રાજકોટમાં ‘દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ’ના સૂત્રને સાર્થક કરતી સંસ્થાઓ અને એનજીઓ

રાજકોટ રંગીલા શહેર તરીકે દેશ-વિદેશમાં જાણીતું છે. રાજકોટવાસીઓ માટે એમ કહેવાય છે કે દિવાળી હોય કે મકરસંક્રાંતિ, હોળી હોય કે ધુળેટી કોઇપણ તહેવાર હોય તેને મનભરીને ઉજવણીમાં રાજકોટની તોલે કોઇ ન આવે, બપોરે 1 થી 4 બજાર બંધ એટલે બંધ, ઉનાળુ અને દિવાળીનું વેકેશન હોય એટલે ઉછીના લઇને પણ ફરવા જવું જેવી અનેક બાબતો માટે રાજકોટ જાણીતું છે ત્યારે દરેક સિક્કાની બે બાજુ હોય તેમ રાજકોટવાસીઓની એક બીજી બાજુ પણ છે અને તે છે ‘બીજા માટે જીવતું રાજકોટ’. પોતાના માટે નાણાં વાપરવામાં પાવરધા રાજકોટવાસીઓને દાતારીમાં પણ કોઇ ન પહોંચે તે એક સત્ય હકીકત છે.

ડાબા હાથને પણ ન ખબર પડે તે રીતે જમણા હાથથી દાન દેવાની પ્રથા રાજકોટમાં ડગલે ને પગલે જોવા મળે છે. રાજકોટમાં કોઇપણ ગરીબ, લાચાર, અશક્ત, વૃધ્ધ, અપંગ, અસહાય, નિરાધારને ઉપરવાળો સવારે ભૂખ્યો ઉઠાડતો હશે, પરંતુ રાજકોટવાસીઓની દાતારીને કારણે તેને ભૂખ્યા સૂવું પડતું નથી. અડધો ડઝનથી વધુ એવી સંસ્થાઓ, એનજીઓ અને દાતારો છે કે જેઓ દ્વારા 365 દિવસ ભૂખ્યાને ભોજનનો અવિરત સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે.

અંદાજે 800થી વધુ લોકો રોજ પોતાના કામધંધા સાથે સેવાના કાર્ય માટે સમય કાઢી લે છે.

આ સંસ્થાઓમાં સેવા આપતા સેવાભાવીઓની વાત પણ ન્યારી છે તેઓ કયારેય પોતાની સેવાના ગાણા ગાતા નથી અને તેની પ્રસિદ્ધિ થાય તેવું ઇચ્છતા નથી. અંદાજે 800થી વધુ લોકો રોજ પોતાના કામધંધા સાથે સેવાના કાર્ય માટે સમય કાઢી લે છે.

વર્ષ દરમિયાન વપરાતું રેશનિંગ

  • 94900 કિલો ઘઉંનો લોટ
  • 95000 કિલો ચોખા
  • 43800 કિલો શાક-બકાલું
  • 500 કિલો ચોખ્ખું ઘી
  • 9000 કિલો તેલ

આ સંસ્થાઓની ભોજન સેવા

સંસ્થાનું નામ – લાભાર્થીઓ

  • બાલાજી અન્નક્ષેત્ર – 600 આશરે
  • બોલબાલા અન્ન રથ- 1500
  • સિવિલમાં સેવા આપતા ગ્રૂપ -2500
  • રણછોડદાસ આશ્રમ- 1000
  • દીકરાનું ઘર, ઢોલરા -54
  • મહાકાલેશ્વર મંદિર ચેરિ.ટ્રસ્ટ -350
  • રોબિનહૂડ- 500

સેવાભાવી સંસ્થાઓનું ભૂખ્યાઓ માટેનું આ છે મેનુ

બાલાજી અન્નક્ષેત્રમાં રોજ રાત્રે ગરમાગરમ ખીચડી-કઢી આપવામાં આવે છે અને કોઇ દાતા હોય તો મીઠાઇ પણ ઘણી‌વખત સામેલ કરાય છે. બોલબાલા ટ્રસ્ટ દ્વારા અલગ-અલગ 3 રૂટ પર 50-50 કિ.મી. અન્ન રથ દોડાવી મગ-ભાત-રોટલી અથવા દાળ-ભાત-રોટલી, સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા ગ્રૂપ દ્વારા રોજ ખીચડી અથવા ભાત, એક ઓસામણ, શાક અને રોટલી અથવા ભાખરી પીરસવામાં આવે છે, તેમજ ઝનાના હોસ્પિટલમાં મહિલાઓને ચોખ્ખા ઘીનો શીરો ખવડાવવામાં આવે છે.

દીકરાનું ઘર ઢોલરામાં દરરોજ સવાર-સાંજ ચા-નાસ્તો અને બપોરે તથા રાત્રે દાળ,ભાત, શાક અને રોટલીનું અપાય છે. રોબિનહૂડ ગ્રૂપ દ્વારા હોટેલો અને લગ્નપ્રસંગોમાં વધતું ભોજન ગરીબો સુધી પહોંચાડાય છે. શ્રી મહાકાલેશ્વર મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શાક, ખીચડી, રોટલો અથવા રોટલી, મીઠાઇ, સંભારો, છાશ, ફરસાણ અને મીઠાઇ જમાડવામાં આવે છે. અઠવાડિયામાં એક વખત કઠોળ આપવામાં આવે છે.

સાત સેવાભાવીએ લગ્ન પણ નથી કર્યા

બાલાજી અન્નક્ષેત્રમાં 37 વર્ષથી ભોજનનો યજ્ઞ ચાલે છે. જેમાં 20 જેટલા સેવાભાવી સેવા આપે છે. તેમાંથી 7 સેવાભાવીએ સામાજિક ઝંઝટના કારણે સેવા બંધ કરવી ન પડે તે માટે લગ્ન કરવાનો વિચાર જ માંડી વાળ્યો છે…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો