામાં આવેલા મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા દેશના વીર સૈનિકો માટે આગામી તા. ૨જી ડિસેમ્બરથી ૧૦મી ડિસેમ્બર સુધી પૂજ્ય મોરારીબાપુની રામકથાનું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યુ છે. બીઆરટીએસ જંકશન સણીયાગામ ખાતે યોજાનારી આ ભવ્ય રામકથાના મંડપને બાપુએ કર્ણભૂમિ નામ આપ્યુ છે.

બીઆરટીએસ જંકશન કર્ણભૂમિ ગ્રાઉન્ડ, સણિયા ચેક, કેનાલરોડ, સુરત. કથા સ્થળ રાખવામાં આવ્યું છે. લાખો લોકો રાષ્ટ્રની સેવા માટેના આ કાર્ય માટે થનગની રહ્યા છે. રામકથામાં એક સાથે એક લાખ લોકો બેસી શકે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે અને આ તમામ લોકો ભોજન પ્રસાદી લઇ શકે તેના માટેની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવનારી છે. હીરા ઉદ્યોગ સહિતના ઉદ્યોગકારો દ્વારા આ રામકથામાં તન, મન, ધનથી સહકાર આપવાની તૈયારી દર્શાવી છે.

રાજ્યના તમામ શહેરોમાં કાર્યરત વિવિધ સેવાભાવી મંડળો દ્વારા સ્વયમ સેવક તરીકે સેવા આપવા માટે પણ તૈયારી કરવામાં આવી રહી છે. હિરા ઉધોગની રાષ્ટ્ર ભાવના ને સલામ, મોરારી બાપુની રામકથાના માધ્યમથી શહીદ પરિવારોના હિતાર્થે ફંડ એકત્ર કરવામાં સુરતના હીરા ઉદ્યોગકારો દ્વારા નોંધપાત્ર ફાળો આપવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

આ રામકથા રાષ્ટ્રની સેવા માટેનો અનોખો યજ્ઞ છે. રામકથાના માધ્યમથી દેશના વીર શહીદોના પરિવારને હુંફ આપવાનો અમારો પ્રયાસ છે અને સમગ્ર રાષ્ટ્રના તમામ નાગરિકોની પણ ફરજ છે કે, આ સેવા યજ્ઞમાં પોતાનું યોગદાન આપે. સુરતના આંગણે યોજાનારી આ રામકથા સાચા અર્થમાં રાષ્ટ્રની કથા બની રહે તે માટે તમામના સહકારની આવશ્યકતા છે અને સેવાભાવી સંસ્થાઓથી માંડીને વિવિધ મંડળો, શાળાઓના સંચાલકો સ્વયમ સેવકો દ્વારા પણ સહકાર માટે ઉત્સાહ દર્શાવવામાં આવી રહ્યો છે. – નનુભાઇ સાવલિયા

કથા સ્થળનું ભૂમિ પુજન 16-9-2017ના રોજ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા હીરા ઉદ્યોગ સહિતના અન્ય વેપાર જગતના મહાનુભાવોએ રાષ્ટ્ર માટે યોજાનારી આ કથામાં દાનની ગંગોત્રી વહેતી મુકી હતી અને ગણતરીની મીનીટોમાં જ રૂપિયા ૯ કરોડથી વધુ રકમનું દાન એકત્ર થઇ ગયું હતું. આ સમારોહમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના આઇ જી અજય કુમાર તોમર તેમજ રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી સુનૈના તોમર, બ્રીગેડીયર બી એસ મહેતા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

બીએસએફના આઇ જી અજય કુમાર તોમરે મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવનારી પ્રવૃત્તિ અંગે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આ દેશની સરહદ ઉપર રાષ્ટ્રની રક્ષા માટે જે સૈનિક ઉભો છે તે આ દેશનો પુત્ર છે અને તેના માટે આપ સહુ દેશવાસીઓ આટલો વિશાળ સેવા યજ્ઞ કરવા જઇ રહ્યા છો એ ખુબ જ આનંદની વાત છે. બોર્ડર ઉપર માત્ર તાર ફેન્સીંગ કરી દેવાથી જ સીમાની રક્ષા થાય છે એવુ નથી વાસ્તવમાં બોર્ડર ઉપર દેશના જવાનો ખડેપગે ચોવિસ કલાક તહેનાત રહે છે અને અત્યંત કપરી સ્થિતિમાં પોતાની ફરજ બજાવતા હોય છે. પ્રતિકુળ સંજોગોમાં સતત ફરજ બજાવતા આ જવાનોને જો રણ પ્રદેશ હોય તો ડ્યુટી બજાવવા માટે ૮૦૦ મીટર જગ્યા ફાળવવામાં આવે છે. ગુજરાતની ૫૮૬ કિલો મીટર જેટલી બોર્ડર કચ્છના રણ પ્રદેશમાં છે અને ત્યાં આસપાસમાં કોઇ માનવ વસ્તી કે પશુ પક્ષી પણ નથી હોતા, દિવસે ૫૦ ડિગ્રી જેટલી ગરમી અને સવારે કડકડતી ઠંડીમાં પણ આપણા જવાનો ફરજ બજાવે છે. જ્યારે આ જવાનોને ખ્યાલ આવશે કે દેશવાસીઓ તેમના માટે રામકથાના માધ્યમથી દેશસેવાનું કાર્ય કરી રહ્યા છે ત્યારે તેમના મનોબળમાં અનેકગણો વધારો થશે. અજય કુમારે સુરતવાસીઓની દાન આપવાની ભાવનાના વખાણ કર્યા હતા તેમજ રાષ્ટ્રની સેવાના આ કાર્યમાં યોગદાન આપનારા તમામની સરાહના કરી હતી.

જય જવાન નાગરિક સમિતિના કન્વીનર અને વરાછા કો-ઓપરેટીવ બેન્કના અગ્રણી કાનજીભાઇ ભાલાળાએ પ્રસંગોચિત વક્તવ્ય આપતા કહ્યું હતું કે, કથાના ત્રણ હેતુ હોય છે એક પિતૃ તર્પણ, બીજો પરિવારની સુખાકારી જ્યારે ત્રીજો કોઇ ધર્મસંસ્થા કે મંદિરના લાભાર્થે કથા થતી હોય છે. પરંતુ સુરતના આંગણે મોરારીબાપુની જે રામકથા થવાની છે તે અનોખી છે અને નનુભાઇ સાવલિયાએ તમામ હિત કરતા રાષ્ટ્ર હિતને પ્રાધાન્ય આપીને આ રામકથા રાષ્ટ્રના વીર જવાનોને સમર્પિત કરી છે જેની નોંધ આવનારા દિવસોમાં ઇતિહાસમાં લેવાશે.

 દીકરીના હાથે અપાયો દાનનો પ્રથમ ચેક

ભૂમિ પૂજનના કાર્યક્રમની શરૂઆત થતાની સાથે જ કથાના મુખ્ય યજમાન નનુભાઇ સાવલિયાની પુત્રી શ્રીમતી હર્ષાબેન પ્રશાંતભાઇ દ્વારા રૂપિયા એક લાખ ૧૧ હજારની રકમનો દાનનો ચેક નનુભાઇને આપવામાં આવ્યો હતો. રાષ્ટ્ર માટે આટલો મોટો સેવા યજ્ઞ શરૂ થઇ રહ્યો છે ત્યારે પુત્રીના હાથે જ પ્રથમ દાનની રકમનો ચેક મળે એ બાબત અત્યંત શુભ કહી શકાય. હર્ષાબેનનું સન્માન રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના અગ્રસચિવ શ્રીમતી સુનૈના તોમર દ્વારા શાલ અને પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યુ હતું.

રત્નકલાકારો આપશે એક દિવસનો પગાર તો કારખાનેદારો પણ એટલી જ રકમનું દાન આપશે

શહેરના હીરા ઉદ્યોગના અગ્રણીઓ દ્વારા દાનની રકમ જાહેર કરવાની શરૂઆત થઇ તેની સાથે જ રત્નકલાકારો દ્વારા રવિવાર અથવા તો રજાના દિવસે એક દિવસ પોતાના કારખાનામાં કામ કરી અને જે કંઇ વેતન મળે એ તમામ રકમ રાષ્ટ્રના સૈનિકો માટેની આ રામકથામાં દાનમાં આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેની સામે હીરાના અગ્રણી કારખાનેદારો દ્વારા પણ રત્નકલાકારો દ્વારા અપાતી રકમ સામે એટલી જ રકમ અથવા તો તેના કરતા વધારે રકમ દાનમાં આપવાની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યત્વે, ઘેવરીયા જેમ્સ, ક્રિષ્ના ઇમ્પેક્સ, બી.મહેશ, નીલ માઘવ, દીર્ધ ડાયમંડ, ભૂમિકા જેમ્સ, ધર્મ નંદન ડાયમંડ, એસઆરકે ડાયમંડ સહિતના ડાયમંડ યુનિટના સંચાલકો હીરા ઉદ્યોગની સાથે આ વખતે ટેક્સટાઇલ ઉદ્યોગ જુથો પણ દાન આપવા માટે તૈયાર થયા છે તેમજ સખી ફેબ્રીક્સ સહિતના અન્ય બે જૂથોએ રામકથામાં આર્થિક યોગદાનની જાહેરાત કરી છે.

વેલંજા ગામના ખેડૂતોએ આપ્યું રૂ.૧ કરોડનું દાન

રાષ્ટ્ર માટે યોજાનારી આ ઐતિહાસીક રામકથામાં માત્ર સુરત જ નહીં પરંતુ તેની આસપાસ આવેલા નાના નાના ગામડાના ખેડૂતો પણ તન, મન ધનથી સેવા આપવા માટે થનગની રહ્યા છે. વેલંજા ગામના ખેડૂતોએ એકત્ર થઇને પૂજ્ય મોરારી બાપુની આ રામકથા માટે રૂપિયા એક કરોડ જેટલી માતબર રકમના દાનની જાહેરાત કરી હતી. વેલંજા ગામના ખેડૂતો વતી હિરેનભાઇએ નનુભાઇ સાવલિયાને રૂપિયા એક કરોડની રકમનો ચેક આપ્યો હતો.

 ક્રિશ ભોગ ફુડના માલિકે એક વર્ષનો નફાનું દાન કર્યું

ક્રિશ ભોગ ફુડના સંચાલક રાજનભાઇ આજના કર્ણભૂમિ રામકથા મંડપના ભૂમિ પુજન સમારોહમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજનભાઇ પટેલે ૧લી ઓગસ્ટ ૨૦૧૭થી ૧લી ઓગસ્ટ ૨૦૧૮ સુધી એટલે કે, એક વર્ષ સુધી તેમની કંપની ક્રિશ ભોગ ફુડના યુનિટમાં જે કાંઇ નફો થશે એ રાષ્ટ્રના સૈનિકો માટે મારૂતિ વીર જવાન ટ્રસ્ટને દાનમાં આપવાની જાહેરાત કરી હતી.

અંકલેશ્વરના ખારેકના વેપારીએ આપ્યા રૂ.૧.૫૧ લાખ

અંકલેશ્વર ખાતે ખારેકની ખેતિ કરતા જયેશભાઇ સીધ્ધપરાએ પણ પોતાના તરફથી રાષ્ટ્ર સેવાના આ યજ્ઞમાં યોગદાન આપવાનું જાહેર કર્યું હતું. જયેશભાઇ દ્વારા રૂપિયા ૧ લાખ ૫૧ હજાર ૧૧૧ રૂપિયાનું દાન આપ્યુ છે અને કથા દરમ્યાન પણ તેઓ દ્વારા સહકારની ખાતરી આપવામાં આવી છે.

વીર સૈનિકો ના લાભાર્થે થવા જય રહી રામ કથા માં શ્રી કેશુભાઈ ગોટી(Glow star) એ રૂપિયા ૬૧ લાખ નું દાન અર્પણ કર્યું હતું જેમ તેઓ ની કંપની માં કામ કરતા રત્નકલાકાર ભાઈઓ એ રૂપિયા ૧૦ લાખ અને એનાથી પાંચ ગણી રકમ શ્રી કેશુભાઈ એ રૂપિયા ૫૧ લાખ ઉમેરી ને ૬૧ લાખ રૂપિયા વીર સૈનિકો ના લાભાર્થે અર્પણ કરેલ છે.

પુજ્ય મોરારી બાપુની રામકથાના મંડપના ભૂમિ પુજન સમારોહમાં જ સુરતના શ્રેષ્ઠીઓ દ્વારા જે પ્રકારે દાનની જાહેરાત કરવામાં આવી છે તેનો આંકડો રૂપિયા નવ કરોડથી પણ વધારે થવા જાય છે. આમ રામકથાના શ્રીગણેશ જ અત્યંત ઉત્સાહ અને રાષ્ટ્રભક્તિના માહોલ સાથે થયા છે આવનારા દિવસોમાં સુરતની આ કર્ણભૂમિ ઉપરથી સમગ્ર દેશમાં એક હકારાત્મક વિચાર પહોંચશે અને દેશના પ્રત્યેક નાગરિક માટે રાષ્ટ્ર ભક્તિનો એક નવો જ સંદેશો મળશે જેમાં કોઇ શંકા નથી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો