કૂતરાઓની માલિક પ્રત્યેની વફાદારી તો જુઓ, 4 કૂતરાઓએ માલિકને બચાવવા આપી દીધો પોતાનો જીવ
કૂતરાના વફાદારીના કિસ્સા બાળપણથી જ આપણે સાંભળતા અને વાંચતા આવ્યા છીએ, ફરી એકવાર બિહારના ભાગલપુરમાં કૂતરાઓએ માલિક પ્રત્યે પોતાની વફાદારી બતાવી છે. ચાર પેટ ડોગ્સે માલિક અને તેમના પરિવારને કોબ્રાથી બચાવવા પોતાનો જીવ આપી દીધો. આ કિસ્સો મંગળવાર રાતનો છે.
શું છે સમગ્ર ઘટના?
ભાગલપુરની સાહેબગંજ કોલોની રહેવાસી ડોક્ટર પૂનમ મોસેસે તેમના ઘરમાં ચાર કૂતરા પાળેલા હતા. તમામ કૂતરાને તેમનો ભાઈ બોબી મોસેસે પરિવારના સભ્યોની જેમ રાખતો હતો. ડો. પૂનમ માયાગંજ હોસ્પિટલમાં ડોક્ટર હતી, તે જણાવે છે કે, મંગળવારે રાતે બધા કૂતરા અચાનક ભસવા લાગ્યા. થોડીવાર રાહ જોયા પછી પણ તેમણે ભસવાનું બંધ ન કર્યું, ત્યાર પછી મેં જ્યારે બહાર જઈને જોયું તો, બધા કૂતરા સાપ સામે લડી રહ્યા હતા અને સાપને ઘાયલ કરી ચૂક્યા હતા. થોડીવાર પછી ત્રણ કૂતરા બેભાન થઈને પડી ગયા જ્યારે એક કૂતરો સાપનો સતત સામનો કરી રહ્યો હતો અને અંતે સાપને મારીને ખુદ પણ મરી ગયો.
ચારેય કૂતરાના મોતથી પરિવાર આઘાતમાં
ડો. પૂનમના ભાઈ બોબીએ જણાવ્યું કે, એક કોબ્રા તેમના ઘરમાં આવવા માંગતો હતો, પરંતુ ઘરની બહાર કેમ્પસની અંદર રાતે તેઓ કૂતરાને છૂટા મૂકી દેતા હતા, આ કૂતરાની નજર કોબ્રા પર પડી ગઈ, ત્યારબાદ તે એક પછી એક સાપ સામે લડતા રહ્યા. જોકે, સાપ દ્વારા ડંખ મારવાના કારણે ચારેય કૂતરાના મોત થયા છે. આ આખી ઘટના ઘરની સામે લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ. ડો. પૂનમના ભાઈ બોબીએ જણાવ્યું કે, બધા કૂતરા બાળપણથી જ તેમના ઘરમાં મોટા થયા હતા. આ કૂતરાના મોતથી આખું ઘર આઘાતમાં છે. આસપાસના બધા લોકો ચારેય કૂતરાની વફાદારી અને બહાદુરીની ચર્ચા કરી રહ્યા છે.