આ ગુજરાતીએ ડ્રાઈવરની નોકરી કરી વિદેશ જવા રૂપિયા ભેગા કર્યા, પછી પોરબંદરના નાનકડા ગામમાંથી ઈઝરાયેલ પહોંચ્યા અને આજે ઈટાલીમાં જીવે છે ‘મજ્જાની લાઈફ’

ગુજરાતીઓ મરજી પ્રમાણે ફરવા માટે જાણીતા છે પછી તે વિદેશ ફરવા જવાનું હોય કે ત્યાં જઈને વસવાનું. વિશ્વભરમાં મોટાભાગના દેશોમાં ગુજરાતીઓ વસે છે, ભલે સંખ્યા ઓછી હોય પરંતુ નાના-નાના ગુજરાતી સમુદાયો લગભગ દરેક દેશમાં મળી રહે છે. વિદેશમાં સ્થાયી થવાની પ્રબળ ઈચ્છા અને પ્રયત્નો કરતાં ગુજરાતીઓનું ઉદાહરણ 37 વર્ષીય રાજુ કારાવદરા છે. રાજુ કારાવદરા ધોરણ 10માં નાપાસ થયા હતા, અંગ્રેજી બરાબર આવડતું નહોતું અને વિદેશી ધરતીમાં જઈને વસવા માટે પૂરતાં રૂપિયા પણ નહોતા છતાં વિદેશ જવું તેમની જિંદગીનું એકમાત્ર લક્ષ્ય હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

2009માં રાજુભાઈએ ઘર છોડી દીધું હતું. તેઓ ઈઝરાયેલમાં રહીને કમાયા પછી ઈટાલીમાં સ્થાયી થયા અને અત્યાર સુધીમાં 18 દેશોમાં ફરી આવ્યા છે. રાજુભાઈએ ઈટાલિયન મહિલા સાથે લગ્ન કર્યા છે અને હાલ નોર્થ-વેસ્ટ ઈટાલીના Liguriaમાં આવેલા એક પ્રોડક્શન યુનિટમાં નોકરી કરે છે.

પોરબંદર નજીક આવેલા સોઢાણા ગામમાં મેર સમાજમાં જન્મેલા રાજુભાઈ પાસે આવેલા ગામની શાળામાં ભણવા જતા હતા. અતિ સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારના રાજુભાઈનું સપનું દુનિયા જોવાનું હતું. “પણ હું કેવી રીતે આ સપનું સાકાર કરી શકત? મારી પાસે નહોતા રૂપિયા કે નહોતા કોઈ કોન્ટેક્ટ્સ. લોકોના ઘરનું કામ કર્યું, વાહનો ચલાવ્યા અને બીજા નાના-મોટા કામ કરવા સહિત બધું જ કરી છૂટ્યો. 2008માં મને ડ્રાઈવર તરીકે સ્થાયી નોકરી મળી અને મેં બચત કરવાનું શરૂ કર્યું. મેં મારા હિસ્સાનની જમીન આપી દીધી અને આ બધું કરીને પાંચ લાખ રૂપિયા ભેગા કર્યા હતા”, તેમ રાજુભાઈએ જણાવ્યું.

કેટલાક મિત્રોની સલાહ માનીને રાજુભાઈએ ઈઝરાયેલની વર્ક પરમિટ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. “15 દિવસ રાહ જોયા પછી મારી પાસે રૂપિયા ખૂટી પડ્યા હતા. મારી પાસે આગળ વધવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. છેવટે મને વિઝા મળ્યા અને નવી જિંદગીની ટિકિટ પણ મળી ગઈ. હું ઈઝરાયેલના ખેડૂતોની વસાહતમાં રહ્યો અને વૃદ્ધોના કેરટેકર તરીકે કામ કર્યું. મને હિબ્રૂ ભાષા નહોતી આવડતી. ઈઝરાયેલમાં મેં કેટલાક મિત્રો બનાવ્યા અને તેમના થકી જ હું મારી પત્ની હિલાને મળ્યો હતો”, તેમ રાજુભાઈએ ઉમેર્યું.

મૂળ ઈટાલીની હિલાની ઉંમર હાલ 48 વર્ષ છે અને તેઓ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરે છે. હિલા પોતાના પરિવારના સભ્યોને મળવા આવી હતી અને ત્યાં જ તેની મુલાકાત રાજુભાઈ સાથે થઈ હતી. પહેલા લગ્ન થકી હિલાની 10 વર્ષની દીકરી પણ છે. હિલા અને રાજુભાઈએ સાયપ્રસમાં લગ્ન કર્યા હતા અને પછી ઈટાલી જઈને વસી ગયા. રાજુભાઈએ કહ્યું, “ભારત હોય કે વિદેશ મેં માત્ર કામ અને કામ જ કર્યું છે. જેના દ્વારા મને માત્ર મિત્રો જ નહીં માન પણ મળ્યું છે. ઈટાલીમાં હું એક વડીલનું ધ્યાન રાખું છું તેમણે મને ખેતી માટે જમીન આપી છે. હું જ્યાં રહું છું તે પર્વતીય પ્રદેશ છે અને અમારા ગામની વસ્તી માત્ર 35 લોકોની છે.”

આજે રાજુભાઈ સ્થાનિક મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કામ કરે છે અને સાથે જ ફળોની ખેતી પણ કરે છે. જોકે, રાજુભાઈ તેમના ગુજરાતી યૂટ્યૂબ વિડીયો અને ફેસબુક લાઈવ સેશન માટે વધુ પ્રખ્યાત છે. તેમના 60,000થી વધુ ફોલોઅર્સ છે. વિડીયોમાં તેઓ વિદેશના પોતાના અનુભવો અને જિંદગી કેવી છે તે વિશેની માહિતી સૌરાષ્ટ્રના લહેકામાં આપે છે. ગુજરાત અને દુનિયાના અન્ય ખૂણેથી તેમના વિડીયો જોતાં દર્શકોને રાજુભાઈ ઈટાલીના ગ્રામ્ય વિસ્તારો અને યુરોપની વર્ચ્યુઅલ ટૂર કરાવે છે. ઉપરાંત તેઓ વિદેશ જઈને વસવા માગતા ઈમિગ્રન્ટ્સને કોવિડની પરિસ્થિતિ અને કામકાજ અંગેના સલાહ-સૂચનો આપતા રહે છે.
“અહીં સુધી પહોંચવું ભગવાન દ્વારકાધીશ અને મારા માતાપિતાના આશીર્વાદ વિના સંભવ ના થયું હોત. તેમની પાસે જે હતું એ બધું તેમણે આપી દીધું જેથી હું મારા જીવનમાં પ્રગતિ કરી શકું. મન હોય તો માળવે જવાય- હું મારા જીવનમાં હંમેશા આ કહેવતને વળગી રહ્યો છું. હિબ્રૂ અને ઈટાલિયન જેવી પ્રચલિત ભાષા પણ શીખ્યો છું. મારી પત્ની ગુજરાતી બોલી નથી શકતી પણ સમજે છે”, તેમ રાજુભાઈએ કહ્યું. લગ્ન બાદ રાજુભાઈ અને તેમના પત્ની એક મહિના સુધી પોરબંદરમાં પણ રહ્યા હતા.

રાજુભાઈએ ફ્રાન્સ, સ્વિત્ઝરલેન્ડ, યુકે અને મોનાકો સહિતના દેશોની મુલાકાત લીધી છે. આ દેશોમાં ફરવાના વિસ્તૃત વિડીયો તેમણે પોતાની ચેનલ પર મૂક્યા છે. તેમના વિડીયોને ગુજરાતીઓ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે સાથે જ ઈટાલીની તેમની ‘ગ્રામ્ય જિંદગી’ જોઈને ઈર્ષ્યા પણ આવે છે. “પણ હું તેમને કહું છું કે આ નસીબ, મહેનત અને ટકી રહેવાની ઈચ્છાશક્તિને આભારી છે”, તેમ રાજુભાઈએ વાત પૂરી કરતાં કહ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો