રાજકોટમાં આરોપીને પકડવા ગયેલી પોલીસની આંખો થઈ ગઈ ભીની, પછી PSI સહિતની ટીમે કર્યું એવું કામ કે તમે પણ સહુને કરશો સલામ

રાજકોટમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ સરવૈયાને એક ફરિયાદ અરજી મળી જેમાં અરજી કરનારે એક સોની મહાજનની વિરુદ્ધમાં હાથ ઉછીના લીધેલા પૈસા પરત ન આપીને છેતરપીંડી કર્યાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ અરજીની તપાસ સરવૈયા સાહેબે એસઓજીમાં ફરજ બજાવતા પીએસઆઇ મોહમ્મદ અસ્લમ અન્સારીને સોંપી.

પીએસઆઇ અન્સારી ફરિયાદ અરજીની તપાસ કરવા માટે આરોપી સોની મહાજનને ત્યાં ગયા તો જાણવા મળ્યું કે થોડા વર્ષો પહેલા ધંધામાં નુકશાન જવાના કારણે સોની મહાજન સાવ રસ્તા પર આવી ગયા હતા. જે એક સમયે સોના ચાંદીનો ધંધો કરતા એ મહાજન હવે કોઈને ત્યાં ચોકીદાર તરીકે નોકરી કરીને ગુજરાન ચલાવતા. આજુ બાજુના પાડોશીઓ અને ઓળખીતા પણ થોડો ઘણો ટેકો કરતા ત્યારે માંડમાંડ પૂરું થતું.

તપાસમાં ગયેલા પીએસઆઇ અન્સારીએ જોયું કે 10 વર્ષની નાની દીકરી ખૂણામાં ચૂપચાપ ઉભી ઉભી બધું જોઈ રહી હતી. દીકરી માત્ર જુવે પણ કશું બોલે નહિ એટલે પીએસઆઇ અન્સારીએ સોની ભાઈને દીકરી વિશે પૂછ્યું. દીકરી વિશે પૂછતા જ પિતા ભાંગી પડ્યા. આંખમાં આંસુ સાથે આપવીતી વર્ણવતા કહ્યું કે દીકરીને કાનમાં તકલીફ છે, એ સાંભળી શકતી નથી. સાંભળી શકતી નથી એટલે બોલી પણ શકતી નથી. દીકરીના કાનની સારવાર કરાવવી છે પણ પેટ ભરીને ખાઈ શકાય એવી સ્થિતિ નથી એમ દવાખાનનો ખર્ચ કેમ ઉપાડવો ?

નાની દીકરીની સ્થિતિ વિશે સાંભળીને આખી પોલીસ ટીમની આંખો પણ ભેજવાળી થઈ ગઈ. પોલીસનું કામ ગુનેગારો સાથે હોવાથી એ બરછટ લાગે પણ હૈયું તો એનું પણ લીલું અને ભીનું જ હોય. પીએસઆઇ સહિતની આખી ટીમે તુરંત જ નક્કી કરી લીધું કે આ દીકરીને સાંભળતી અને બોલતી કરવી છે. દીકરીના પિતાને આ વાત કહી એટલે પિતા તો રડી જ પડ્યા.

જે પોલીસ ફરિયાદની તપાસ માટે ગઈ હતી એ 10 વર્ષની દીકરીને કાન અને જીભ પરત આપવાના સંકલ્પ સાથે પાછી આવી. દીકરીને સારવાર અપાવી, સાંભળવા માટેનું યંત્ર અપાવ્યું અને જે દીકરી બહેરી અને મૂંગી હતી એને સાંભળતી અને બોલતી કરી.

પોલીસ માત્ર ડંડા મારનારી જ નથી હોતી સંવેદનાઓ એનામાં પણ હોય છે જે આવા પ્રસંગોએ પ્રગટતી આપણે જોઈ અને અનુભવી શકીએ છીએ.

પીએસઆઇ અસ્લમ અન્સારી અને એની ટીમ દ્વારા થયેલા આવા માનવતાના કાર્યથી પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર ઓછું થાય અને સદભાવ વધે.

ગુજરાત પોલીસના આ ગૌરવવંતા કામને વંદન..

– શૈલેષભાઇ સગપરિયા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો