ગુજરાતનું એક એવું ગામ જ્યાં કોર્ટ નહીં પરંતુ દાતણ અને લોટો અપાવે છે ન્યાય!

ગુજરાતનું એવું ગામ જ્યાં પેઢી દર પેઢીથી પરંપરાગત સર્વસામાન્ય નિયમો છે. જ્યાં ગામના કોઇ પણ વ્યક્તિને અન્યાય થાય તો ન્યાય મેળવવાનો કંઇક વિચિત્ર નિયમ છે. સવાર પડે પ્રભાતિયા અને મંદીરમાં ઝાલર વાગે.

જ્યારે પણ કોઇ વ્યક્તિ દાતણ અને લોટો લઇ આ મંદીરના દ્વારે બેસી જાય તો મંદીરમાં પૂજા આરતી નથી થતી. સાથે ભગવાનને ભોગ પણ અર્પણ નથી કરવામાં આવતો. આના પાછળનું કંઇક અજીબ કારણ છે.

અન્યાય થયેલો વ્યક્તિ દાતણ અને લોટી લઇ આ મંદીરના શરણે આવીને બેસી જાય છે. આ ગામનો નિયમ છે જે પરંપરાગત છે. ત્યારબાદ ગામ લોકો એકઠા થાય છે અને સમસ્યાનો ઉકેલ નિકાળવાના પ્રયત્નો કરે છે. ન્યાય મળે પછી જ ગામ લોકો બીજા કામોની શરૂઆત કરે છે.

તમે શું માનો છો કે એક લોટો અને દાતણ આખાય ગામને ધમરોળી નાખે? જી હાં, આવું જ થયું છે અમદાવાદથી 80 કિલોમીટર દૂર આવેલા એક ગામમાં. આ ગામ એટલે મહેસાણા જિલ્લાનું પાંચોટ

જાણો લોટા-દાતણથી કેવી રીતે થાય છે ન્યાય?

– એક ગામમાં એવી ઘટના બની કે હેમંત નામના વ્યક્તિને તેમના કાકા સાથે જમીન-મિલ્કતને લઇ પરિવારમાં ઝઘડો થયો.

– ઝઘડાનું કારણ હતું કે, હેમંતને લાગતું હતું કે કાકાએ તેમની મિલ્કત વહેંચણીમાં અન્યાય કર્યો છે. જેને લઇ તે મંદીરના દ્વારે આવી બેસી ગયો.

– આ ઘટનાને લઇ મંદિરના પૂજારી શાસ્ત્રીજીએ મંદીરમાં આરતીના કરી અને ભગવાનને ભોગ ન ધરાવ્યો. આરતીની ઝાલર ન વાગતા ગામ લોકો મંદીરે એકત્રિત થઇ ગયા.

– મંદીરના ઓટલે બેસેલા હેમંતને ગામના વડિલોએ સમજાવ્યો અને દાતણ-લોટો લઇ લીધો.

– ત્યારબાદ ગામના આગેવાન જયરામભાઇને ન્યાય મળે તે માટે મંદીર પર બોલાવવામાં આવ્યા.

– હેમંતની માગ હતી કે જમીન સહિયારી છે. જેનો 70 ટકા ભાગ તેને અને 30 ટકા ભાગ કાકાની એક જ દીકરી છે તેમને મળે.

– બન્નેની વાત અને માગ સાંભળી ગામ લોકો અને આગેવાનોએ સમજાવીને ચુકાદો આપ્યો. બન્નેના ભાગમાં 45-45 ટકા જમીન મળે. આ જમીનમાં જે ઉત્પાદન થાય ઉપજ આવે તેનું ગામના અન્નક્ષેત્રને દાન કરવામાં આવે.

– અંતે કાકા-ભત્રીજાનું સમાધાન થઇ ગયું. લોકો નાની-મોટી વાતોમાં કોર્ટે પહોંચે છે. આ ગામના લોકો મંદીર પહોંચે છે. કોર્ટના પગથિયાં ચડતાં નથી. ગામમાં જ ન્યાય મેળવે છે.

શું છે દાતણ-લોટાનો મતલબ…?

– વર્ષો જૂની આ ગામની ન્યાય પ્રણાલીમાં આખા ગામને ભરોસો અને વિશ્વાસ છે.

– આ ગામની ન્યાય આપવાની આ પરંપરા ગાયકવાડી રાજથી ચાલી આવે છે તેવું પંચાયતના વડીલ સભ્ય મણિભાઇ પટેલે જણાવ્યું હતું.

– દાતણ-લોટા પાછળનું પણ એક કારણ અજીબ છે. વાપીમાં પોતાનો બિઝનેસ ત્યાગી પોતાના ગામ પાંચોટ પરત ફરેલા અશોકભાઇ પટેલે કહ્યું કે, ગામમાં લોટો અને દાતણ લઇ મંદીર દ્વારે જઇ બેસવું એટલે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી દાતણ નહીં કરે અને ચા પણ નહીં પીવે.

– આ પાંચોટ ગામના લોકો મોટા અપરાધોમાં જ કોર્ટ જાય છે. નહીતર કોર્ટના પગથિયા પણ નથી ચડતાં. દરેક પ્રકારના સમસ્યાનું સમાધાન આ ગામનાં મંદીરે જ થાય છે.

કોર્ટમાં કેસોના ઢગલા…

– રિટાયર્ડ થયેલા એસીપી નરેશ પટેલના જણાવ્યા અનુસાર, તેમણે કહ્યું કે, હું જ્યારે અહીં ફરજ બજાવતો હતો ત્યારે ઘણાં ગામોના કેસ આવતા પરંતુ પાંચોટ ગામનો એક પણ કેસ નથી આવ્યો. જ્યારે મે ગામમાં જઇ તપાસ કરી તો જાણ થઇ કે નાના-મોટા કેસ, કંકાસ અને ઝઘડાનો અંત ગામમાં જ આવી જતો હતો. જેને લઇ કોઇ પોલીસ સ્ટેશન પહોંચતું નથી.

– ગામની પરંપરાગત ન્યાય પ્રણાલી વિશે ગુજરાતના ભૂતપૂર્વ જિલ્લા ન્યાયાધીશ પી.જે ધોળકિયાએ જણાવ્યું હતું કે, આ પ્રણાલી યોગ્ય છે. ગામમાં જ આનો નિકાલ કરવો એ આવકારદાયક છે. કોર્ટમાં કેસોના ઢગલા હોય છે અને ઝડપી નિરાકરણ નથી આવતું. તેથી આ ગામની પ્રક્રિયા યોગ્ય અને સરળ છે.

ગરીબો માટે ગામમાં મફત ભોજન…

– ધોળકીયાના જણાવ્યા અનુસાર, આ રીતે કોર્ટ બહાર ચાલતી ખાપ પંચાયતો જેવી પંચાયતોને પ્રોત્સાહન ન મળવું જોઇએ. જો કે, ગુજરાતમાં ચાલતી આદિવાસી વિસ્તારોમાં ન્યાયપ્રથાને બંધ કરાવી દેવામાં આવી છે.

– મોટા ગુના, મર્ડર, ચોરી, લૂંટ, રેપ અને મારપીટ જેવી બાબતોમાં ન્યાય મેળવવા માટે હંમેશા કોર્ટ દ્વારા જ નિકાલ લાવવો જોઇએ. રાજ્યની ન્યાય પ્રણાલી જાળવી રાખવા આ પ્રકારે પંચાયતોનો આધાર ન રાખવો.

– ગામમાં લોકો પોતાના ભાગનો અમુક ટકા ભાગ દાનમાં આપે છે. ગામમાં દરેક જ્ઞાતિના લોકો દાન કરે છે. જે દાન આસપાસના ગરીબો માટે ચાલતા અન્નક્ષેત્રને આપવામાં આવે છે.

– મહત્વની વાત તો એ છે કે, ગામના 251 લોકોએ પોતાના દેહદાનનો સંકલ્પ કર્યો છે. જે મૃત્યુ બાદ તબીબી કામમાં આવી શકે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો