કાલભૈરવ અષ્ટમી: પુરાણોમાં બતાવ્યા છે કાળભૈરવના 8 સ્વરૂપ, આ દિવસે ભૈરવના વિવિધ સ્વરૂપોની કરો વિશેષ પૂજા

હિન્દુ કેલેન્ડર પ્રમાણે કારતક મહિનાના વદ પક્ષની અષ્ટમીએ કાળભૈરવ અષ્ટમીના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે કાળભૈરવની વિશેષ પૂજા અને આરાધના કરવામાં આવે છે. આ વર્ષે કાળભૈરવ અષ્ટમી 19 નવેમ્બરે ઉજવવામાં આવશે. કાળભૈરવનો ઉલ્લેખ હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. શિવ પુરાણ પ્રમાણે કાળભૈરવ ભગવાન શિવનું રૌદ્ર સ્વરૂપ છે. શિવ પુરાણમાં બતાવ્યા પ્રમાણે કાળભૈરવ શ્રીકૃષ્ણના જમણા નેત્રથી પ્રગટ થયાં હતાં, જે આઠ ભૈરવોમાંથી એક હતાં. કાળભૈરવ રોગ, ભય, સંકટ અને દુઃખના સ્વામી માનવામાં આવે છે. તેમની પુજાથી દરેક પ્રકારની માનસિક અને શારીરિક પરેશાનીઓ દૂર થઈ શકે છે.

પુરાણોમાં 8 ભૈરવ બતાવ્યા છે-

સ્કંદ પુરાણના અવંતિ ખંડ પ્રમાણે ભગવાન ભૈરવના 8 રૂપ માનવામાં આવે છે. તેમાંથી કાળભૈરવ ત્રીજું રૂપ છે. શિવ પુરાણ પ્રમાણે એવું માનવામાં આવે છે કે સાંજના સમયે જ્યારે રાત્રિનું આગમન થાય છે અને દિવસ સમાપ્ત થાય છે ત્યારે પ્રદોષકાળમાં શિવના રૌદ્ર રૂપથી ભૈરવ પ્રગટ થયાં હતાં. ભૈરવથી જ બીજા 7 ભૈરવ પ્રગટ થયાં જેમને પોતાના કર્મ અને રૂપ પ્રમાણે નામ આપવામાં આવ્યાં છે. જેના નામ છે-

1- રુરુભૈરવ

2- સંહારભૈરવ

3- કાળભૈરવ

4- આસિતભૈરવ

5- ક્રોધભૈરવ

6- ભીષણભૈરવ

7- મહાભૈરવ

8- ખંટવાગભૈરવ

કાળ ભૈરવ-

ભૈરવનો અર્થ છે ભયને હરનાર કે ભયને જીતનાર. એટલા માટે કાળભૈરવ રૂપની પૂજા કરવાથી મૃત્યુ અને દરેક પ્રકારના સંકટનો ભય દૂર થઈ જાય છે. નારદ પુરાણમાં જણાવ્યું છે કે કાળભૈરવની પૂજા કરવાથી મનુષ્યની બધી મનોકામનાઓ પૂરી થાય છે. મનુષ્ય કોઈ રોગથી લાંબા સમયથી લડી રહ્યો હોય તો તે રોગ, તકલીફ અને દુઃખ પણ દૂર થાય છે. કાળભૈરવની પૂજા આખા દેશમાં અલગ-અલગ નામથી અને અલગ-અલગ પ્રકારે કરવામાં આવે છે. કાળભૈરવ ભગવાન શિવના મુખ્ય ગણોમાં એક છે.

શિવજીના આ ત્રિગુણ સ્વરૂપ ભૈરવ અવતારમાં પણ જોવામાં આવે છે. શિવજી પ્રદોષકાળમાં ભૈરવ રૂપમાં પ્રકટ થયા હતાં.

પં. શર્મા પ્રમાણે શાસ્ત્રોમાં અષ્ટ ભૈરવથી લઇને 64 ભૈરવ સ્વરૂપ ઉલ્લેખવામાં આવ્યાં છે. આ લેખમાં જાણો શિવજીના રજ, તમ અને સત્વ ગુણોના આધારે ભૈરવ સ્વરૂપ ક્યા-ક્યા છે અને કઇ મનોકામના માટે ક્યાં સ્વરૂપની પૂજા કરવામાં આવે છે…


બટુક ભૈરવઃ-

આ ભૈરવનું સાત્વિક અને બાળ સ્વરૂપ છે. જે લોકો બધા સુખ, લાંબું આયુષ્ય, નિરોગી જીવન, પદ, પ્રતિષ્ઠા અને મુક્તિ મેળવવા માંગે છે, તેઓ બટુક ભૈરવની પૂજા કરી શકે છે.

કાળ ભૈરવઃ-
આ ભૈરવનું તામસિક સ્વરૂપ છે, પરંતુ કલ્યાણકારી છે. આ સ્વરૂપને કાળના નિયંત્રક માનવામાં આવે છે. તેની પૂજા અજ્ઞાત ભય, સંકટ, દુઃખ અને દુશ્મનોથી મુક્તિ અપાવનાર માનવામાં આવે છે.

આનંદ ભૈરવઃ-
આ ભૈરવનું રાજસ એટલે રજ સ્વરૂપ માનવામાં આવે છે. દસ મહાવિદ્યા અંતર્ગત દરેક શક્તિ સાથે ભૈરવની પણ પૂજા કરવામાં આવે છે. તેની પૂજાથી ધન, ધર્મની સિદ્ધિઓ મળી શકે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો