ગુજરાતમાં કેનિંગ સેન્ટર શરૂ કરનાર પ્રથમ મહિલા જલ્પાબેન પટેલ સફળતાની કહાની

હું ગુજરાતમાં ખાનગી ધોરણે કેનિંગ સેન્ટર શરૂ કરનાર ગુજરાતની પહેલી મહિલા ઉધોગ સાહસિક હોવાનો શ્રેય ધરાવું છું.જોકે આ શ્રેય મને રાતોરાત મળ્યો નથી. મારી રાત દિવસની મહેનતનું આ પરિણામ છે.

જિંદગીને વિશેષ રીતે જીવવાનું નક્કી કર્યું

મારા વ્યવસાયની વાત કરવા માટે ભૂતકાળમાં પાછા ફરવું પડશે. મારા લગ્ન ગુજરાતના જાણીતા ફોટોગ્રાફર પ્રાણલાલ પટેલના પરિવારમાં થયા છે. મારા પતિ ગૌતમ તેમના પરદાદાના આ ફોટોગ્રાફીના વ્યવસાયને આગળ વધારે છે. હું ગૌતમને પરણીને આવી ત્યારે મારા દાદા સસરા પ્રાણલાલ પટેલને મળવા મીડિયાના માણસો મળવા આવતા હતાં. મને ત્યારે થયું કે મારે પણ જિંદગીમાં કશુંક એવું કરવું છે કે જેથી મારું પણ નામ થાય.

પતિને હાર્ટ એટેક આવ્યા પછી વ્યવસાયનો વિચાર

મારા મનમાં આ વિચારના બિજનું રોપાણ થયું ચૂક્યું હતું. આ સમયગાળામાં જ મારા પતિને હાર્ટ એટેક આવે છે. 1996માં પતિને હાર્ટ એટેક આવ્યો ત્યારે સારવાર માટે પૈસાની જરૂર ઉભી થઈ. આ સમયે મને વિચાર આવે છે કે ઘરમાં પતિની આવક સિવાય પણ અન્ય એક આવકનો સ્ત્રોત હોવો જોઈએ.

હિંમત અને મહેનત કરી તો ભગવાને પણ મદદ કરી

મારા મનને કળી જનાર મારા પતિએ મને પ્રોત્સાહિત કરી તો જયેન્દ્રભાઈ ગદાણી નામના એક ભાઈએ મદદ કરી. મેં વ્યવસાય માટે કોઈ લોન લીધી નહોતી કેમકે જયેન્દ્રભાઈએ મને હપ્તેથી મશીન આપ્યું હતું. મેં તે વખતે વિચાર્યું હતું કે હિંમત કરીને કામ શરૂ કરવું. જો ધંધો ન ચાલે તો ઘરેણા વેચીને પણ મશીનના પૈસા ચૂકવી દઈશ. હું પહેલાથી માનતી આવી છું કે કોઈ પણ કામની શરૂઆત કરવા હિંમત અને મહેનતની જરૂર પડે છે કેમકે ભગવાન મદદ કરવા આગળ ઉભો જ હોય છે.

કૌટુંબિક ફોઈજી સાસુમાની મદદથી શરૂઆત

હું ટિન પેકિંગ મશીન અને મેંગો પલ્પ મશીન હપ્તેથી ખરીદી વ્યવસાયની શરૂઆત કરું છું. ઘરમાં ગેરજની જગ્યામાં 25 હજારની મૂડીથી વ્યવસાયની શરૂઆત કરી હતી. એક કૌટુંબિક ફોઈજી સાસુમા કે જે અમેરિકા રહેતા તેમણે મને વ્યવસાય માટે આર્થિક મદદ કરી હતી.

અસલ કેનિંગ સેન્ટર સફળ કોટેજ ઈન્ટ્રિઝ 

મેં ગેરેજમાં શરૂ કરેલ અસલ કેનિંગ સેન્ટર આજે એક સફળ કોટેજ ઇન્ડસ્ટ્રિ તરીકે ગુજરાતમાં ઉદાહરણરૂપ છે. આજે મારા સેન્ટરમાં 12 લોકોને કાયમી અને 23 લોકોને સિઝનેબલ રોજગારી મળી રહી છે. અમે જેલી બનાવવાની સાથે ટિન પેકિંગ, પાઉચ પેકિંગ, વેક્યુમ પેકિંગ, ટોમેટો સોસ, મેન્ગો રસ, અથાણા-ચટણી, હેલ્થ ડ્રિન્ક, હર્બલ પ્રોડક્ટ્સ સહિતની પ્રોડક્ટ્સનું કામ કરીએ છીએ. આજે અમારી સારી શાખના કારણે કેરીની સિઝનમાં રોજનું બે ટન જેટલું કામ કરીએ છીએ.

આત્મનિર્ભરતા જેવી બીજી કોઈ સ્વતંત્રતા નહીં

મારા વ્યવસાયની સફળતાનું એક માપદંડ વાર્ષિક 15 થી 16 લાખનું ટર્નઓવર છે. જોકે હું સફળતાની વ્યાખ્યાને માત્ર ટર્નઓવર પુરતી સીમિત રાખતી નથી. આત્મનિર્ભરતા જેવી બીજી કોઈ સ્વતંત્રતા નથી ત્યારે મારા મતે તો જે સાહસ અને મહેનતના જોરે માત્ર વ્યવસાય શરૂ કરે તે તમામ સફળ ગણાય.

મારી આ સફળતાની નોંધ સરકાર, સંસ્થા અને સમાજે પણ લીધી છે. વર્ષ-2007માં વુમેન આંત્રપ્રેન્યોર એવોર્ડ, વર્ષ- 2016માં મહિલા ગૌરવ એવોર્ડ, વર્ષ-2016 ના વર્ષે જ માતા યશોદા એવોર્ડ થી મને સન્માનિત કરવામાં આવી હતી. મારું સપનું છે કે દરેક મહિલા પગભર થાય આથી હું ગૃહઉધોગ અંગેના સેમિનારો યોજી મહિલાઓને તૈયાર કરું છું.
-જલ્પા જી પટેલ, ફાઉન્ડર,અસલ કેનિંગ સેન્ટર , કોટેજ ઈન્ડસ્ટ્રીઝ,અમદાવાદ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો