શ્રી મહાકાળી માતા મંદિર, પાવાગઢ

દેશભરમાં ફેલાયેલી કુલ 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ એટલે પાવાગઢ સ્થિત મહાકાળી. દેવી પાર્વતીનું આ સ્વરૂપ અસૂરોના નાશ માટે સર્જાયું છે અને તેની ઉપાસના, આરાધનાથી વ્યક્તિના જીવન ફરતે વિંટળાયેલા આસુરી પરિબળો નાશ પામતાં હોવાની શ્રદ્ધા ભાવિકો ધરાવે છે. ઘોર તપસ્યા માટે પણ આ સ્થાન ઉત્તમ મનાય છે. પાવાગઢના કાલિકા માતાજી દક્ષિણ કાળી તરીકે પૂજાય છે. આથી વૈદિક તથા તાંત્રિકવિધિઓ અનુસાર અહીં પૂજા-અર્ચના થાય છે.

વર્ષો પહેલા પાવાગઢ – ચાંપાનેર પંથકમાં પતઇ કુળના રાજા રાજ્ય કરતા હતા. તેઓ કાળકા માતાના પરમ ઉપાસક હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન કાળકા માતા દર નવરાત્રિના નવ દિવસ અહીં ગરબા રમવા આવતા હતા. પતઇ કુળના છેલ્લા શાસક રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રિમાં મદિરાપાન કર્યું અને રુપ બદલી ગરબે રમતા માતાજીને જોઇ તેમના રુપથી મોહિત થઇ ગયા.

તેમણે માતાજીનો પાલવ પકડી રાણી બનવા કહ્યું. માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ પતઇ રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહી, તેથી કોપાયમાન થઇ માતાજીએ પોતાનું અસલ સ્વરુપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા છ મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઇ જશે. એ મુજબ, છ જ મહિના પછી અમદાવાદના સુબા મહેમુદે પાવાગઢ પર આક્રમણ કર્યું.

પૌરાણિક માહાત્મ્યઃ સ્કંદ અને હરિવંશ પુરાણ અનુસાર, દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં વગર આમંત્રણે ગયેલા તેમનાં પુત્રી પાર્વતીનું દક્ષે અપમાન કરતાં પાર્વતીએ યજ્ઞની વેદીમાં કૂદીને પ્રાણત્યાગ કર્યો. આથી ક્રોધે ભરાયેલા શંકરે ખભા પર પાર્વતીનો દેહ ઉઠાવીને તાંડવ નૃત્ય આદર્યું. શંકરના ક્રોધથી સૃષ્ટિને બચાવવા ભગવાન વિષ્ણુએ ચક્ર વડે પાર્વતીના દેહના ટૂકડા કરવા માંડ્યા. એ વખતે જે ટૂકડો જ્યાં પડ્યો એ સ્થાન શક્તિપીઠ તરીકે ઓળખાય છે. પાવાગઢ પણ એવી જ એક શક્તિપીઠ છે.

ગરુડ પુરાણ અનુસાર પાવાગઢ અને તેની આસપાસની નિર્જન પહાડીઓ રાજર્ષિ વિશ્વામિત્રીનું સાધનાક્ષેત્ર હતું. વિશ્વામિત્રે પોતાના તપોબળથી આ પાવાગઢની ખીણમાં પોતાની શક્તિઓ વહાવીને ટોચ પર સ્વહસ્તે કાલિકા માતાની સ્થાપના કરી હતી. આ કથાની સાહેદી પૂરતી વિશ્વામિત્રી નદી આજે પણ પાવાગઢમાંથી નીકળે છે.

પાવાગઢનો કિલ્લો અત્યંત મુશ્કેલ અને અભેદ ગણાતો હતો. પરંતુ અમદાવાદના શાસક મહંમદે જુનાગઢ ઉપરાંત પાવાગઢને પણ પરાસ્ત કરવામાં સફળતા મેળવી હતી. બે ગઢ જીત્યા હોવાથી તે બેગઢો-બેગડો કહેવાયો હતો.

મહંમદ બેગડા સામેના યુદ્ધમાં પાવાગઢના શાસક પતાઈ રાવળનું પતન થયું હતું. એ વખતે મહંમદના સૈન્યે મહાકાળીના મંદિરને ભારે હાનિ પહોંચાડી હતી. એ પછી દોઢસો વર્ષ સુધી મંદિર જિર્ણ અવસ્થામાં રહ્યા બાદ વડોદરાના ગાયકવાડે તેનો પુનરોદ્ધાર કરાવ્યો હતો.

ઐતિહાસિક મહત્વ

પાવાગઢનો કિલ્લો અત્યંત મુશ્કેલ અને અભેદ ગણાતો હતો. પરંતુ અમદાવાદના શાસક મહંમદે જુનાગઢ ઉપરાંત પાવાગઢને પણ પરાસ્ત કરવામાં સફળતા મેળવી હતી. બે ગઢ જીત્યા હોવાથી તે બેગઢો-બેગડો કહેવાયો હતો. મહંમદ બેગડા સામેના યુદ્ધમાં પાવાગઢના શાસક પતાઈ રાવળનું પતન થયું હતું. એ વખતે મહંમદના સૈન્યે મહાકાળીના મંદિરને ભારે હાનિ પહોંચાડી હતી. એ પછી દોઢસો વર્ષ સુધી મંદિર જિર્ણ અવસ્થામાં રહ્યા બાદ વડોદરાના ગાયકવાડે તેનો પુનરોદ્ધાર કરાવ્યો હતો.

મંદિરનાં મુખ્ય આકર્ષણો

ડુંગર પર આવેલું મંદિર આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. માચી તરીકે ઓળખાતી તળેટીથી મંદિર સુધી જવા માટે સર્પાકારે જંગલ અને પહાડ વચ્ચેથી પસાર થતાં ૧૫૦૦ પગથિયાં ચડવા પડે છે. રોપ-વેની સુવિધા પણ પ્રાપ્ય છે. ટ્રેકિંગ માટે ચાંપાનેરથી માંચી અને પાવાગઢ સુધી પહાડના રસ્તે જવાના આયોજન પણ લોકપ્રિય છે.

આરતીનો સમય

સવારે 5:00 વાગ્યે
સાંજે 6:30 વાગ્યે

દર્શનનો સમય

24 કલાકમાંથી 22 કલાક માતાના દરવાજા દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહે છે. માત્ર શણગાર માટે બે કલાક દ્વાર બંધ કરવામાં આવે છે.

કેવી રીતે પહોંચવું

સડક માર્ગઃ ગુજરાતના તમામ મહત્વનાં શહેરો સાથે પાવાગઢ માર્ગો વડે જોડાયેલું છે. વડોદરાથી દર 30 મિનિટે પાવાગઢ જવા માટેની બસ મળી રહે છે. પાવાગઢ અને વડાદરા વચ્ચેનું અંતર માત્ર 48 કિમી છે. પાવાગઢની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય આસો (ઓક્ટોબર) તથા ચૈત્રી નવરાત્રિનો ગણાય છે.
નજીકનું રેલવે સ્ટેશનઃ ચાંપાનેર છે.
નજીકનું એરપોર્ટઃ વડોદરા છે.

નજીકના મંદિરો

1). લક્ષ્મીનારાયણ મંદિર વડોદરા 53 કિમી

2).ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર સરનાલ 58 કિમી

3).રણછોડરાયજી મંદિર ડોકોર- 76 કિમી.

4).ભાથીજી મંદિર ફાગવેલ 85 કિમી.

રહેવાની સુવિધાઃ પર્વતની ટોચ પર રહેવાની વ્યવસ્થા નથી પણ નીચે ઘણી ધર્મશાળાઓ આવેલી છે. મંદિરનું અન્નક્ષત્ર શ્રદ્ધાળુ માટે ખુલ્લું હોય છે. જ્યાં બે ટંકનું જમવાનું આપવામાં આવે છે. પાવાગઢ તીર્થ ધર્મશાળામાં રહેવાની સુવિધા છે, જેનો ચાર્જ 100 રૂપિયા છે. ફોન નંબર-02676-245606

સરનામું: મહાકાળી મંદિર, પાવાગઢ હિલ, પાવાગઢ, તાલુકો- હાલોલ, જિલ્લો- પંચમહાલ, ગુજરાત- 389360

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો