ઘરની લક્ષ્મીનું કન્યાદાન કરનાર વિઠ્ઠલભાઈ રાદડિયાની વાત

વિઠ્ઠલભાઈ રાદડિયાનો સ્વભાવ કોઈની કેડી ઉપર ચાલવા કરતા જાતે રાજમાર્ગ કંડારી એના ઉપર ગમે તે પરિસ્થિતિ વચ્ચે પણ ચાલવાનો રહ્યો છે.તેઓ માનતા હતા કે એકવાર થયેલું કામ ફરી થાય તો એને અનુકરણ કહેવાય, પણ ક્યારેય ન થયેલું કામ પ્રથમવાર થાય તો એ અનુકરણીય કહેવાય.પોતે હંમેશા અનુકરણીય કામો કરીને દાખલો બેસાડવામાં શ્રદ્ધા ધરાવે છે.

આજે આવા જ એના એક અભૂતપૂર્વ કહી શકાય એવા દાખલાની વાત મારે અહીં કરવી છે. સમાજિક ક્રાંતિની મિસાલ ખડી કરનાર આ પ્રસંગ વાંચીને આપ સૌના હૃદયનો ખૂણો ભીનો થયા વિના નહીં રહે.

આવો, માણીએ એમના એક સંવેદનાપૂર્ણ સાચા પ્રસંગને…

મણકો :5


ઘરની લક્ષ્મીનું કન્યાદાન

સમયે સમયનું કામ કરી લીધું હતું.સમય ‘કાબો’ બની અર્જુનને લૂંટી ગયો હોઈ તો પછી બીજાનું શું ગજું ! એક જ ક્ષણમાં એણે કઠણ કાળજાના કણબીના ઘરમાં રીતસર હાહાકાર મચાવી દીધો હતો.

વલોપાત અને વેદના વચ્ચે વલોવાઈ ને બેઠેલા મોટા રોટલાવાળાના ઘેર ખરખરો ખૂટવાનું નામ નહોતો લેતો.નાના-મોટા, ગરીબ-તવંગર, સરપંચ ,સિપાહી, નેતા, આગેવાન, અબાલવૃદ્ધ સૌ કોઈ આજ એના ડેલે આવી દડ દડ આંહુડા પાડી હિમ્મત આપી ગયા હતા.જે આખી દુનિયાને હિમ્મત આપતો હતો એને આજ હિમ્મતની જરૂર પડી રહી હતી.

વાત જાણે એમ બની હતી કે વિઠ્ઠલભાઈના ઘેર અડધી રાતે યમરાજે ખાતર પાડ્યું હતું.જિંદગીમાં નહીં રડેલી આંખોને ચોધાર આંહુડે રડાવવાનું નક્કી કરીને બેઠેલી કુદરતે વિઠ્ઠલભાઈનો પરિવાર કાંઈ સમજે એ પહેલા ઘાતક વાર કરી લીધો હતો.

વિઠ્ઠલભાઈના નાના દીકરા કલ્પેશભાઈનું ભરયુવાનીમાં અકાળે અવસાન થયું હતું.પરિવાર કાના (કલ્પેશ)ના અવસાનથી ભાંગી પડ્યો હતો.આખા પંથકમાં રીતસર હાહાકાર મચી ગયો હતો.

છપ્પનની છાતીવાળા સાવજનું કાળજું ફાટી પડે,એવી આ ઘટનાથી સોપો પડી ગયાના સમયે, કોણ કોને આશ્વાસન આપે એ નક્કી કરવું અઘરું હતું.પરિવારને અને પોતાને સંભાળવાની બેવડી જવાબદારી વચ્ચે વિઠ્ઠલભાઈ જેમ તેમ કરીને સ્વસ્થતા મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.દીકરાના વહુ મનીષા અને નાનકડા રાહી તથા જિયા પર શું વીતતું હશે ! એ વાત એમને વારે વારે બેચેન બનાવી રહી હતી.પોતે તો કાળજું કઠણ કરી લેશે, પણ પતિ અને પિતા ગુમાવનાર બે માસુમ જીવો અને એમની માતાને ક્યારેય ઓછું ન આવે એ રીતે સંભાળવાની જવાબદારીમાં ક્યાંય ચૂક ન થાય એ જોવાનું કામ જરા કપરું હતું.

પોતે ઘરમાં હોઈ અને નાનકડો રાહી તથા નાનકડી પરી સમી જિયા દોડીને પોતાના ખોળામાં લપાઈ જાય ત્યારે એમને એક સાથે વહાલ અને પીડાના ભાવ ઘેરી લેતા હતા.પૌત્ર-પૌત્રી અને પુત્રવધૂને જોઈ વિઠ્ઠલભાઈ સૂનમૂન થઈ જતા હતા.જો કે દીકરાના વહુને એમણે પહેલેથી જ પુત્રવધૂ કરતા વિશેષ દીકરી તરીકે ગણી હતી.પણ, હવે કલ્પેશના ગામતરે ગયા પછીની વાત અલગ હતી.વિઠ્ઠલભાઈનું મન સતત ચકડોળે ચડેલું રહેતું હતું.આમેય એમને દીકરી નહોતી એટલે પુત્રવધૂને દીકરીનો સંપૂર્ણ દરજ્જો આપવાનું એ મન બનાવી રહ્યા હતા.કાંઈક તો કરવું પડશે એવું ધારીને બેઠેલા વિઠ્ઠલભાઈ કલાકો વિચારોમાં ખોવાઈ જતા હતા.બહુ વિચારના અંતે એક દિવસ એમણે મનમાં ગાંઠ વાળી લીધી.

મનમાં વાળેલી ગાંઠ આખરે એમણે પરિવાર સામે એક દિવસ ખોલી નાંખી.

‘ જુઓ ! વહુ બનીને ઘરમાં આવેલી લક્ષ્મી (પુત્રવધૂ)ને મારે સગી દીકરી જેમ સાસરે વળાવવી છે.મારે મારી દીકરીનું કન્યાદાન કરવું છે.રાહી અને જિયાને આપણે સંભાળી લઈશું.મનિષા માટે મેં લાયક છોકરો શોધી લીધો છે.’

ઘરના સૌ સભ્યો અવાક બનીને સાંભળી રહ્યાં હતા.સામે બેસેલી વિધવા પુત્રવધૂ દડદડ આંસુડા પાડતા, પિતા સમા સસરાને ફાટી આંખે જોઈ રહ્યાં.એમને હવે આ ઘર છોડીને ક્યાંય જવું નહોતું.રડતા રડતા એમણે ખૂબ ખૂબ વિનવણી કરી, પણ ઘરના સૌ સભ્યોએ એકી અવાજે વિઠ્ઠલભાઈની વાત સાથે સંમત થઈ એમને સમજાવી લીધા.વિઠ્ઠલભાઇના ધર્મપત્ની ચેતનાબહેને પતિના આ નિર્ણયને ઉમળકાથી આવકારી પુત્રવધૂને બાથમાં લીધા.માથે મમતાળો હાથ ફેરવી ડબક ડબક દડતાં આંસુ લૂછ્યા.પછી કીધું, “બેટા ! આપણે તારા પિતાજી કહે છે ઍમ જ કરવાનું છે.અમારે તને હરખે વિદાય આપવાની છે.શ્રીનાથજીની પણ એ જ ઇચ્છા હશે.તું જરાય ચિંતા ન કરતી.રાહી અને જિયાને હું મા બનીને મોટા કરીશ.” ચેતનાબેનની આટલી વાતથી વાતાવરણમાં માંગલ્યપૂર્ણ ગમગીની છવાઈ ગઈ.

જામકંડોરણા તાલુકાના જશાપર ગામના એક ખોરડે વિઠ્ઠલભાઈની નજર ચોંટી હતી.ખૂબ સામાન્ય ગણાતા ચોવટિયા પરિવારમાંથી હાર્દિક ચોવટિયાને એમણે જમાઈ કરતા પણ વિશેષ દીકરા તરીકે મનોમન પસંદ કરી લીધો હતો.પુત્રવધુ મનીષાને પાસે બેસાડી, માથે હાથ ફેરવી, લાગણીસભર રીતે પુનર્લગ્ન માટે સમજાવી, વિઠ્ઠલભાઈ પોતે આ જ કલ્પેશના ગયા પછી પહેલીવાર હળવાશ અનુભવી રહ્યા હતા.

આખરે એ ઘડી પણ આવી ગઈ.સામાજિક પરંપરાને ઉવેખીને જગતના ચોકમાં સુખદ દાખલો બેસાડવાના વિઠ્ઠલભાઈના મનસૂબાએ ચોરે ને ચૌટે ચર્ચા જગાવી.સામાજિક ક્રાંતિની નવી મિસાલનું એક આગવું પ્રકરણ આલેખાઈ રહ્યું હતું.સમાજના મોભી હોવાના નાતે એમણે સમાજને નવી દિશા આપવાનો જે મક્કમ નિર્ધાર કર્યો હતો એની વાતો વાયુવેગે સર્વત્ર ફેલાઈ ગઈ.સર્વત્રથી વિઠ્ઠલભાઈના આ નિર્ણયને આશ્ચર્ય સાથે ભવ્ય આવકાર મળી રહ્યો.

નિર્ધારિત દિવસે વિઠ્ઠલભાઈએ પોતાની પુત્રવધૂને પંડયની દીકરી ગણીને ધામધૂમથી સાસરે વળાવી.પોતાની સઘળી મિલકતમાંથી વિઠ્ઠલભાઈએ સો કરોડ, પૂરા સો કરોડનો દીકરીને કરિયાવર કર્યો.એટલું જ નહીં, પછીના દિવસે વિઠ્ઠલભાઈ દીકરા-દીકરી હાર્દિક અને મનીષાને સહપરિવાર પોતાના સુરત ખાતેના બંગલે કાયમ માટે રહેવા તેડી લાવ્યાં.સદગત કલ્પેશના ભાગે આવતી તમામ મિલકત એમણે દીકરી મનિષાને દાયજામાં આપી દીધી.હાર્દિકને વિઠ્ઠલભાઈ અને એમના સમગ્ર પરિવારે કલ્પેશ (કાના)તરીકે વિશાળ હૃદયે સ્વીકારી નવો ઇતિહાસ રચી દીધો.

આ દૃશ્ય અને આ ઘટના અલૌકિક કહી શકાય એવી હતી.આ પ્રસંગે કદાચ દેવોએ પણ આકાશમાર્ગેથી આશીર્વાદની અમિવર્ષા કરી હશે. પુત્રવધૂના પુનર્લગ્ન બાપ બનીને કોઈ કરાવી આપે અને મિલકતમાંથી સો કરોડ કરિયાવરમાં કાઢી આપે તથા સામાવાળાને સહપરિવાર પોતાને ત્યાં સન્માનપૂર્વક તેડી લાવે એવી ઘટના પૃથ્વીના પડમાં કદાચ પહેલીવાર બની હશે.’ન ભૂતો ન ભવિષ્યતિ’ની સદીમાં જવલ્લે જ બનતી આવી ઘટના તો કોઈ વિઠ્ઠલભાઈ જેવા વિરલા જ નીપજાવી શકે.ધન્ય હો ધન્ય એમના આ અનોખા દીકરી પ્રત્યેના પ્રેમને !

નોંધ : આજે વિઠ્ઠલભાઈનો સમગ્ર પરિવાર મનિષાબેનને પોતાની દીકરી ગણે છે અને હાર્દિકને સૌ કાનો કહીને બોલાવે છે.

-રવજી ગાબાણી

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો