પાનખરની વ્યથા: દીકરાના ઘરમાં માન નથી, ઘરડાઘરમાં જગ્યા નથી

‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનામાં માનતા ભારતમાં પણ હવે લોકો સ્વતંત્ર બનીને રહેવા લાગ્યા છે. જેને કારણે દિવસેને દિવસે વૃદ્ધો રઝળી રહ્યા છે અને વૃદ્ધાશ્રમમાં આશરો લેવા માટે મજબૂર બની રહ્યા છે. તેમાં પણ ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં તો આ સ્થિતિ વધુ ગંભીર બની ગઇ છે. જેમ જેમ સમાજમાં સમૃદ્ધિ આવતી ગઇ એમ એમ કુટુંબ ભાવના જતી ગઇ.આ ગંભીર ગણાતી સમસ્યા ભાગ્યે જ કોઇ ચર્ચા કે ચિંતના થાય છે, ત્યારે સુખી કહેવાતા સમાજમાં વૃદ્ધોની થયેલી વલેને લઇ DivyaBhaskar.Com વૃદ્ધાશ્રમને લઇ એક્સક્લુઝિવ અહેવાલ રજૂ કરી રહ્યું છે.

આર્થિક કારણો અને ઘટી ગયેલી સહનશક્તિને કારણે રઝળી રહ્યા છે વૃદ્ધો

21મી સદીમાં સતત મોબાઇલમાં મોં નાંખીને એક્ટિવ રહેતા મનુષ્ય પાસે તેમના માતા-પિતા કે દાદા-દાદીના ખબર પૂછવાનો સમય નથી. જો કે વૃદ્ધાશ્રમ વધવાના અનેક સામાજિક કારણો છે. જેમાં પરિવારની અવહેલનાથી લઇ આર્થિક કારણો સામેલ છે. તો બીજી તરફ આજની પેઢીની ઘટી ગયેલી સહનશક્તિને કારણે વૃદ્ધો રઝળી રહ્યા છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 30થી વધુ વૃદ્ધાશ્રમો

* મોટા-નાના પુત્રએ કાઢી મૂક્યા, વચેટની આર્થિક સ્થિતિ નબળી, વૃદ્ધાશ્રમમાં લીધો આશરો

મૂળ ધંધુકાના અને અગાઉ મેઘાણીનગરમાં રહેતા ગણપતભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે તેઓ સુથારીકામ કરતા હતાં. તેમને ત્રણ પુત્રો અને એક પુત્રી છે. ગણપતભાઈએ તેમના ત્રણેય પુત્રોને પોતાના મકાન કરી આપ્યા અને સેટલ પણ કરી દીધા હતા. તેઓ નિવૃત થઈ જતા મોટા પુત્ર સાથે રહેતા હતા. પરંતુ બાદમાં તમે ખાટલા રોકો છો. બારીમાં ઉભા રહો છો. તેમ કહીને મ્હેણાં મારતા હતાં. ગણપતભાઈ અને તેમની પત્નીને પુત્રએ ઘરમાંથી કાઢી મુકતા તેઓ નાના પુત્રના ઘરે રહેવા ગયા હતા. જોકે નાના પુત્રએ પણ તેમને છ મહિના સુધી જ રાખ્યા હતા. બીજા નંબરના પુત્રને લાગણી હોવાથી તે પોતાના ઘરે લઈ ગયો હતો. ત્રણેક મહિના સુધી તો ગણપતભાઈ અને તેમના પત્ની તેમની સાથે રહ્યા હતાં. પરંતુ વચેટ પુત્રની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. મોટા અને નાના પુત્રને માતા પિતાએ આર્થિક મદદ કરવા પણ કહેવા છતાં તેઓએ કોઇ મદદ કરી ન હતી. જેથી બીજા પુત્રની આર્થિક પરિસ્થિતિ જોઈ નારણપુરાના જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં રહેવા આવી ગયા હતા.

શેરમાટીની ખોટ પૂરવા જેને બે હાથે માંગ્યા હતા એ સંતાનો આજે હાથ ઝાલવા તૈયાર નથી

પુત્રો નહીં ભાઇ આપે છે વૃદ્ધાશ્રમમાં રહેવાનો ખર્ચ

છેલ્લા અઢી વર્ષથી વૃદ્ધાશ્રમમાં રહેતા ગણપતભાઈ અને તેમની પત્ની રસિલાબેનના વૃદ્ધાશ્રમમાં રહેવાના પૈસા પણ રસિલાબેનના ભાઈ આપે છે.માત્ર બીજા નંબરનો પુત્ર જ તેના માતા-પિતાને મળવા માટે વૃદ્ધાશ્રમમાં આવે છે. ગણપતભાઈના ત્રણ પૌત્ર અને ત્રણ પૌત્રીઓ છે જે યુવાન છે. તેઓ પણ હજુ સુધી દાદા-દાદીને મળ્યા નથી. દિવાળીમાં મળવા માટે પણ પુત્રો કે પૌત્ર-પૌત્રીઓ ન આવ્યાં હોવાનું ગણપતભાઈ અને રસિલાબેને ભારે હૃદય સાથે જણાવ્યું હતું.

પુત્રી મચ્છુ હોનારતમાં તણાઇ, પતિ લેવા ન આવ્યા

મૂળ મૂળીના અને મોરબીમાં પરણેલા હંસાબેન જોશીએ જણાવ્યું હતું કે, તેઓ જ્યારે મોરબી રહેતા હતા ત્યારે મચ્છુ હોનારતમાં તેમની પાંચ વર્ષની પુત્રી અને સાસુ તણાઈ ગયા હતા. આ સમયે હંસાબેન અમદાવાદ દવા લેવા આવ્યા હતા અને તેમના પતિ બહારગામ હોવાથી તેઓ બચી ગયા હતા. આ હોનારત બાદ હંસાબેનના પતિ તેમને લેવા આવ્યા ન હતા. જેથી તેઓ તેમના માતા-પિતા અને ત્રણ ભાઈઓ સાથે અમદાવાદ બાપુનગર રહેવા આવી ગયા હતા.

પોલીસ કર્મી ભાઇઓએ મકાન પચાવી પાડી કર્યા નિરાધાર

ત્રણેય ભાઈ પોલીસમાં નોકરીએ લાગી ગયા હતા. હંસાબેનના પિતાનું મૃત્યુ થતા હંસાબેન અને તેમની માતાને અલગ મકાન લઈ દેતા તેઓ અલગ રહેવા લાગ્યા હતા. બાદમાં ભાઈઓએ ભેગા મળી મકાન પચાવી પાડ્યું હતું. માત્ર એટલું જ નહીં, તેમનું આધારકાર્ડ, રેશનકાર્ડ, પાસબુક ચેકબુક પણ પડાવી લીધી હતી. સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તેમના મોટાભાઇ અશોક જોશીએ દર અઠવાડિયે મળવા આવીશ કહી તેમના મોટાભાઈ જેઓ સાબરમતી તેમને જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા હતા. ત્યાર બાદ તેઓને જોવા પણ આવ્યા નહીં.

પોલીસ કમિશનરને જાણ કરી ત્યારે વૃદ્ધાના ડોક્યુમેન્ટ્સ મળ્યા

જીવનસંધ્યા વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી સુકેતુભાઈ નાગરવાડિયાએ જણાવ્યું હતું કે હંસાબેને આવીને જણાવ્યું હતું કે તેમના ભાઈએ તેમનું આધારકાર્ડ, પાસબુક સહિતના ડોક્યુમેન્ટ્સ લઈ લીધા છે અને પરત આપતા નથી. જેથી તેઓએ તાત્કાલિક શહેર પોલીસ કમિશનરને ફોન કરી જાણ કરી હતી. ત્યાર બાદ કમિશનરે નારણપુરા પોલીસને જાણ કરતા પીઆઈ સહિતની ટીમ વૃદ્ધાશ્રમ આવી હતી અને તેમના ભાઈની માહિતી લઈ તેમની પાસેથી ડોક્યુમેન્ટ્સ પરત અપાવ્યા હતા.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જીવનસંધ્યામાં 185 વૃદ્ધો રહે છે. જેમાં 12 જેટલા કપલ છે. નજીવી ફી લઈ તેઓ વૃદ્ધોને રાખે છે.

રાજકોટમાં 8થી વધુ વૃદ્ધાશ્રમ, 7 વર્ષ પહેલા 4 જ હતા, મોટાભાગના હાઉસફૂલ

સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની સમા રંગીલા રાજકોટમાં 8થી વધુ વૃદ્ધાશ્રમો છે. 7 વર્ષ પહેલા 4 જ વૃદ્ધાશ્રમો હતા. લોકોની બદલાતી જીવન શૈલીને લઇને પોતાના માતા-પિતાની સારસંભાળ વૃદ્ધાશ્રમમાં યોગ્ય રીતે થાય તેવી માનસિકતા બંધાઇ ગઇ છે. રાજકોટનું સદભાવના વૃદ્ધાશ્રમમાં સંતાનો વગરના વડીલોને જ રાખવામાં આવે છે તે પણ એક પણ પૈસો લીધા વિના. વૃદ્ધાશ્રમમાં વડીલોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. રાજકોટના મોટાભાગના વૃદ્ધાશ્રમો હાઉસફૂલ છે, અમુક વૃદ્ધાશ્રમોમાં 8થી 10 અરજીઓ પેન્ડિંગ છે.

સંતાન નથી, શરીરે સાથ ન આપ્યો એટલે વૃદ્ધાશ્રમમાં આવ્યો

મૂળ ભાવનગરના તળાજાના 63 વર્ષિય રમેશભાઇ મોહનભાઇ ઉજેનીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા આછ મહિનાથી સદભાવના વૃદ્ધાશ્રમમાં આવ્યો છું. મારી પત્નીની તબીયત સારી નહોતી, તેની સેવા કરી, તેના અવસાન બાદ શરીરે સાથ ન આપતા વૃદ્ધાશ્રમમાં જવાનો નિર્ણય કર્યો હતો. હું સુથારી કામ કરતો હતો.

6 દીકરીના માતાને પુત્ર ન હોવાથી રહે છે વૃદ્ધાશ્રમમાં, 75 વર્ષ સુધી નોકરી કરી

રાજકોટના જ લલિતાબેન સુથારે જણાવ્યું હતું કે, મારી ઉંમર 80 વર્ષ છે. 20 વર્ષ પહેલા પતિનું અવસાન થયું હતું. 75 વર્ષની થઇ ત્યાં સુધી નોકરી કરી બાદમાં દીકરી સાથે રહેતી હતી. દીકરી આપણી હોય પણ જમાઇને પણ પરિવાર હોવાથી તેને તકલીફ ન પડે તે માટે વૃદ્ધાશ્રમમાં રહેવાનો નિર્ણય લીધો. હું છેલ્લા ત્રણ મહિનાથી સદભાવના વૃદ્ધાશ્રમમાં રહું છું. મારે છ દીકરી છે પણ દીકરો નથી.

રમણિક કુંવરબા વૃદ્ધાશ્રમના કર્તાહર્તા શું કહે છે

શહેરના રમણિક કુંવરબા વૃદ્ધાશ્રમના કર્તાહર્તા ભાવનાબેન જોશીપુરાએ જણાવ્યું હતું કે, અમારે ત્યાં વડીલો આવતા-જતા હોય છે. હાલ વૃદ્ધાશ્રમ હાઉસફૂલ છે. આઠથી દસ અરજીઓ પેન્ડિંગ છે. ઘણા સંતાનો પોતાના માતા-પિતાને પરત પણ લઇ જતા હોય છે. અમે જરૂરિયાતવાળા વૃદ્ધોને જ લઇએ છીએ.

શું કહે છે સામાજિક કાર્યકર

સામાજિક કાર્યકર મિતલ ખેતાણીએ જણાવ્યું હતું કે, આજથી સાત વર્ષ પહેલા રાજકોટમાં વૃદ્ધાશ્રમની સંખ્યા 50 ટકા જ હતી. આજે 8થી વધુ વૃદ્ધાશ્રમો છે. વૃદ્ધાશ્રમમાં આર્થિક રીતે સદ્ધર હોય તેઓ પાસેથી વતળતર લેવામાં આવતું હોય છે જેથી અન્ય વડીલોનો નિભાવ ખર્ચ પણ થઇ શકે.

રાજકોટના કયા વૃદ્ધાશ્રમમાં કેટલી સંખ્યા 

– દીકરાનું ઘર, ઢોલરા- 45

– સદભાવના વૃદ્ધાશ્રમ-125

– રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમ, ગોંડલ રોડ-50

– મહેશ્વરીમાતા વૃદ્ધાશ્રમ રતનપર- 80

– અંધ અપંગ વૃદ્ધાશ્રમ, કાલાવડ રોડ-40

– માતૃછાંયા વૃદ્ધાશ્રમ, એરપોર્ટ રોડ- 25

– દીકરીનું ઘર, આનંદનગર-12

– રતનપર વૃદ્ધાશ્રમ-10થી 12

આ સંખ્યા સરેરાશ આટલી જ રહે છે, મોટી ઉંમરના મૃત્યુ પામે છે તો સામે નવા આવે છે અને વૃદ્ધાશ્રમ દ્વારા પણ વડીલો અને બાળકોને સમજાવી પરત ઘરે મોકલવાના પ્રયત્નો થતા રહે છે.

વડોદરાના જલારામ હોસ્પિ. સંચાલિત વૃદ્ધાશ્રમમાં સ્વેચ્છાએ રહે છે વૃદ્ધો

વડોદરામાં જલારામ હોસ્પિટલનો વારસીયામાં અને જલારામ મંદિરનો નિઝામપુરા વિસ્તારમાં વૃદ્ધાશ્રમ કાર્યરત છે. જલારામ હોસ્પિટલ દ્વારા સંચાલિત વૃદ્ધાશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી મનહરભાઇ પોરસવાણીએ જણાવ્યું કે, આ વૃદ્ધાશ્રમ 1988માં શરૂ થયો હતો. તે સમયે 12 વ્યક્તિઓ હતા. આજે 25 છે. વૃદ્ધાશ્રમની ક્ષમતા 40 વ્યક્તિઓની છે. અમારી સંસ્થામાં રહેતા તમામ સ્વૈચ્છીક રીતે રહે છે. તેઓ જ્યારે ઇચ્છે ત્યારે ઘરે જઇ શકે છે. તેમના પરિવારજનો પણ તેમને મળવા માટે આવે છે.

વડોદરામાં નિઝામપુરા રોડ ઉપર છેલ્લા 50 વર્ષથી જલારામ મંદિર સંચાલિત વૃદ્ધાશ્રમ છે. આ વૃદ્ધાશ્રમના મેનેજર રમણભાઇ રાણાએ જણાવ્યું છે. હાલ આ વૃદ્ધાશ્રમમાં 5 પુરૂષ અને 4 મહિલાઓ રહે છે. આ તમામ વૃદ્ધો સ્વૈચ્છિક રીતે રહે છે. તેમજ પરિવારજનો પણ તેમને નિયમિત મળવા માટે આવે છે.

પુત્રો અને દીકરીઓ મળવા આવે છે અને પૈસા મોકલે છે

વારસીયામાં કાર્યરત વૃધ્ધાશ્રમમાં છેલ્લા 15 વર્ષથી જિંદગી વિતાવતા મુંબઇના વતની અને એક સમયના વેપારી કનૈયાલાલ કહે છે કે, વૃદ્ધાશ્રમમાં જિંદગી વિતાવવી કર્મને આધીન છે. મને મારા પરિવાર સામે કોઇ ફરિયાદ નથી. મારા પુત્રો અને દીકરીઓ મને મળવા આવે છે અને પ્રતિમાસ પૈસા પણ મોકલે છે. હું વૃદ્ધાશ્રમમાં ખુશ છું.

મુંબઇમાં ચશ્મા વેંચ્યા, વડોદરામાં વૃદ્ધત્વ ગાળે છે

89ની ઉંમરે પહોંચેલા કનૈયાલાલ કાલવાએ જણાવ્યું હતું કે, મારું વતન મુંબઇ છે. હું મુંબઇમાં ચશ્માનો વેપાર કરતો હતો. મારે બે પુત્રો અને બે દીકરી છે. તેઓ તેમના પરિવારમાં સુખી છે. મારી લીલીવાડીમાંથી 72 વર્ષની ઉંમરે મારી પત્ની કૌશલ્યાએ મારો સાથ છોડી દેતા, હું ભાંગી પડ્યો હતો. પત્નીના અવસાન પછી એક માસમાં મેં મનોમન નક્કી કરી લીધું હતું કે, મુંબઇની ભાગદોડ ભરી જિંદગીમાં પુત્રો નોકરી-ધંધાર્થે ચાલ્યા ગયા બાદ પુત્રવધૂઓ સાથે જિંદગી પસાર કરવાને બદલે વૃદ્ધાશ્રમમાં રહી જિંદગી વિતાવવી છે. આ દરમિયાન અખબારમાં વડોદરા જલારામ હોસ્પિટલ દ્વારા સંચાલિત વૃદ્ધાશ્રમની જાહેરાત વાંચી અને હું વડોદરા આવી ગયો હતો.

સામેથી પુત્ર-પુત્રવધૂઓ સમક્ષ વૃદ્ધાશ્રમમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી

વૃદ્ધાશ્રમમાં જિંદગી પસાર કરવાનો નિર્ણય મારો પોતાનો હતો. મારા પુત્રો અને પુત્રવધૂઓને મેં સામેથી વૃદ્ધાશ્રમમાં જઇ જિંદગી પસાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પુત્રો, પુત્રવધૂ તેમજ દીકરીઓએ મારા આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. પરંતુ, હું મારા નિર્ણયથી મક્કમ હતો. છેલ્લા 15 વર્ષથી વડોદરા જલારામ હોસ્પિટલ દ્વારા વારસીયામાં સંચાલિત વૃદ્ધાશ્રમમાં ખૂશીથી જિંદગી પસાર કરું છું.

પરિવાર આવતું નથી યાદ

આપને પરિવાર યાદ આવતો નથી? તેવા એક પ્રશ્નના જવાબમાં કનૈયાલાલે જણાવ્યું કે,મને મારું

પરિવાર યાદ આવતું નથી.

વૃદ્ધાશ્રમની જિંદગી કર્મ આધારીત હોય છે. આ ઉંમર એવી છે કે, પરિવાર યાદ આવતું નથી.

વૃધ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો જ મારું પરિવાર છે. જોકે, મારા પુત્રો અને દીકરીઓ મને પૈસા મોકલાવે છે. અને મને મળવા માટે પણ આવે છે. હું વૃદ્ધાશ્રમમાં ખૂશ છું.

ડાયમંડ સિટી સુરતમાં 5થી વધુ વૃદ્ધાશ્રમ, ક્ષમતા કરતા વધું છે વૃદ્ધાશ્રમનું વેઈટીંગ

* વેસુમાં આવેલા વૃદ્ધાશ્રમમાં ગાંધીજીના પૌત્ર કનુભાઈ ગાંધી પણ પત્ની સાથે રહ્યા હતા

વિકાસમાં આગેકૂચ કરી રહેલા સુરત શહેરમાં 5થી વધુ વૃદ્ધાશ્રમો આવેલા છે. 10 વર્ષ પહેલાં 3 વૃદ્ધાશ્રમ હતા. હાલમાં સુરતમાં પાંચથી વધુ વૃદ્ધાશ્રમ આવેલા છે. આ તમામ વૃદ્ધાશ્રમો ફુલ થઈ ગયા છે. જ્યારે વૃદ્ધાશ્રમની ક્ષમતા જેટલું વેઈટીંગ પણ છે. આ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોનું કહેવું છે કે, અન્ય તહેવારો તો નહીં પણ દિવાળી સમયે સંતાનો મહેમાન તરીકે લઈ જવા જોઈએ. સુરતના વેસુમાં આવેલા અંબિકા નિકેતન ટ્રસ્ટ સંચાલિત વૃદ્ધાશ્રમમાં ગાંધીજીના પૌત્ર કનુભાઈ ગાંધીએ પણ પત્ની સાથે થોડો સમય વિતાવ્યો હતો.

વૃદ્ધો માટે બને છે નવી 5 માળની બિલ્ડીંગ

ઘરના વડીલો પ્રત્યે શંકા કુશંકા કરી માતા-પિતા કે વડીલોની અવગણના કરાય છે. મા-બાપે પોતાની તમામ અપેક્ષાઓ અને સુખને ત્યજીને પોતાના જીવથી પણ વધારે વ્હાલ કરીને પોતાના સંતાનોને ઉછેર્યા હોય. તેજ સંતાનો જ્યારે માં-બાપને વૃધ્ધાશ્રમમાં છોડી આવે ત્યારે તેમના આત્માને કેટલું દુ:ખ થતું હશે. છતાં પણ માં-બાપ સંતોનોની ભૂલને ગૌણ ગણીને મનમાં લેતા નથી બીજાઓની સાથે ચર્ચામાં તેમના વખાણ કરતા હોય છે. આ બધી જ બાબતો સમાજમાં સામાન્ય જોવા મળે છે. વેસુ ખાતે આવેલા અંબિકા નિકેતન ટ્રસ્ટ સંચાલિત વૃદ્ધાશ્રમના મેનેજર જણાવ્યું હતું કે,  આ વૃદ્ધાશ્રમને 33 વર્ષ થયા છે. 100થી વધુ વૃદ્ધો ક્યારેય થયા હોય તેનું યાદ નથી.5થી 6 મહિનાથી નવી ભરતી બંધ કરી દેવામાં આવી છે. નવી 5 માળની 40 રૂમવાળી બિલ્ડીંગ બની રહી છે. 100 જેટલું વેઈટીંગ છે. અને 1500થી 4000 સુધીનો ચાર્જ છે. કેટલાક વૃદ્ધો દાતાઓની સહાયથી ફ્રીમાં રહે છે.

70થી 80 જેટલું વેઈટીંગ

ભાઠા ખાતે આવેલા શ્રી મોઢેશ્વરી હિતવર્ધક મંડળ સંચાલિત વૃદ્ધાશ્રમના મેનેજર દિનેશભાઈએ જણાવ્યું હતું કે, વૃદ્ધાશ્રમની 2008માં સ્થાપના કરવામાં આવી છે. શરૂઆતમાં 14 વૃદ્ધો હતા. હાલ 52 વૃદ્ધો રહે છે. 50 ટકા વૃદ્ધો સુરતના છે. દરેક વૃદ્ધોનો 1000 જેટલો ચાર્જ લેવામાં આવે છે. જ્યારે 70થી 80 જેટલું વેઈટીંગ ચાલી રહ્યું છે.

વૃદ્ધાશ્રમમાં આધુનિક સુવિધા

અસક્તા આશ્રમ ટ્રસ્ટ સંચાલિત આશીયાના વૃદ્ધાશ્રમના મેનેજર અજય પપૈયાએ જણાવ્યું હતું કે, 2014માં આ વૃદ્ધાશ્રમની સ્થાપ્ના કરવામાં આવી છે. 39 રૂમમાં હાલ 40 વૃદ્ધો રહે છે. તમામ રૂમમોમાં ડબલ બેડ સાથે તમામ આધુનિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે અને 13500 સુધીનો ચાર્જ લેવામાં આવે છે.

અડાજણના પૂર્વ સરપંચ અને એક સમયે કરોડોના માલકિન રહે છે વૃદ્ધાશ્રમમાં

વેસુ ખાતે આવેલા અંબિકા નિકેતન ટ્રસ્ટ સંચાલિત વૃદ્ધાશ્રમ લક્ષ્મીબેન રહે છે. સંતાનો લક્ષ્મીબેન અને તેના પતિને વૃદ્ધાશ્રમમાં છોડી ગયા હતા. છેલ્લા 20 વર્ષથી આ વૃદ્ધાશ્રમમાં રહે છે. થોડા સમય પહેલાં પતિ મૃત્યુ પામ્યા છે ત્યારથી વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે જીવન વિતાવી રહ્યા છે. લક્ષ્મીબેન જેતે સમયે અડાજણના સરપંચ પણ રહી ચૂક્યા છે અને સ્વામિનારાયણ મંદિરની જમીન, દાળીયા સ્કૂલ જમીન સહિતની કરોડોની જગ્યાના માલકિન હતા.

કોઈ સાર સંભાળ લેવાવાળું ન હતુ અટલે વૃદ્ધાશ્રમમાં આવ્યા

અસક્તા આશ્રમ ટ્રસ્ટ સંચાલિત આશિયાના વૃદ્ધાશ્રમમાં રહેતા શાંતાબેને જણાવ્યું હતું કે, ઘર કરતા મને વૃદ્ધાશ્રમમાં મજા આવે છે. ઘરમાં કોઈ ન હતું અને અહીં ઘર જેવી સુવિધા અને મિત્રો પણ મળી ગયા છે. ઘરમાં કોઈ સાર સંભાળ લેવાવાળું ન હતું અટલે વૃદ્ધાશ્રમમાં આવવું પડ્યું.

– કતારગામ અસક્તા આશ્રમ- 40
– ભાઠા ગામ શ્રી મોઢેશ્વરી હિતવર્ધક મંડળ સંચાલિત વૃદ્ધાશ્રમ- 52
– વેસુ અંબિકા નિકેતન ટ્રસ્ટ સંચાલિત વૃદ્ધાશ્રમ-52

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો