સુરતમાં પટેલ પરિવારે દીકરાના લગ્નની કંકોત્રી પક્ષીઓના માળા જેવી બનાવી જીવદયાનો સંદેશો આપ્યો, પક્ષીઓની સંખ્યા દિનપ્રતિદિન ઓછી થતાં અનોખી કંકોત્રી બનાવી

સામાન્ય રીતે લગ્નના નિમંત્રણ માટે બનાવાતી કંકોત્રીમાં હજારો રૂપિયાનો ખર્ચ કરીને તૈયાર કરવામાં આવતી હોય છે પરંતુ સુરતના પટેલ પરિવારે પોતાના દીકરાના લગ્નમાં કંકોત્રી અનોખી રીતે તૈયાર કરાવી છે. લગ્નની કંકોત્રી પક્ષીઓનો માળો બની જાય તે રીતે ફોલ્ડિંગથી બનાવવામાં આવી છે. લગ્નની કંકોત્રીમાં જીવદયાનો સંદેશો પણ લખવામાં આવ્યો છે. આ કંકોત્રીને સગાસંબંધીઓ પણ સરાહનીય પગલું ગણાવી રહ્યાં છે.

પર્યાવરણ જાગૃતિ માટે માળા જેવી કંકોત્રી બનાવાઈ

કંકોત્રી તૈયાર કરાવનાર રાહુલ પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે કંકોત્રીમાં વપરાતો કાગળ પ્રસંગ પુરો થાય એટલે પસ્તી બની જતો હોય છે. પરંતુ આ કંકોત્રી પક્ષીઓનું રહેઠાણ બની જાય તે રીતની ડિઝાઈન કરવામાં આવી છે. હું જીવદયા પ્રેમી છું અને આજે ઘટતી ચકલીઓની ચિંતામાઁથી આ વિચાર પ્રગટ્યો હતો. જેથી અમે આ રીતની અલગ કંકોત્રી બનાવીને સંબંધીઓને નિમંત્રણ આપવાનું નક્કી કર્યું છે. પહેલા શહેરોમાં પક્ષીઓના ઝુંડ દેખાતા જે હવે માંડ એકલ દોકલ દેખાય છે. પક્ષીઓના રહેઠાણ ઘટતાં આ સમસ્યા પેદા થઈ છે. જેથી આ કંકોત્રી મુંગા પક્ષીઓ માટે અનોખું ઘર પણ સાબિત થશે.

ફોલ્ડીંગ કંકોત્રી બનાવાઈ

મામા અલ્કેશ પટેલે જણાવ્યું હતું કે, કંકોત્રી બનાવવા માટે પણ ખાસ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેને માળો બનાવવા માટે તેને ફોલ્ડિંગ રાખવામાં આવી છે..જેથી તેને આસાનીથી ફોલ્ડ કરીને માળો બનાવી શકાય..પહેલાં ફોલ્ડમાં વિવાહ સંસ્કાર સાથે ચકલીઓનું પ્રવેશ દ્રાર,બીજા ભાગમાં લગ્નનું આમંત્રણ,ત્રીજા ભાગમાં પ્રસંગની ઝલક અને ચોથાભાગમાં પરિવારનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ રીતે પ્રકૃતિ અને પર્યાવરણ જાળવણીની જવાબદારીનો સંદેશો આપવામાં આવ્યો છે.યુનિક વેથી આ કંકોત્રી બનાવી છે. જેથી લોકો આસાનીથી તેનો માળો પણ બનાવી શકે.એટલે લોકો તેને ફોલ્ડ કરીને માળો બનાવી શકે છે.

પહેલાં વિચિત્ર લાગતું હતું

યુવકની માતા રમીલા પટેલએ જણાવ્યું હતું કે,શરૂઆતમાં દીકરાનાં લગ્ન માટે આ કંકોત્રી બનાવવાનું તેમને વિચિત્ર લાગતું હતું. પણ દીકરાનાં ઘરની સાથે સાથે કોઇ પક્ષીનો પણ માળો બંધાય એ વિચારે તેઓ આગળ વધ્યા. શરૂઆતમાં તો તેમણે ફક્ત તેમનાં પરિવાર માટે જ 500 જેટલી કંકોત્રીઓ છપાવી હતી. જે લોકોને ખૂબ પસંદ આવી રહી છે તેનો આનંદ છે.

નવા વિચારને વધાવાયો

પત્રિકા વહેંચવા જતાં સંબંધીઓ અને મિત્રો પણ આ યુનિક કંકોત્રી જોઇને ખુબ ખુશ થયાં..સામાન્ય રીતે ઘરમાં આવતી કંકોત્રીઓ લગ્ન પુરા થયે પસ્તીમાં જ જતી હોય છે..ત્યારે પક્ષીનાં માળામાં ફેરવાઇ જતી આ કંકોત્રી લોકોને એટલી પસંદ આવી જાય છે જેથી તેઓ તેને સહર્ષ સ્વીકારે છે. જીવદયાપ્રેમી આ સંઘવી પરિવારે લગ્નમાં દીકરાનું ઘર વસાવવાની સાથે સાથે ચકલીનાં સંરક્ષણ માટે માળા રૂપી કંકોત્રી આપવાની અનોખી પહેલ કરી છે.જેને લોકો પણ ખુબ પસંદ કરી રહ્યા છે. પટેલ પરિવારની આ પહેલથી પુત્રનાં લગ્નની ખુશી સાથે પક્ષીઓનાં માળાની ખુશાલીમાં પણ અનેકગણો વધારો થયો છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો