ભારતીય મૂળના ડ્રિમર પાર્થિવ પટેલે યુએસમાં રચ્યો ઇતિહાસ, વકીલ તરીકે તરીકે લીધી એન્ટ્રી

ન્યૂજર્સીઃ એક તરફ ટ્રમ્પ પ્રશાસન અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને કાઢી મૂકવા માટે તત્પર છે તો બીજી તરફ ભારતીય મૂળના એટર્ની પાર્થિવ પટેલે ઇતિહાસ રચ્યો છે. તેઓ એવા પહેલા ડ્રિમર છે જેને ન્યૂજર્સી બાર એસોસિએશને વકીલ તરીકેની માન્યતા આપી છે.

પટેલને ન્યૂજર્સીના એટર્ની જનરલ ગુરબીર ગ્રેવાલ, કે જેઓ પોતે જ આ સ્ટેટમાં વકીલ તરીકેનો હોદ્દો સંભાળનારા પ્રથમ ઇન્ડિયન અમેરિકન છે, તેમણે હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. ન્યૂજર્સીના ગર્વનર ફિલ મર્ફીની હાજરીમાં પાર્થિવ પટેલે હોદ્દો ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે તેમના પત્ની સારીકા પણ હાજર રહ્યા હતા.

“ડ્રિમર્સ પણ અમેરિકન જ છે,” શપથ લીધા બાદ પટેલે જણાવ્યું. તેમણે કહ્યું કે “અમે તમારે ડોક્ટર્સ, એકાઉન્ટન્ટ્સ, અને વકીલ છીએ. એટલું જ નહીં તમારા ગેસ સ્ટેશનના એટેન્ડન્ટ્સ, તમારા માટે કોફી જે લોકો કોફી શોપ પર કોફી બનાવે છે તે પણ અમે જ છીએ પરંતુ અમે લોકો ડોક્ટર્સ કે લોયર્સ નથી બની શકતા કારણ કે કાયદો અમને આમ કરતા અટકાવે છે. પટેલે કહ્યું કે ડ્રિમર્સની ચિંતા કરનારા અમેરિકામાં મોજુદ છે અને તેથી જ અમને લાગે છે કે અમે આ લડાઇમાં એકલા નથી.

5 વર્ષની ઉંમરે આવ્યા હતા અમેરિકા

પાર્થિવ પટેલ જ્યારે પાંચ વર્ષના હતા ત્યારે માતા-પિતા સાથે અમેરિકા આવ્યા હતા. તેમને ડીએસીએ સ્ટેટ્સ 2012માં મળ્યું હતું. તેમણે ડેક્સેલ યૂનિવર્સિટીની થોમસ આર.ક્લિન સ્કૂલ ઓફ લોમાં અભ્યાસ કર્યો છે. અને ન્યૂજર્સી અને પેન્સિલવેનિયા એમ બન્ને જગ્યાના બારની એક્ઝામ પાસ કરી છે.

ડ્રિમર કોને કહેવાય

ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહુડ એરાઇવલ્સ પ્રોગ્રામ (ડીએસીએ) હેઠળ અમેરિકામાં આવેલા લોકો ડ્રિમર તરીકે ઓળખાય છે આ એવા લોકો છે જે નાનપણમાં દસ્તાવેજ વિના અન્ય દેશોમાંથી અમેરિકામાં લાવવામાં આવ્યા છે.ડોનાલ્ડ ટ્રમ્પે ગત વર્ષે પાંચમી સપ્ટેમ્બરે બાળકો તરીકે અમેરિકામાં ગેરકાયદેસર રીતે લવાયેલાં લાખો ઇ-મિગ્રન્ટને દેશનિકાલ સામે રક્ષણ આપતી ડીએસીએ (ડિફર્ડ્ એક્શન ફોર ચિલ્ડ્રન એરાઇવલ) યોજના નાબૂદ કરી નાંખી હતી. ૨૦૧૨માં ઓબામાએ આ યોજનાનો પ્રારંભ કર્યો હતો. જો કે હવે તેમનું વલણ કૂણુ પડ્યું છે. ડીએસીએ અંતર્ગત લેટિન અમેરિકા સહિતના દેશોના આઠ લાખ યુવા ઇ-મિગ્રન્ટને અમેરિકામાં કાયદેસર કામ કરવાનો અધિકાર મળ્યો હતો. ન્યૂ યોર્કમાં ડ્રીમર્સની વસતી ૪૨ હજાર છે. તેઓ અમેરિકા માટે લાભદાયી છે. તેઓ કાયદાનું પાલન કરે છે. ખૂબ જ મહેનત કરે છે. કરવેરા ચૂકવે છે.

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો