વિઘ્નહર્તાના વાહન એવા 50 સફેદ ઉંદરોને રાજકોટનો પટેલ પરિવાર સંતાનની જેમ સાચવે છે

દરેક મંગલ કાર્યમાં જેનું સર્વ પ્રથમ પૂજન થાય છે. તેવા વિધ્નહર્તાદેવ ગણપતિ બાપ્પાની ભક્તિના દસ દિવસીય મહોત્સવની રંગેચંગે ઉજવણી થઇ રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ ગણપતિબાપ્પા મોરિયાના નાદ સાથે ગણેશમય બની ગયા છે. અહીં વાત કરવી છે ગણપતિબાપ્પાના વાહનની એટલે કે મુષકની. સામાન્ય રીતે માણસને કૂતરાં, બિલાડા, પોપટ, ગાય, મોર કે કાચબા સાથે દોસ્તી, આત્મિયતા થઇ જાય એવું અનેક વખત બનતું હોય છે. પણ નટખટ મૂષકની માણસની સાથે દોસ્તી થાય અને મૂષકો પાછા માણસો સાથે જ ઘરમાં પરિવારના સભ્યોની જેમ રહે એ વળી કેવું? અને એ પણ એક સાથે 50 સફેદ ઉંદર. રાજકોટના સંત કબીર રોડ પર રહેતા અને બંગડીનું જોબવર્ક કરતા ઉમેશભાઇ રામાણીના ઘરે 50 જેટલા સફેદ ઉંદર છે અને મુષકરાજ સાથે એમને એવી દોસ્તી થઇ ગઇ છે કે મૂષકો રીતસર ઉમેશભાઇના શરીર પર આળોટે છે અને ઉમેશભાઇ પણ મુષકોને સંતાનની જેમ સાચવે છે.

પટેલ પરિવારના ઘરમાં માણસોની સાથે 4 વર્ષથી રહે છે સફેદ મૂષકો

મજુરી કામ કરતા ઉમેશભાઇએ જણાવ્યું હતું કે, ચારેક વર્ષ પહેલા ગણેશોત્સવ દરમિયાન બે જોડ સફેદ મૂષકની લાવ્યો હતો. પછી ઉત્સવ બાદ તેને રસ્તા પર છોડતા જીવ ન ચાલ્યો અને ઘરે પિંજરુ રાખ્યું, ધીમે ધીમે દર ત્રણ ચાર મહિેને મુષકોની જોડ છથી સાત બચ્ચાને જન્મ આપતી ગઇ એમને એમ વસ્તી વધતી ગઇ. ક્યારેક અમુક ઉંદર મોતને પણ ભેટ્યા છે. એક સમયે ઉંદરોનો વંશવેલો 125 સુધી પહોંચ્યો હતો. આજે 50 જેટલા મૂષકો મારા ઘરમાં રહે છે. મારા ઘરને મિત્રો અને સંબંધીઓ રેટ હાઉસથી વધુ ઓળખે છે. છેલ્લા ચાર વર્ષથી મારી પાસે સફેદ મૂષક છે, ગણેશ પંડાલમાં વિનામૂલ્યે મૂષકો આપું છું.

ઉંદરો ભોજનમાં લે છે કાજુ બદામ

ઉમેશભાઇ કહે છે કે દર મહિને ઉંદરો પાછળ 1 હજાર ખર્ચ કરૂ છું, તેને કાજુ, બદામ, દૂધ, આઇસ્ક્રીમનો ખોરાક આપવામાં આવે છે. ઘરના નવેરામાં ઉંદરો માટે અલગ વિભાગ જ કરવામાં આવ્યો છે. જેમાં અલગ અલગ પિંજરા રાખવામાં આવ્યાં છે. સફેદ ઉંદરો ઘરમાં છૂટથી હરી  ફરી શકે છે. ક્યાંય ભાગી જતા નથી તે ફળીયામાં વિહરી ફરી સમય થાય એટલે નવેરામાં આવી જ જાય છે.

ગણેશજીના પંડાલમાં રાખવા લોકોને વિનામૂલ્યે પણ આપવામાં આવે છે

રાજકોટમાં એકાદ હજાર કરતા વધારે સ્થળે ગણેશ પંડાલોનું આયોજન છે, જે લોકોને જોઇતા હોય તેને હું વિનામૂલ્યે ઉંદર આપું છું. જે  આરતીમાં અને પંડાલમાં આટાફેરા કરે અને લોકોમાં એક નવું આકર્ષણ ઉભું થાય છે. આજે મારી પાસે 20 જેટલા ઉંદરો જ બચ્ચા છે. મેં  રાજકોટના વિવિધ પંડાલ માટે 30 ઉંદરો આયોજકોને આપી દીધા છે. ફરી ઉત્સવ પૂરો થશે એટલે મારા ઘરે લાવીશ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો