પાનના દુકાનદારની પુત્રી નિમિષા પટેલે CAની પરીક્ષામાં દેશમાં ટોપ-10માં મેળવ્યું સ્થાન

શુક્રવાર માત્ર નિમિષા પટેલ માટે જ નહીં મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના સિંહી ગામવાસીઓ માટે ઝળહળતો દિવસ રહ્યો. સિંહી ગામમાં પાનની દુકાન ચલાવતા કેશવભાઈની દીકરીએ સીએની ઈન્ટર્મીડિએટ પરીક્ષામાં સમગ્ર દેશમાં 10મું સ્થાન પ્રાપ્ત કર્યું. કુલ 800માંથી 626 માર્ક્સ મેળવનારી નિમિષાએ સફળતાનો શ્રેય ગ્રામજનોને આપ્યો. પોતાની ઉજ્જવળ કારકિર્દીના ઘડતમાં ગામ લોકોએ કરેલી મદદ વિશે જણાવતાં નિમિષાએ કહ્યું, “ગામના વડીલ રમેશભાઈ, કીર્તિભાઈ અને કલ્પેશ પટેલે મારી હોસ્ટેલ અને કોચિંગનો ખર્ચો ઉઠાવ્યો. તેમણે પિતાને કહ્યું કે, હું અને મારો ભાઈ તેમનું શ્રેષ્ઠ રોકાણ છીએ.”

તેજસ્વી વિદ્યાર્થિની રહી


પ્રતિકાત્મક તસવીર

નિમિષા બાળપણથી જ તેજસ્વી વિદ્યાર્થિની રહી છે. ધોરણ પાંચ સુધીનો અભ્યાસ તેણે ગામની શાળામાં પૂરો કર્યો અને આગળ અભ્યાસ માટે વડનગરની જવાહર નવોદય વિદ્યાલયમાં એડમિશન લીધું. બાદમાં અમદાવાદ અને ગાંધીનગરમાં હોસ્ટેલમાં રહીને ભણી. નિમિષાએ કહ્યું કે, તે કમાતી થશે ત્યારે ગામવાસીઓનું ઋણ ઉતારવા ગામના બાળકોનો ભણતરનો ખર્ચ ઉપાડશે.

‘શિક્ષણ ગરીબીને હરાવવાનું શ્રેષ્ઠ હથિયાર’


પ્રતિકાત્મક તસવીર

નિમિષાના પિતા કેશવ પટેલે પાન કમ કરિયાણાની દુકાન શરૂ કરતાં પહેલા હીરા પોલિશ કરવાનું કામ કર્યું તેમજ લોકોના ખેતરમાં પણ મજૂરી કરી. કેશવભાઈએ સંતાનોને ભણાવવા માટે રૂપિયા ઉછીના લીધા. કેશવ પટેલ માને છે કે, શિક્ષણ ગરીબીને હરાવવાનું શ્રેષ્ઠ હથિયાર છે.

અમદાવાદની પિંકી ગુપ્તાનો 30મો ક્રમ


CA ટોપર્સ

ધ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)એ IPCC (ઈન્ટીગ્રેટેડ પ્રોફેશનલ કમ્પીટન્સ કોર્સ) અથવા ઈન્ટર્મીડિએટ (નવો અને જૂનો કોર્સ)નું પરિણામ જાહેર કર્યું. જૂના કોર્સમાં અમદાવાદનું પરિણામ 23.91% અને નવા કોર્સમાં 39.9% આવ્યું. જૂના કોર્સમાં અમદાવાદની પિંકી ગુપ્તાએ 30મું સ્થાન પ્રાપ્ત કર્યું. ફર્નિચરના વેપારીની દીકરીએ 800માંથી 410 ગુણ મેળવ્યા.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો