શરદ પૂર્ણિમાનું મહત્વ અને આ દિવસે શું કરવું અને શું નહીં? પૂનમની રાત્રે ખીર બનાવવાની ખાસ પદ્ધતિ જાણો

દશેરાથી લઈને શરદ પૂનમ સુધી ચંદ્રની ચાંદનીના વિશેષ હિતકારી કિરણો હોય છે. જેમાં વિશેષ રસ હોય છે. આ દિવસોમાં ચંદ્રની ચાંદનીનો લાભ લેવાથી આખું વર્ષ માનસિક અને શારીરિક રીતે સ્વાસ્થ્ય સારું રહે છે. પ્રસન્નતા અને હકારાત્મકતા પણ ટકી રહે છે. આ વર્ષે શરદ પૂર્ણિમા 13 ઓક્ટોબર, રવિવારે ઉજવવામાં આવશે. આ રાત્રે કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેનાથી ખીરને દિવ્ય ઔષધિ બનાવી શકાય અને આ ખીર વિશેષ પ્રકારે ખાવાથી તેનો ફાયદો પણ મળી શકે.

➤➤કેવી રીતે ખીર ખાવી જોઈએ-

શરદ પૂનમે અશ્વિની કુમારોની સાથે અર્થાત્ અશ્વિની નક્ષત્રમાં ચંદ્ર પૂર્ણ 16 કલાઓથી યુક્ત હોય છે. ચંદ્રની આવી સ્થિતિ વર્ષમાં એક વાર જ બનતી હોય છે. ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે અશ્વિની કુમારો દેવતાઓના વૈદ્ય છે. આ રાત ચંદ્રની સાથે અશ્વિની કુમારોને પણ ખીરનો ભોગ લગાવવો જોઈએ. ચંદ્રની ચાંદનીમાં ખીર રાખવો જોઈએ અને અશ્વિની કુમારોને પ્રાર્થના કરવી જોઈએ કે અમારી ઈન્દ્રિયોનું બળ-ઓજસ વધારો. જે પણ ઈન્દ્રિયો શિથિલ થઈ ગઈ હોય, તેમને પુષ્ટ કરો. આવી પ્રાર્થના કર્યા પછી જ તે ખીર ગ્રહણ કરવી જોઈએ.

➤➤ખીર બનાવવાની રીત

શરદ પૂર્ણિમાએ બનાવવામાં આવતી ખીર માત્ર એક વ્યંજન જ નથી હોતી. ગ્રંથો પ્રમાણે તે એક દિવ્ય ઔષધિ હોય છે. આ ખીરને ગાયના દૂધ અને ગંગાજળની સાથે અન્ય પૂર્ણ સાત્વિક વસ્તુઓની સાથે બનાવવી જોઈએ. જો શક્ય હોય તો આ ખીર ચાંદીના વાસણમાં બનાવો. તેને ગાયના દૂધમાં ચોખા નાખીને બનાવો. ગ્રંથોમાં ચોખાને હવિષ્ય અન્ન અર્થાત દેવતાઓનું ભોજન જણાવ્યું છે. મહાલક્ષ્મી પણ ચોખાથી જ પ્રસન્ન થઈ જાય છે. તેની સાથે જ કેસર, ગાયનું ઘી અને અન્ય પ્રકારના સૂકા મેવાનો ઉપયોગ પણ આ ખીરમાં કરવો જોઈએ. શક્ય હોય તો તેને ચંદ્રની રોશનીમાં જ બનાવો.

➤➤ચંદ્રનું મહત્વ-

ચંદ્ર મન અને જળનો કારક ગ્રહ માનવામાં આવે છે. ચંદ્રની ઘટતી અને વધતી અવસ્થાઓથી જ માનસિક અને શારીરિક ઊતાર-ચઢાવ આવે છે. અમાસ અને પૂનમે ચંદ્રના વિશેષ પ્રભાવથી સમુદ્રમાં ભરતી-ઓટ આવે છે. જ્યારે ચંદ્ર આટલા મોટા દિગમ્બર સમુદ્રમાં ઊથલ-પાથલ મચાવીને કંપાવી દે છે તો આપણા શરીરના જળીય અંશ, સપ્તધાતુઓ અને સપ્ત રંગ ઉપર પણ ચંદ્રનો વિશેષ હકારાત્મક પ્રભાવ પડે છે.

➤➤શું કરવું અને શું નહીં ?

➤ શરદ પૂનમની રાત્રે સોયમાં દોરો પિરોવવાનો પણ મહાવરો કરવાની પરંપરા છે. તેની પાછળનું કારણ એ છે કે સોયમાં દોરો નાંખવાના પ્રયાસમાં ચંદ્ર તરફ એકીટશે જોવું પડે છે. જેનાથી ચંદ્રની સીધી રોશની આંખોમાં પડે છે. જેનાથી નેત્ર જ્યોતિ વધે છે.

➤ શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રને અર્ધ્ય આપવાથી અસ્થમા કે દમના દર્દીઓની તકલીફ ઓછી થઈ જાય છે.

➤ શરદ પૂનમે ચંદ્રની ચાંદની ગર્ભવતી મહિલાની નાભિ પર પડે તો ગર્ભ પુષ્ટ થાય છે.

➤ શરદ પૂનમની રાત્રે ચાંદનીનું મહત્વ વધુ છે, આ રાત્રે ચંદ્રની રોશનીમાં ચાંદીના વાસણમાં રાખવામાં આવેલી ખીરનું સેવન કરવાથી દરેક પ્રકારની શારીરિક પરેશાનીઓ દૂર થઈ જાય છે.

➤ આ દિવસોમાં કામ વાસનાથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ. ઉપવાસ, વ્રત તથા સત્સંગ કરવાથી તન તંદુરસ્ત, મન પ્રસન્ન અને બુદ્ધિ પ્રખર થાય છે.

➤ શરદ પૂર્ણિમાની રાત્રે તામસિક ભોજન અને દરેક પ્રકારના નશાથી બચવું જોઈએ. ચંદ્ર મનનો સ્વામી હોય છે એટલા માટે નશો કરવાથી નકારાત્મકતા અને નિરાશા વધે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો