શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સેવા સમાજ સુરત સમૂહ લગ્નને કરશે દેશને સમર્પિત,ચાંદલાના રુપિયા મોકલાવશે શહીદોના પરિવારને

કાશ્મીરમાં પુલવામાં જીલ્લામાં થયેલા આત્મઘાતી હુમલામાં વીરગતિ પામેલા ૪૨ વીરજવાનોને જય જવાન નાગરિક સમિતિ સુરત અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી ભાવાંજલી અર્પી છે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સેવા સમાજ સુરત તરફથી આગામી રવિવારે સમુહલગ્ન સમારોહનું આયોજન છે. સમુહલગ્ન સમારોહમાં લોકો તરફથી મળનાર ચાંદલા સ્વરૂપનું તમામ દાન વીર જવાનોના પરિવારોને આપવાનું નક્કી કરેલ છે. તા. ૧૭/૦૨/૨૦૧૯ રવિવાર મોટાવરાછા, અબ્રામા રોડ ખાતે યોજાનાર સમુહલગ્નોત્સવમાં ર૬૧ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે. સાંજે ૫ કલાકે લગ્ન વિધિ શરૂ કરતા પહેલા તમામ વરઘોડીયા સહીત જનમેદની વીર જવાનોને ભાવાંજલી આપશે. અને ત્યારપછી લગ્નવિધિ શરૂ કરવામાં આવશે. વધુમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખશ્રી કાનજીભાઈ આર. ભાલાળાએ જણાવ્યું છે કે સમુહલગ્નનાં માંડવે લોકો તરફથી સમાજને લગ્નમાં ચાંદલા સ્વરૂપે દાન મળતું હોય તે આ ૬૦ માં સમુહલગ્ન સમારોહમાં લગ્નના દિવસે જે કંઈપણ દાન મળશે તે પુલવામાં હુમલામાં વીર ગતિ પામેલા વીર જવાનોના પરિવારોને આપવામાં આવશે. સુરતની જનતા એ હંમેશા ઉમદા રાષ્ટ્રીય ભાવનાથી કામ કર્યું છે. ત્યારે સુરત તરફથી વીર જવાનોને માટે પોતાનો ભાવ અને પરિવારો માટે લાગણી વ્યક્ત કરી નાગરિક તરીકેનું કર્તવ્ય નિભાવશે.

૧૯૯૯ કારગીલ યુધ્ધ સમયે શરૂ થયેલ જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી રાષ્ટ્રીય ચેતના માટે નોંધનીય કાર્ય થાય છે. છેલ્લા ૨૦ વર્ષથી વીર શહીદ જવાનોના પરિવારજનોને પુરા સન્માન સાથે આર્થિક સહાય આપવાનું કાર્ય થાય છે. સમગ્ર ભારતમાં સતત વર્ષોથી લોકોમાં રાષ્ટ્રીય ચેતના પ્રગટાવવાનું કાર્ય માત્ર સુરતથી થાય છે.

સુરતની આ સંસ્થા જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી પુલવામાં હુમલામાં શહીદ જવાનોને વંદન સાથે સલામ કરે છે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સમુહલગ્નમાં મળનાર દાન ની રકમ આ પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોનાં શક્ય તેટલા પરિવારો સુધી પહોંચાડવામાં આવશે. સુરતની રાષ્ટ્રપ્રેમી જનતાને આ વીર જવાનોના પરિવારોને આર્થિક સહયોગ આપવા અનુરોધ છે. જય જવાન નાગરિક સમિતિ સુરતનો ચેક સ્વીકારવામાં આવે છે.

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા દેશના અત્યાર સુધીના સૌથી મોટા આતંકી હુમલામાં 44 જવાનો શહીદ થયા છે. ત્યારે દેશભરમાં તેનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. આતંકવાદીઓને તેમના જ પ્રમાણે જડબાતોડ જવાબ આપવામા આવે તેવી માંગ ઉઠી રહી છે.  સુરત પણ આ હુમલાથી શોકગ્રસ્ત છે. આ સમયે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા રવિવારે અબ્રામા રોડ પર યોજાનારા 261 નવયુગલોના સમૂહલગ્ન દેશને સમર્પિત રહેશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો