શ્રી રૈયા બાપા પટેલ અને રૈયાણી શાખ નો ઇતિહાસ

ગુજરાતના સોજીત્રા ગામમાંથી શામળ નામનાં પટેલ હાલારમાં ઉતયાઁ અને ભાખ ગામમાં રહ્યાં. ત્યાંથી આ કુટુંબ ખંભાળિયુ અને પીપળીયા થઈ દેરડી આવ્યું. આ મુદત દરમિયાન શામળ પટેલનાં વંશની મહંત‚ ગોવો‚ ધીરો‚ આશો‚ પુંજો‚ ધરમશી‚ સાતો અને માલો એ પ્રમાણે વંશાવલી થઈ. સાતા પટેલને બે દિકરા રૈયો અને રામ. ત્યારે તેઓ ભાખર અટક થી ઓળખાતાં.

રૈયા પટેલ સમથઁ પુરુષ થયા. ખેડનો જથ્થો મોટો હતો. દીલ ઉદાર હતુ અને પોતાનું માન સમજનાર પુરુષ હતાં. એ વખતે દેરડીમાં જેઠસુર વાળા કરી ને કાઠી દરબાર નુ રાજ ચાલતું તેની સાથે પટેલને સારા સંબંધ હતા. સંવત ૧૭૬૫ માં રૈયા પટેલે મોટો શેરડીનો વાડ વાવ્યો હતો શેરડી પાકતાં ચિચોડો શરુ કયોઁ અને ખેડુતો અને દરબાર આનંદ કરવા લાગ્યા ‚ એમ કહેવાય છે કે :

વાડની મોટી પેદાશ અને પટેલ ની જાહોજલાલી જોઇ દરબારને ઇષાઁ થવા લાગી. એક દિવસ દરબારે પટેલ ને બોલાવીને કહ્યું કે પટેલ‚ તમારે રાત્રે ચિચોડો હાંકવો નહી મારા જુવાન દિકરાઓને ઊંઘ નથી આવતી. આના જવાબમાં પટેલે જણાવ્યું કે બાપુ ચિચોડા ના અવાજથી જ આપડા કોઠારો છલકાઈ જશે અને રાત્રે ન હાંકીયે તો શેરડી ખૂંટે નઈ અને બમણો વખત લાગે માટે એ કારણસર ચિચોડો બંધ રખાય નઇ. આ જવાબ સાંભળી દરબાર ચિડાયને બોલ્યા ‚ મારુ કહેવુ ન માનવુ હોય તો પટેલ જમીન ખોરડા ખાલી કરો. રૈયા પટેલે કહ્યું ‚ અમારો આશરો મુકાવો છો તે ગેરવ્યાજબી છે. દરબારે કહ્યું‚ ગેરવ્યાજબી હોય તો મૂળ માંથી ઉખેડી નાંખજે.

બોલાચાલી પછી પટેલ તુરંત ઘરે આવ્યા અને ઉચાળા ભયાઁ અને મનમાં નિણઁય કયોઁ કે જે રાજા જેઠસુર વાળાને હરાવે એના રાજમાં રેવુ છે .એ વખતે કોટડામાં સાંગાજી જોરાવર પુરુષ હતા એટલે ઉચાળાં ના ગાડા કોટડા તરફ હાંકી મુક્યાં અને સાંજ પડતા ગોંડલી નદીનાં કાંઠા પાસે ગોંડલ નામનાં ગામમાં પાદર માં નદીને સામે કાંઠે બાવા લોહલંગરી ની જગામાં ઉચાળાનાં ગાડા છોડી ઉતારો ક્યોઁ. આ વખતે ગોંડલમાં ભા કુંભાજી રાજ કરતા હતાં. તેઓ પ્રજા પ્રિય હતા અને પોતાના રાજની ખેતીની આબાદી થાય તે માટે પટેલો ને વસાવવાની ઇચ્છાવાળા હતા. સાંજે ઘોડેસવાર થઇને ફરવા જતા હતા તેવામાં ઉચાળા ભરેલા ગાડા જોઇ ત્યાં આવ્યા અને પુછપરછ કરતાં જણાયુ કે ‚ દેરડીથી રૈયા પટેલ ઉચાળા ભરી કોટડામાં વાસ કરવા જાય છે. એટલે પોતે બોલ્યા કે પટેલ મારા રાજમાં રહો તો તમે ક્યો એટલુ પળત આપુ .

જવાબમાં રૈયા પટેલે જણાવ્યું કે બાપુ પળત તો ઠીક‚ પણ દેરડી જઈ ધીંગાણું કરી જેઠસુરવાળા ને નમાવે તેના રાજમાં મારે રહેવુ છે તમે તે કામ કરી શકો તો આપના રાજ્ય માં રહું. આ સાંભળી દરબાર રાજી થયા અને કહ્યું હું દેરડી દરબાર સામે ધીંગાણું કરીશ અને તેને હરાવીશ. ત્યાર પછી દશ સાંતીની જમીન પળત આપી અને પટેલાઇ સોંપી. આ વખતે ગોંડલમાં કુંભાર પટેલ હતો તેની પાસેથી પટેલાઇ લીધી. અહીં પણ દેરડી કરતાં વધારે જાહોજલાલી ખડી કરી દીધી અને ખેતીને આબાદ કરી. પોતાના જ્ઞાતિ ભાઇયો ને બોલાવી ગોંડલના ગામોમાં વસવવા માંડ્યા.

(સંવત ૧૭૬૬)
હવે પટેલે દરબારને પોતાનું વચન પાળવા સંભારી આપ્યું. એટલે દેરડી જીતવા મોટી ફોજ તૈયાર થઇ. સાથે રૈયો પટેલ પણ હથિયાર સજી ધીંગાણામાં જવા તૈયાર થયા અને ભા કુંભાજી દેરડી પર ચડ્યા. દેરડી પહોંચતા જ તોપ ફોડવામાં આવી અને ધીંગાણાનાં ખબર આપ્યા. સુરવીર કાઠીઓ પણ લડાઇ માટે તૈયાર થયા અને દેરડીનાં પાદરમાં જ ધીંગાણુ થયુ. ઘણા કાઠીઓ કપાઇ ગયા અને દરબાર જેઠસુરવાળા પણ આ લડાઇમાં કપાઇ ગયા. રૈયો પટેલ પણ કામ આવી ગયા અને કુંભાજીની જીત થઈ દેરડી ગોંડલમાં ભળી ગયું. આજે દેરડીને પાદર ઘણી ખાંભીઓ તે વખતની છે અને રૈયા પટેલની ખાંભી પણ ત્યાં જ છે. રૈયાણી કુટુંબમાં આજે પણ પહેલો દિકરો પરણી ને આવેે ત્યારે મીંઢોળ ત્યાં જઈ છોડવાનો રિવાજ છે.

રૈયા પટેલે ચારણની દિકરી બાઈ રાજબાઈને બેન માનેલા હતાં‚ તે રાજબાઈએ જ્યારે સાંભળ્યું કે‚ મારો ભાઈ રૈયા પટેલ ધીંગાણામાં પડ્યા છે અને પોતે ત્યાં આવ્યા. અને રૈયા પટેલનું શબ બળતુ હતુ ત્યાં બીજી ચિતા ખડકી પોતે સતી થયા. ત્યારથી રૈયા પટેલના વંશજો પોતાના કુળમાં બ્રહ્માણી અને ખોડિયારને પુજતાં તે બંધ કરીને રાજબાઈને પુજતા થયા અને તેના નિવેદ થાય છે. આજે પણ રૈયા પટેલ પાસે રાજબાઈની મૂતિઁ અને ખાંભી બેસાડેલ છે.

રૈયા પટેલને છ દિકરા હતાં‚ તે રૈયાણી કહેવાયાં અને આજ અઢીસો વરષ માં તેના કુળ માં ચારસો ઘર થયાં છે. તેમાં ૧૦૦ ઘર ગોંડલમાં અને બીજા જેતલસર‚ સરસઈ‚ ગુંદા‚ વિરપર‚ હળિયાદ વગેરે જગ્યાઓ મળી આશરે ૩૦૦ ઘર છે. ..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!