વઘાસીયા પરિવાર દ્વારા વલારડી ગામે ત્રિદિવસીય ૧૦૦૮ કુંડી મહાયજ્ઞ અને ‘દિવ્યધામ’નું ભૂમિપૂજન

સમસ્ત વઘાસીયા પરિવાર વલારડી દ્વારા બાબરા તાલુકાના વલારડી ગામે આગામી તા.૬ માર્ચથી ત્રિદિવસીય ૧૦૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ, દેવીચરિત્ર જ્ઞાનયજ્ઞ, સમૂહ લગ્ન તેમજ જગતજનની માં વેરાઈ માતાજીનાં ભવ્ય મંદિર દિવ્યધશમના ભૂમિ પૂજનનું ભવ્ય મહોત્સવ યોજાશે.

તા.૬ માર્ચથી તા.૮ માર્ચ સુધી ૧૦૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞમાં પ્રધાન આચાર્ય શાસ્ત્રી ભાવિકભાઈ વ્યાસ (નવાણીયા વાળા) તેમજ બ્રાહ્મણો દ્વારા સપ્તસતીના ૧૦૦૮ પાઠ થશે અને યજમાનો દ્વારા હોમ થશે અને પરિવારના એકી સાથે ૧૦૦૮ જોડી યજમાનો દ્વારા યજ્ઞમાં આહુતિ આપીને ભવ્ય વિક્રમ સર્જશે.

યજ્ઞમાં શાબ્દિક આહુતિ આપવા માટે જ્ઞાનયજ્ઞનાં વ્યાસાને રાજકોટ નિવાસી યુવા કથાકાર વકતા દિપાલીજી પટેલ દ્વારા દેવી ચરિત્ર જ્ઞાનયજ્ઞનું રસપાન કરાવવામાં આવશે. તા.૮ માર્ચના સાંજે વ્હાલી દિકરી વિવાહ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સમગ્ર વઘાસીયા પરિવારમાં ગત વર્ષે જન્મેલ દિકરીઓને લક્ષ્મીજી સ્વરૂપે વધાવવામાં આવશે.

તા.૯ માર્ચના બપોરે ૧૧:૩૦ કલાકે જગતજનની માં વેરાઈ માતાજીના ભવ્ય મંદિર દિવ્યધામના નિર્માણનું ભૂમિ પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નિર્માણમાં ૧૧૧૦૦૦ ઘનફૂટ સફેદ આરસ પથ્થર તેમજ પ્રદિક્ષણા પથ ઉપર કલાત્મક હાથી, ઘોડાની ભવ્ય મૂર્તિઓ, ૬૪ જોગણી માતાજીની દર્શનીય મૂર્તિઓ, ૫૧ શક્તિપીઠની કલાત્મક મૂર્તિઓ, મંદિરમાં પ્રવેશતા વિશાળ નૃત્ય મંડપ, કલાત્મક કમાનો તેમજ વિરાંગનાઓથી સજ્જ હશે.

આ મહોત્સવમાં તા.૬ માર્ચના રાત્રે બાળકોનું કૌશલ્ય દર્શાવતો કાર્યક્રમ ફોર્યા ફાગણનાં ફુલનું આયોજન તા.૭ માર્ચની રાત્રે કલાકાર દિનેશભાઈ વઘાસીયા, યોગીતા પટેલ દ્વારા ભવ્ય લોકડાયરો, તા.૮ માર્ચના રાત્રે પટેલ મ્યુઝીકલ ગ્રુપ – રાજકોટ દ્વારા પ્રસ્તુત ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મહોત્સવના પરિસરમાં વિવિધ કેમ્પો યોજાશે જેવા કે, લાયન્સ કલબ ઓફ અમરેલી મેઈન દ્વારા વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પ, લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ફ્રી ડાયાબીટીશ ચેકઅપ કેમ્પ, જલ હેલ્થ કેર સુરત દ્વારા વિનામુલ્યે આરોગ્ય જાગૃતિ યોજવામાં આવશે.

આ મહોત્સવમાં પધારનાર સૌ ભાવિકજનો બેટી બચાવો, જળ મચાવો, ગાય બચાવો તેમજ સ્વચ્છ ભારત અભિયાનના સંકલ્પો કરશે તેમજ પુલવામા શહિદ થયેલા વિર જવાનોને અનોખી રીતે શ્રધ્ધાંજલી અર્પણ કરશે.

આ મહોત્સવમાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી સંતો-મહંતો પધારીને આશીર્વચન પાઠવશે. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ તેમજ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ સમગ્ર મહોત્સવનું જીવંત પ્રસારણ ચેનલ તેમજ દિવ્યધામ વલારડી યુટયુબ ચેનલ, ફેસબુક પેઈઝ પરથી કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા વઘાસીયા પરિવારના આગેવાનો મહેશભાઈ, વિજયભાઈ, સુભાષભાઈ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો