જ્યારે દીકરાએ પિતાને પૂછ્યું ખોટું બોલવાનું કારણ, ત્યારે તેમણે આપ્યો હૃદયસ્પર્શી જવાબ

બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેય એવી થોડી ઘટનાઓ જરૂર થાય છે જે જીવનભર માટે ઘણું શીખવી જાય છે. એક વ્યક્તિની સાથે બાળપણમાં આવું જ કંઇક થયું હતું. આ બાબતથી તેને મોટી શીખ મળી હતી. વ્યક્તિ પ્રમાણે એકવાર તેની માતાએ ડિનરમાં બળેલાં ટોસ્ટ પીરસ્યા હતાં, ત્યારે દીકરાને થયું કે, પિતા ગુસ્સો કરશે. પરંતુ પિતાએ તે ટોસ્ટ પ્રેમથી ખાઇ લીધા હતાં અને એવું પણ કહ્યું કે, તેમને બળેલાં ટોસ્ટ ખૂબ જ ભાવે છે. દીકરો જાણતો હતો કે, પિતા ખોટું બોલી રહ્યા છે. ત્યાર બાદ દીકરાએ પિતાને ખોટું બોલવા પાછળનું કારણ પૂછ્યું ત્યારે પિતાએ જણાવ્યું કે, ‘એક બળેલો ટોસ્ટ કોઇને એટલી તકલીફ પહોંચાડી શકે નહીં, જેટલી તકલીફ કઠોર શબ્દ પહોંચાડી શકે છે.’ આ જવાબને દીકરો ક્યારેય ભૂલી શક્યો નહીં. મોટાં થયા બાદ દીકરાએ સોશ્યિલ મીડિયા અકાઉન્ટ પર આ સંપૂર્ણ ઘટનાને શેર કરી.

દીકરાએ લખ્યું, ‘જ્યારે હું 8 કે 9 વર્ષનો હતો, ત્યારે મારી માતા અમારી માટે ભોજન બનાવતી હતી. તેને રસોઈ કરવી ખૂબ જ ગમતી હતી. આ દરમિયાન એક રાતનો કિસ્સો હું ક્યારેય ભૂલી શકીશ નહીં.’

– ‘તે દિવસે માતા ખૂબ જ થાકેલી હોવાના લીધે ભોજન બનાવી શકી નહીં. તેણે અમને જામ સાથે બળેલાં ટોસ્ટ પીરસી દીધા. તે ટોસ્ટ થોડાં બળેલાં નહોતાં, પરંતુ સંપૂર્ણ રીતે બળીને કાળા થઇ ગયાં હતાં.’

– તે ટોસ્ટને જોઇને મારા મનમાં એક જ વાત આવી કે, જ્યારે પિતા આ ટોસ્ટને જોશે ત્યારે તેમનું રિએક્શન શું હશે. પરંતુ પિતાએ ચૂપચાપ તે ટોસ્ટ ખાઇ લીધા અને મારી સાથે સ્કૂલને લગતી વાતો કરવા લાગ્યાં હતાં.

– આ દરમિયાન મારી માતાએ ટોસ્ટ બળી જવાના લીધે પિતા પાસે માફી માંગી હતી. ત્યાર બાદ પિતાએ જે કહ્યું તે સાંભળીને હું શોક્ડ થઇ ગયો હતો. પિતાએ કહ્યું, ‘સ્વીટી, મને બળેલાં ટોસ્ટ ખૂબ જ ભાવે છે.’ હું જાણતો હતો કે, તેઓ ખોટું બોલી રહ્યા હતાં.

– ડિનર બાદ જ્યારે હું પિતાને ગુડનાઇટ બોલવા ગયો ત્યારે મેં તેમને પૂછ્યું કે, શું સાચે જ તમને બળેલાં ટોસ્ટ ભાવે છે? ત્યારે તેમણે મારા ખભા પર હાથ રાખીને જે કહ્યું, તેને હું ક્યારેય ભૂલી શકીશ નહીં.

– પિતાએ દીકરાને કહ્યું, ‘તારી માતાએ આખો દિવસ મહેનત કરીને કામ કર્યું હતું, તે ખૂબ જ થાકેલી પણ હતી. જોકે, એકવાત હું તને જણાવી દઉ કે, એક બળેલો ટોસ્ટ કોઇને એટલી તકલીફ પહોંચાડી શકે નહીં, જેટલી તકલીફ કઠોર શબ્દ પહોંચાડી શકે છે.’

– ‘જીવન સંપૂર્ણ રીતે અપૂર્ણ વસ્તુઓ અને લોકોથી ભરાયેલું છે, હું પણ કોઇ વસ્તુમાં સંપૂર્ણ છું નહીં. હું પણ સામાન્ય લોકોની જેમ બર્થ ડે અને અન્ય ખાસ તારીખો ભૂલી જાવ છું.’

– ‘છેલ્લાં થોડાં વર્ષોમાં મેં એવું જ શીખ્યું છે કે, આપણને એકબીજાની ભૂલોને સ્વીકાર કરતાં આવડવું જોઇએ. જ્યારે આપણે એકબીજાની ખામીઓ અને મતભેદને સેલિબ્રેટ કરતાં શીખી જઇશું. ત્યારે આપણે એક સ્વસ્થ, વિકસિત અને સ્થાયી સંબંધ બનાવતાં પણ શીખી જઇશું’

– ‘પછતાવા સાથે જીવવા માટે આ જીવન ખૂબ જ નાનું છે, તે લોકો સાથે પ્રેમ કરવો જોઇએ જે તમારી સાથે ખૂબ જ સારી રીતે વ્યવહાર કરે છે અને તે લોકો પ્રત્યે દયા રાખવી જોઇએ, જેઓ આવું કરી શકતાં નથી.’

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો