વજનકાંટાથી નહીં, વિશ્વાસના ત્રાજવે પાપડી તોલે છે અમદાવાદના કનુભાઈ

આજે તમે માર્કેટમાં ખરીદી કરવા જશો અને તમે દુકાનદારને કહેશો કે ભાઈ જરા માપતોલ સરખું કરજે ઓછું તો નહીં આવે ને.. તેમ છતાં ઘણી વખત ગ્રાહક જ્યારે ઘરે જઈ ફરી વજનની ચકાસણી કરે તો ઉલ્લું બની ગયા હોવાનો અહેસાસ થાય છે. જેની સામે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ ગાર્ડરની સામેની ફૂટપાથ પરની આ દુકાનમાં છેલ્લા 60 વર્ષથી લોકોનું પ્રિય ફરસાણ પાપડીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તેની ખાસિયત એ છે કે આજ સુધી આ દુકાનમાં ક્યારેય વજનકાંટાનો ઊપયોગ કરવામાં આવ્યો નથી. જો તમે 100 ગ્રામ પાપડી ખરીદી હશે તો કનુભાઈ તમને વજન કર્યા વગર પાપડી આપશે તો તેનું વજન 110 ગ્રામ હોઈ શકે પરંતુ ક્યારેય 99 ગ્રામ વજન નહીં હોય તેટલો વિશ્વાસ કનુભાઈ પર ગ્રાહકોને છે.

અહીં નથી થતો વજનકાંટાનો ઊપયોગ

ફુવાએ પણ ક્યારેય વજનકાંટો રાખ્યો ન હતો

આ અંગે કનુભાઈ જણાવે છે કે મારા ફુવા શાહ ધરમચંદ મુળચંદ પાલનપુરવાળા વર્ષો પહેલા હોટલમાં નોકરી કરતા હતા. એક સમયે એવી સ્થિતિ આવી કે હોટલ કોઈ કારણો સર બંધ થઈ ગઈ. ત્યાર બાદ ફુવાએ નોકરી કરવાને બદલે નક્કી કર્યું કે હું હવે પોતાનો ઘંઘો કરીશ. તેમણે આજથી 70 વર્ષ પહેલા પાલડીની ફૂટપાથ પર પાપડી બનાવવાની શરૂઆત કરી. તેમણે દુકાનમાં ક્યારેય માપતોલ માટે વજનકાંટો નોહતો રાખ્યો તેમની આ જ પરંપરા હું ચલાવી રહ્યો છું. મેં પણ આજ સુધી વજનકાંટા પર માપતોલ કરી પાપડીનું વેચાણ કર્યું નથી.

કનુભાઈના હાથ એટલે ‘વિશ્વાસનો વજનકાંટો’

આજે પણ તમે જ્યારે અહીંથી નીકળશો તો તમને આ ફરસાણની દુકાને લાઈન જોવા મળશે. નાના બાળકોથી લઈને વૃદ્ધો પાપડી ખાતા દેખાશે. કેટલાક ગ્રાહક તો એવા પણ છે કે જેમનો રોજ સવારનો નાસ્તો પાપડી જ હોય છે. તેવાજ એક ગ્રાહક પ્રદીપભાઈ જણાવે છે કે આમ તો મારું કામ ફિલ્ડ વર્કનું છે તેથી હું ફરતો ફરતો નાસ્તો કરવા માટે અહીં આવી જાવ છું. હું છેલ્લા ઘણા વર્ષોથી કનુભાઈની દુકાને આવું છું. મને યાદ છે ત્યાં સુધી તેમની દુકાનમાં ક્યારેય પણ વજનકાંટો જોવા નથી મળ્યો. તેમના હાથ જ ‘વિશ્વાસના વજનકાંટા’ જેવા છે. સ્વાદ પણ એવો એક વખત ખાશો એટલે તમે પણ ફરી ખાવા માટે અહીં જ આવશો.

કનુભાઈ પાપડીવાળા’ના નામથી પ્રખ્યાત

છેલ્લા 70 વર્ષથી ચાલતી આ દુકાનનું કોઈ બોર્ડ તમને જવા નહીં મળે. પરંતુ સમગ્ર વિસ્તારમાં આજે તેઓ ‘કનુભાઈ પાપડીવાળા’ નામથી પ્રખ્યાત છે. કોઈને પણ પુછશો કે કનુભાઈ પાપડીવાળાની દુકાન ક્યાં છે તો તે તમને તરત જ તમને જણાવી દેશે.

ગુણવતા બાબતે આજ સુધી કોઈ ફરિયાદ નથી આવી

કનુભાઈ જણાવ્યું કે તેમના પર જે રીતે વર્ષોથી વિશ્વાસ કરતા આવ્યા છે. આ વિશ્વાસને ટકાવી રાખવો મારી ફરજ બને છે. એટલા માટે આજ સુધી અમે પાપડીની ગુણવતા બાબતે આજ સુધી કોઈ પણ પ્રકારની બાંધછોડ નથી કરતા. પાપડીમાં ક્યારેય પણ ખારો, સોડા કે કોઈ પણ પ્રકારના કેમિકલનો ઊપયોગ નથી કરતા. રોજની 30 થી 40 કિલો પાપડીનું વેચાણ કરવામાં આવે છે. અમારો મુખ્ય ઉદ્દેશ એ રહે છે કે ગ્રાહકો ક્યારેય છેતરવો ન જોઈએ. આટલા વર્ષોમાં આજ સુધી ક્યારેય ગુણવતાને લઈને કોઈ ગ્રાહકે ફરિયાદ નથી કરી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો