કાલ્પનિક બાબતને હકિકતમાં પરિવર્તિત કરતા પદ્મશ્રી ડો. તેજસ પટેલ, રોબોટિક સર્જરી ક્ષેત્રે ઇતિહાસ રચ્યો

પદ્મશ્રી ડૉ. તેજસ પટેલે વિશ્વની ફર્સ્ટ-ઈનહ્યુમન ટેલિરોબોટિક કોરોનરી ઈન્ટરવેન્શન પ્રોસીજર કરી ૩૨ કિ.મી. દૂર રહેલા દર્દીના હૃદયની આર્ટરીમાં સફળતાપૂર્વક સ્ટેન્ટ મૂકી વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે. તેમની આ પ્રોસિજરથી ભારતના તબીબી વિજ્ઞાનના ઈતિહાસમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થઈ છે. ગાંધીનગર અક્ષરધામ મંદિર સંકુલમાં તેમણે સંતો-મહંતોના આશીર્વાદ મેળવી બુધવારે બપોરે ત્રણ કલાકે આ પ્રોસિજર હાથ ધરી હતી. અક્ષરધામ મંદિરમાં બેઠાબેઠા ઈન્ટરનેટના માધ્યમ થકી તેમણે ૩૨ કિ.મી. દૂર એસ.જી. હાઈવે સ્થિત એપેક્સ હોસ્પિટલમાં દર્દી પર ટેલિરોબોટિક કોરોનરી ઈન્ટરવેન્શનની સફળ પ્રોસિજર કરી ઈતિહાસ સર્જ્યો હતો. આ વિરલ ઘટનાથી વિશ્વભરમાં દૂર અંતરના ટેલિરોબોટિક પ્લેટફોર્મ માટે માર્ગ મોકળો બન્યો છે.

ડૉ. તેજસ પટેલે આ અંગે કહ્યું કે, ‘આ રોબોટિક PCI (પરક્યુટેશન કોરોનરી ઈન્ટરવેન્શન) હાર્ટમાં સ્ટેન્ટિંગ કરવાના ઉપયોગમાં આવશે. સાથોસાથ સ્ટ્રોકના દર્દીઓ માટે પણ આ ટેકનોલોજી ખૂબ ઉપયોગી સાબિત થશે’. તેઓએ વિશ્વની આ પ્રથમ પ્રોસિજર અને ટેકનોલોજી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને અર્પણ કરી હતી. તેમણે કહ્યું કે, ‘આ ટેકનોલોજી મારફતે હું હૃદયની સારવાર પદ્ધતિમાં લાખો લોકો માટે અદ્યતન પરિવર્તન લાવવા માગું છું’.

‘વિશ્વની આ પ્રથમ પ્રોસિજર કરવા તેમણે અક્ષરધામ મંદિર કેમ પસંદ કર્યું’? તેનો જવાબ આપતા તેમણે કહ્યું કે, ‘અક્ષરધામ વિજ્ઞાન અને આધ્યાત્મનું તથા પરંપરા અને ટેકનોલોજીનું સંગમ સ્થાન છે જે માત્ર તબીબી ક્ષેત્રે જ નહીં, પરંતુ માનવતાના તમામ ક્ષેત્રને શાંતિ અને અધ્યાત્મ, સુગમતા અને સર્જનાત્મકતા પૂરી પાડે છે.’

આ દરમિયાન ડૉ.તેજસ પટેલે સર્જરી માટે રોબોટને કમાન્ડ આપ્યા હતા અને તેમના કમાન્ડ પ્રમાણે રોબોટે એપેક્ષ હોસ્પિટલની કેથલેબમાં દર્દીને ઓપરેટ કર્યો હતો.

આ પ્રસંગે કોરિન્ડસ કંપનીના પ્રેસિડન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્ક ટોલાન્ડે કહ્યું કે, ‘ડૉ. તેજસ પટેલ વિશ્વના જાણીતા ડૉક્ટર છે, ખૂબ ઓછા કાર્ડિયોલોજિસ્ટ છે કે જેમને ડૉ. પટેલ જેટલો બહોળો અનુભવ હશે. આ કારણે અમે તેમની સાથે મળી કામ કરવાનું પસંદ કર્યું હતું’.

આ ઐતિહાસિક ક્ષણના ભાગીદાર બનવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અક્ષરધામ મંદિર ખાતે હાજર રહ્યા હતા. તેમણે દર્દી પર થયેલી સર્જરીને લાઇવ નિહાળી હતી.

ઐતિહાસિક ઘટનાથી ગુજરાતનું નામ રોશન થયું : મુખ્યમંત્રી
આ ઐતિહાસિક ઘટનાથી આજનો દિવસ માનવજાત માટે અગત્યનો બન્યો છે. ડૉ. તેજસભાઈ પટેલે વિશ્વની આ પ્રથમ પ્રોસિજર કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. દર્દી દૂર હોય તોય ડૉક્ટર એક જગ્યાએ બેઠાબેઠા સર્જરી કરી શકે તે ટેકનોલોજી વિકસી છે તેનો લાભ ગુજરાતના છેવાડાના માનવીને પણ મળે તે દિશામાં રાજ્ય સરકાર ચોક્કસથી વિચારશે.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!