ખેતીકામ અને બીજાના ઘરમાં કચરા-પોતા અને વાસણો સાફ કરી સખત મહેનતથી IPS બનનાર આ છોકરી આખા ગામ માટે બની પ્રેરણાદાયી

ખેડૂતની એક એવી દીકરી, જેણે સખત સંઘર્ષ કર્યો, ક્યારેય હિમ્મત ન હારી અને સતત આગળ વધતી રહી. તેણે સાબિત કરી બતાવ્યું કે, જો તમે મન બનાવી લીધું તો કોઈ પણ કામ મુશ્કેલ નથી હોતું. ઉત્તર પ્રદેશ મુરાદાબાદના કુંદરકી ગામની આ દીકરીનું નામ ઈલ્મા અફરોઝ છે.

14 વર્ષની હતી ત્યારે થયું હતું પિતાનું નિધન

ઈલ્મા અફરોઝનું બાળપણ બહુ પડકારજનક રહ્યું, પરંતુ તે હિમ્મત હાર્યા વગર તેનો સામનો કરતી રહી. ઈલ્મા પ્રમાણે, જ્યારે તે 14 વર્ષની હતી, ત્યારે તેના પિતા દુનિયા છોડીને જતા રહ્યા. ત્યારે તે નવમાં ધોરણમાં ભણતી હતી અને તેનો ભાઈ 12 વર્ષનો હતો. ઈલ્મા જણાવે છે કે, પિતા તેને વાળમાં કાંસકો ફેરવી આપતા હતા, પરંતુ તેમના નિધન બાદ વાળ જ કપાવી નાંખ્યા.

હવે અભ્યાસ કરવો અઘરો હતો, પરંતુ સ્કોલરશિપ દ્વારા આગળ ભણતી રહી. સ્કોલરશિપ દ્વારા જ દિલ્હીની સ્ટીફન કોલેજ અને ત્યારબાદ પેરિસ, ન્યૂયોર્ક, ઑક્સફોર્ડમાં ભણી. અભ્યાસ તો કરી રહી હતી, પરંતુ પોતાના ખર્ચા કાઢવા પણ એક પડકારજનક કામ હતું. તેમણે જણાવ્યું કે, તે પોતાના ખર્ચા પૂરા કરવા માટે લોકોના ઘરમાં કચરા-પોતા અને વાસણો સાફ કરતી હતી. બાળકોને ટ્યૂશન કરાવવાનું પણ શરૂ કર્યું હતું. ભાઈએ તેને સિવિલ પરીક્ષા આપવા માટે પ્રેરિત કરી. હું પણ IAS બનવા માંગતી હતી, પરંતુ મને લાગ્યું કે IPS બનવું મારા માટે વધારે જરૂરી છે.

વિદેશમાં ભણી, પરંતુ માથે હતું દેશસેવાનું ઝનૂન, સખત મહેનતથી પાસ કરી UPSC.

લોકો કહેતા…છોકરી શું કરી લેશે?

ઈલ્મા જણાવે છે કે, હું તૈયારી કરી રહી હતી પણ લોકો કહેતા કે, ‘છોકરી છે, શું કરી લેશે.’ મેં ક્યારેય એ લોકોને રિસ્પોન્સ ન આપ્યો અને બસ સ્માઈલ આપતી રહી. આઈપીએસ બનવું પણ સરળ નહોતું. ઈલ્માએ આ દરમિયાન ખેતરમાં પાણી, ઘઉં ઉગાડવા અને જાનવરોને ચારો નાંખવા જેવા કામ કર્યા અને સાથે સાથે અભ્યાસ પણ ચાલું રાખ્યો. એ જ મહેનતનું પરિણામ હતું કે, ઈલ્માએ UPSC પરીક્ષામાં 217મો રેન્ક મેળવ્યો. અગાઉ ભલે કોઈ પૂછનારું ન હતું, પરંતુ ઈલ્મા IPS બની હોવાના સમાચાર સાંભળતા જ ઘરમાં સગા-સંબંધીઓનો જમાવડો થઈ ગયો. ઈલ્માની મા સુહેલા અફરોઝ પણ ઘણી ખુશ થઈ ગઈ. તેણે કહ્યું કે, તેની દીકરીએ બહુ મહેનત કરી અને ભગવાને તેનું સાંભળી લીધું, તેનો ભગવાન ખુશ થઈ ગયો. અદભૂત પ્રતિભા ધરાવતી ઈલ્મા હિમ્મત હારી જનારા લોકો માટે એક ઉદાહરણ છે. તે તેના જીવનના સંઘર્ષો જણાવતા ક્યારેય અચકાતી નથી.

ગામ દેશ માટે છોડ્યું વિદેશ

ઈલ્માએ દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભણી. વિદેશમાં ભણવા દરમિયાન પણ તેનું સપનું દેશ માટે કંઈક કરવાનું જ હતું. તેમણે જણાવ્યું કે, ઑક્સફોર્ડમાં ભણવા દરમિયાન ત્યાં બહુ ઝાકમઝોળ હતી, પરંતુ હું એવી જગ્યાએથી આવી હતી, જ્યાં મીણબત્તીના પ્રકાશમાં પણ અભ્યાસ કરવો પડતો હતો. મા ચૂલા પર રોટલી બનાવતી હતી. તેમણે કહ્યું, ફ્લાઈટના પૈસા પણ ખેતીવાડીમાંથી કાઢ્યા. ત્યારે મેં વિચાર્યું વિદેશમાં ભણીને જો હું વિદેશના લોકોની સેવા કરું તો તેનાથી મારા ગામ અને પરિવારના લોકોને કોઈ ફાયદો નહીં થાય, જેમણે મારા માટે આટલી મહેનત કરી છે. ત્યારબાદ તેમણે UPSCની તૈયારી શરૂ કરી દીધી.

સફળતાનો રસ્તો સરળ નથી હોતો

તેમણે જણાવ્યું કે, સફળતાનો રસ્તો સરળ ન હતો. ઘણીવાર એવું બન્યું છે કે, જ્યારે નિષ્ફળતા મળી છે. હું વકીલ બનવા માગતી હતી, પરંતુ સ્કોલરશિપ ન મળતા કોલંબિયા યુનિવર્સિટીમાં એડમિશન ન થઈ શક્યું. ત્યારબાદ જ્યારે મહેનત શરૂ કરી તો રસ્તા ખુલવા લાગ્યા. તે જણાવે છે કે, સૌથી વધારે આભારી હું મારા દેશની છું, જેમણે મને સ્કોલરશિપ આપી, જેના કારણે મારો અભ્યાસ બહાર વિદેશમાં થયો.

ઉપરાષ્ટ્રપતિએ કરી સન્માનિત

દિલ્હીમાં સિવિલ સર્વિસીઝમાં પસંદ થયેલા સહભાગીઓનાં અભિનંદન સમારોહ – 2018માં મુખ્ય અતિથિ તેમજ દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂની ઉપસ્થિતિમાં પસંદ કરેલ આઈપીએસ ઈલ્મા અફરોઝને સન્માનિત કરવામાં આવી. સાથે જ ઉપરાષ્ટ્રપતિ સાથે યાદગાર તસવીર પણ ખેંચાવી. કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઈલ્મા અફરોઝની મા સુહૈલા અફરોઝને પણ સન્માનિત કરી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો