આ છે કળયુગનો ‘શ્રવણ’ નેત્રહીન માતાને ખભા પર ઊંચકીને કરી 37 હજાર કિમીની યાત્રા

મધ્યપ્રદેશના જબલપુરમાં રહેતા કૈલાશ ગિરી બ્રહ્મચારી અસલ જીવનમાં તેમની માતાના શ્રવણ કુમાર છે. અહેવાલ પ્રમાણે લગભગ 20 વર્ષ પહેલા કૈલાશ ગિરીની માતાએ ચારધામ યાત્રાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેમના પુત્ર કૈલાશ ગિરીએ નેત્રહીન માતાની આ ઈચ્છા પૂર્ણ કરવા માટે તેમને ખભા (ડોલીની મદદથી) પર ઊંચકીને ચારધામની યાત્રા પર નીકળી પડ્યા હતા. કૈલાશ ગિરી અત્યારસુધી તેમની વૃધ્ધ માતાને ખભા પર ઊંચકીને 37,000 કિલોમીટરની ચાલીને યાત્રા કરી ચૂક્યા છે.

આ ‘શ્રવણ કુમારે’ તેમની નેત્રહીન માતાને ખભા પર ઊંચકીને 20 વર્ષ સુધી કરી દેશના વિવિધ તીર્થસ્થળોની સફર.

માતાની ઉંમર છે 92 વર્ષ

એવું જાણવા મળ્યું છે કે કૈલાશ ગિરીએ જ્યારે તેમની માતા સાથે આ યાત્રાની શરૂઆત કરી હતી ત્યારે તેમની ઉંમર 25 વર્ષ હતી. તેમણે તેમના માતાની ચારધામાની યાત્રા કરવાની ઈચ્છા પૂર્ણ કરવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું! કૈલાશ ગિરીના માતાની ઉંમર અત્યારે 92 વર્ષ છે.

દરરોજ 5થી 6 કિલોમીટર ચાલતા હતા

અહેવાલ મુજબ, આ સફર દરમિયાન કૈલાશ ગિરી લોકો દ્વારા કરવામાં આવેલા દાન થકી ખાવાનું બનાવતા હતા અને પોતાના હાથ વડે માતાને જમાડતા હતા. તેઓ દરરોજ તેમની માતાને ખભા પર ઊંચકીને 5 થી 6 કિલોમીટરની સફર કરતા હતા. ખૂબ તડકો હોય ત્યારે તેઓ મંદિરમાં રોકાઈને આરામ કરતા હતા. એક ઈન્ટરવ્યૂમાં કૈલાશ ગિરીએ કહ્યું કે આ દુનિયામાં મારી માતા સિવાય મારું કોઈ નથી. જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે મારા પિતાનું અવસાન થયું હતું. હવે મારા ભાઈ-બહેન પણ આ દુનિયામાં નથી.

માતાને આટલા સ્થળોએ કરાવી ચૂક્યા છે યાત્રા

કૈલાશ ગિરી તેમની માતાને અત્યાર સુધી ચારધામ સહિત ગંગાસાગર, તિરુપતિ બાલાજી, ઋષિકેશ, હરિદ્વાર, કેદારનાથ, અયોધ્યા, ચિત્રકૂટ, પુષ્કર અને પ્રયાગરાજ જેવા પવિત્ર સ્થળોની યાત્રા કરાવી ચૂક્યા છે. 20 વર્ષ બાદ તેઓ તેમના શહેર જબલપુર પરત ફર્યા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો