ભરુચઃ પાણીમાં ફસાયેલી બસમાંથી 17 લોકોના જીવ બચાવનાર PSIનું ‘જીવન રક્ષા પદક’થી સન્માન થશે

આજે દેશભરમાં 74માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઇ રહી છે. આ પર્વે રાજ્ય સરકાર દ્વારા કોરોનાના સંક્રમણ વચ્ચે ઉત્તમ સેવા બજાવનાર કોરોના વોરિયર્સનું સન્માન કરાશે. પરંતુ આજે આપણે એવા વોરિયરની વાત કરવી છે કે, જેમણે પોતાના પ્રાણોની પણ પરવા કર્યા વગર ડૂબતા 17 લોકોનો જીવ બચાવ્યો હતો. પ્રાણવીરસિંહ ચંદનસિંહ સરવૈયાએ 2018માં ભરૂચ જિલ્લાના અવિધા ગામની ગુંડવા ખાડી ખાતે પાણીમાં ફસાયેલ બસમાંથી જાનના જોખમે બસમાં સવાર 17 લોકોના જીવ બચાવ્યા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

એક લાખનું ઈનામ અને પ્રમાણપત્ર

પ્રાણવીરસિંહે તેમના નામને સાર્થક કરતાં 2018માં ભરૂચમાં ડૂબતી બસના 17 લોકોનું જીવન બચાવી ખરા અર્થમાં જીવન રક્ષક બન્યા હતા. તેમના આ અદમ્ય સાહસ માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તેમનું નામ ભારતના રાષ્ટ્રપતિને જીવન રક્ષા પદક માટે મોકલાયું હતું અને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તેમના નામની જાહેરાત ગત 26મી જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી. આ પદક તેમને આજે યોજાનાર જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં એનાયત કરવામાં આવશે. આ પદક સાથે તેમને રૂપિયા 1 લાખની પ્રોત્સાહક રાશી અને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે.

શું હતી સમગ્ર ઘટના?

અત્યારે રાજકોટ ખાતે પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવતાં પ્રાણવીરસિંહ સરવૈયાએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, આ બનાવ વખતે તેઓ ભરૂચ ખાતે ફરજ બજાવતાં હતાં. 2018માં ચોમાસુ બરાબર જામેલું હતું તેવા સમયે એક બસ રાજપીપળાથી ભરૂચ આવી રહી હતી. ભારે વરસાદ તથા રસ્તાનું કામ ચાલું હોવાથી ડ્રાયવરે બસને અવિધા ગામથી સાચવીને ચલાવી રહ્યા હતાં. પરંતુ ઉંડવા ખાડી ખાતે 10 ફુટથી વધુ પાણી વહી રહ્યું હતું અને આ હાલતમાં બસ બંધ થઇ ગઇ હતી. ભારે વરસાદને કારણે ચારે તરફ પાણીનો પ્રવાહ વધી રહ્યો હતો.

ધસમસતા પાણીમાં ફસાયેલી બસમાંથી બચાવ્યા હતા 17 લોકોના જીવ

મુસાફરોને બચાવવા માટે કેળના ડ્રીપ ઈરીગેશન પાઈપનો ઉપયોગ
આવા કપરા સમયે ભરૂચ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને જાણ થઇ કે, અવિધા ગામ પાસે બસ ડૂબી રહી છે. તેણે પી.એસ.આઇ. સરવૈયાને જાણ કરી. પરિસ્થિતિની જાણ થતા સરવૈયા પોતાના તાબાના ત્રણ કોન્સ્ટેબલ દિનેશભાઇ વસાવા, ફિરોઝભાઇ મુલતાની અને શ્રવણકુમાર વસાવા સાથે સ્થળ પર પહોંચ્યા. પરંતુ સ્થળ પર જોયું કે, પાણીનો પ્રવાહ વધતો હતો અને તેના કારણે બસમાં પાણી ઉંચું ચડવા લાગ્યું હતું. બસમાં સવાર લોકોનો જીવ જોખમમાં હતો. આ પરિસ્થિતિમાં તેમને બચાવવા માટે હોડી કે અન્ય કોઇ સાધનો હાથવગા નહોંતા. એટલામાં તેમની નજર બાજુના ખેતરમાં પડેલા મોટા પાઇપો પર પડી કે જે કેળના ખેતરમાં ડ્રીપ ઇરીગેશન માટે ખેતરમાં પડેલા હતા.

પ્રાણવીર સિંહ અને 3 સાથીઓનું થશે સન્માન

ખેતરો ખૂંદતા- ખૂંદતા અને તરતાં-તરતાં બસની માંડ બસની નજીક પહોંચ્યા હતાં. તેમણે અને ત્રણ કોન્સ્ટેબલે આ પાઈપના સહાયે બસની નજીક જવા પાણીમાં ઝંપલાવ્યું. પરંતુ પાણીના પ્રવાહને કારણે પાઇપ પણ ખેંચાઇ જતાં હતાં. ઘણી મથામણ પછી તેઓ બસ સુધી પહોંચ્યા અને બસમાં સવાર 17 લોકોને મહામુશ્કેલીથી પાણીની બહાર લાવ્યાં. આ બસમાં વૃધ્ધ અને બાળકો પણ હતાં તેમની સ્થિતિ ઘણી ખરાબ હતી. પાણીથી બહાર આવ્યા બાદ તેમની મેડિકલ તપાસ અને નાસ્તો કરાવી સહી સલામત તેમના ઘરે પહોંચાડ્યા હતાં. આમ, જેમના પોતાના નામમાં પ્રાણવીર છે તેવા પી.એસ.આઇ. એ સાચા અર્થમાં ડૂબતી જીંદગી બચાવી હતી. નોંધનીય છે કે, આવું સાહસ કરનાર કર્મયોગીઓના સાહસને બિરદાવવા માટે 1961થી રાષ્ટ્રપતિ દ્વારા પ્રતિવર્ષ આ પદક આપવામાં આવે છે. 2020 માટે સરવૈયા અને તેમના તાબાના ત્રણ કોન્સ્ટેબલને આ વર્ષના ‘જીવન રક્ષા પદક’થી સન્માનિત કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો