ચકલીને બચાવતું ગ્રુપઃ ફર્નિચરમાંથી બચેલી પ્લાયનો ફાળો ઉઘરાવી બનાવે છે સ્પેરોવીલા

સુરતઃ ‘ચીં..ચીં..ચીં..’ના કલરવ સાથે ઘર આંગણે ઉડાઉડ કરતી ચકલીઓની સતત ઘટતી જતી સંખ્યાથી ચિંતાતુર શહેરના મોટા વરાછાનું મિત્રવર્તુળ લોકો પાસેથી ફર્નિચર બનાવતા બચેલી અને નકામી પ્લાયનો ફાળામાં મેળવી તેમાંથી ચકલી માટેના માળા બનાવી તેનું નિ:શુલ્ક વિતરણ કરે છે. માંડ 5 મિત્રોની મદદે અને 9 મહિના પહેલાં જ શરૂ થયેલા આ ભગીરથ કાર્યથી શહેરભરમાં 4500થી વધુ ચકલીઓના માળાનું વિતરણ કરાયું છે જેમાં 80 ટકા માળાઓ ચકલીઓના કાયમી સ્થાન બની ગયા છે.

ઘરની ડિઝાઈન બદલાતાં ચકલના માળા થયા ગાયબ

પ્રસિદ્ધ ગુજરાતી કવિ તુષાર શુકલના એક વકતવ્યમાં ‘ચકા-ચકી’ (ચકલીના જોડા)ની સાંભળેલી કવિતા પરથી વિલુપ્ત થતી ચકલીઓની જાતિને બચાવવાની પ્રેરણા મોટા વરાછાના હંસ આર્ટ ગ્રુપને મળી હતી. દર વર્ષે 20મી માર્ચના રોજ વિશ્વ સ્પેરો ડે તો ઉજવાય છે પણ ચકલીઓના માળા માટે હવે કોઈ દરકાર લેતું નથી. પહેલાં ઘરોમાં લટકતી વડિલોની તસવીરો પાછળ સહેલાઈથી માળા બનાવીને પરિવારના સભ્યની જેમ રહેતાં ચકલીના જોડાને હવે આર્કિટેક્ચર ડિઝાઈનથી નવા બંધાયેલા મકાનોમાં પ્રવેશ કરવાની પણ જગ્યા મળતી નથી.

હંસ ગ્રુપે શરૂ કર્યું અભિયાન

પહેલાં મકાનોની બહાર પુઠાના ચકલી માળાઓ પણ લગાવતાં હતા પણ નવા મકાનની બહાર પુઠાના માળા લગાડવાનું પણ ગમતું નથી ત્યારે મોટા વરાછાના હંસ આર્ટ ગ્રુપે ચીં..ચીં.. કરતી ચકલીઓને બચાવવા અને તેમને માનવ વસ્તી વચ્ચે રહેવા લાયક ખાંચો મળી રહે તે ઉદ્દેશ્યથી પ્લાયના નકામા ટુકડામાંથી માળા બનાવવાનું શરૂ કર્યુ છે. આ માળાને તેમણે ‘સ્પેરો વીલા’નું નામ આપ્યું છે, અને તે નિ:શુલ્ક આપવાનું કાર્ય શરૂ કર્યુ છે.

4500થી વધુ સ્પેરોવીલાં વિતરીત કર્યા

જાન્યુઆરી-2018માં ઉત્તરાયણ પહેલાં દોરીથી કપાતા નિર્દોષ પક્ષીઓની સેવા દરમ્યાન મોટા વરાછાના આ ગૃપે અભિયાનનાં શ્રીગણેશ કર્યા હતાં. ખુબ જ ટુંકા ગાળામાં 4500થી વધુ સ્પેરો વીલાં વિતરિત કરાયા છે જેમાં ચકલીઓનો વિકાસ પણ થઈ રહ્યો છે. હંસ પટેલે જણાવ્યું હતું કે, વિતરિત કરાયેલાં સ્પેરોવીલામાંથી દર ત્રણ મહિને 5 હજાર બચ્ચા મોટા થઈને ઉડી રહ્યાં છે. અમારા દ્વારા ફાળવેલા સ્પેરોવીલાને ક્રમાંક આપી તેનો રેકોર્ડ પણ રાખવામાં આાવે છે.

બચેલી પ્લાયનો ફાળો ઉઘરાવે છે ગ્રુપ

હંસ આર્ટ મિત્ર વર્તુળ હાલ 50 મિત્રોના સહકારથી ચકલીઓની સેવામાં જોતરાયું છે ત્યારે શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચકલીઓના માળા વિતરિત કરવાનું આયોજન તૈયાર કરાયું છે. ઘરોમાં ફર્નિચર બનાવવાના કામ પૂર્ણ થાય ત્યારે બચી જતી અને નકામી પ્લાયને ફેંકવાને બદલે અથવા તો કાટમાળ ભેગો કરવાને બદલે તે બચેલી પ્લાયનો ફાળો મેળવવા હંસ આર્ટ ગ્રૃપ ઘરે-ઘરે ફરી રહ્યું છે.

આવા ઉમદા કાર્યને એક લાઈક અને શેર કરીને વધાવજો ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો