દીકરીની અનોખી પહેલઃ સગાઈની છાબ વિધીમાં વરપક્ષને દીકરી વિશેનાં પુસ્તક અને તુલસીનો છોડ અપાયો

સુરતઃ આજનાં આધુનિક યુગમાં કુરિવાજો અને વર્ષો જૂની પરંપરા તથા પુરાણી વિચારસરણીને કારણે હજુ પણ સમાજમાં દીકરીનાં શોષણનાં કિસ્સાઓ જોવા મળતાં રહે છે. ત્યારે સમાજમાં દીકરીનું માન-સન્માન જળવાઈ રહે અને દીકરી તથા વહુ વચ્ચેનું અંતર દૂર થાય એ માટે કાપોદ્રાની વ્હાઈટ હાઉસ કલાકુંજ સોસાયટીમાં રહેતી યુવા શિક્ષિકાએ સગાઈ પ્રસંગમાં છાબમાં દીકરી અને સ્ત્રીનું મહત્વ સમજાવતા પુસ્તકો તથા તુલસીનો છોડ અર્પણ કરી અનોખી પહેલ કરી છે. આ સાથે વહુને પણ દીકરીની જેમ માની તુલસીનાં છોડની માફક જતન કરવા ટકોર કરી હતી.

નવો વિચાર રજૂ કરાયો

મૂળ અમરેલી જીલ્લાનાં કુંડલા તાલુકાનાં ધાર ગામના વતની અને રોજગાર અર્થે સુરત સ્થાયી થયેલા રમેશભાઈ વઘાસીયાની 22 વર્ષીય દીકરી મિત્તલ વઘાસીયાએ છાબની પરંપરામાં પુસ્તકો અને દીકરીરૂપી તુલસીનો છોડ આપી નવો ચીલો ચીતર્યો છે. ગત તા. 18 ઓક્ટોબરનાં રોજ શિક્ષિકા તરીકે ખાનગી શાળામાં ફરજ બજાવતા મિત્તલ વઘાસીયા અને ટેક્ષટાઈલ ક્ષેત્રે સંકળાયેલા પ્રતિક પાંચાણીની સગાઈમાં સમાજને એક નવો વિચાર મળ્યો છે. સામાન્ય રીતે હિન્દુ રીતિ-રિવાજ મુજબ સગાઈ પ્રસંગે વરપક્ષ દ્વારા કન્યાપક્ષને છાબ વિધીમાં કન્યા માટે કપડા, શણગારની સામગ્રી અને ઝવેરાત વગેરે ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. જેની સામે કન્યાપક્ષ દ્વારા વરને સ્નેહરૂપે કપડા ભેટ આપવામાં આવતાં હોય છે.

વહુને દીકરી ગણી તુલસીનાં છોડની માફક માવજત કરવા ટકોર, સ્વાસ્થ્ય મંત્રી-મેયર સહિતનાં સમાજ શ્રેષ્ઠિઓએ દીકરીનાં વિચારને વધાવ્યા

દીકરીના વિચારને વધાવાયો

આ સગાઈ વિધી અનોખી એટલા માટે હતી કે, કન્યાપક્ષ દ્વારા વરપક્ષને છાબ આપવામાં આવી હતી. દીકરી અને વહુ વચ્ચેનો ભેદ દૂર થાય અને ઈલેક્ટ્રોનિક્સ યુગમાં સંબંધોથી વિમુખ થઈ રહેલા સમાજને નવો વિચાર મળે એ માટે મિત્તલ વઘાસીયાએ વરપક્ષ માટે માર્મિક સંદેશા સાથે છાબ તૈયાર કરી હતી. જેમાં જીવન ઘડતર, દીકરી વ્હાલનો દરિયો, દીકરી એક પારેવડું, પપ્પાને વ્હાલી દીકરી, વડીલોની વ્યથગાથા અને ભગવત ગીતા જેવા પુસ્તકો ભેટ આપી હતી અને તુલસીરૂપી દીકરીનું જતન કરવા ટકોર કરી હતી. આ પ્રસંગે રાજયકક્ષાનાં આરોગ્ય મંત્રી કિશોર કાનાણી, મેયર ડો. જગદીશભાઈ પટેલ, ધારાસભ્ય વી ડી. ઝાલાવાડિયા, બાબુભાઇ જીરાવાળા, કાનજીભાઈ ભાલાળા સહિતનાં સમાજ શ્રેષ્ઠિઓએ પણ ઉપસ્થિત રહી દીકરીના વિચારને વધાવ્યો હતો.

વહુને દીકરીનું સ્થાન મળવું જોઈએ

આ અંગે વાત કરતાં મિત્તલ વઘાસીયાએ જણાવે છે કે, આજના યુગમાં બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન થકી દીકરીઓને સુરક્ષિત રાખવી પડતી હોય છે અને ઈલેક્ટ્રોનિક્સ મિડીયાને કારણે માનવી તમામ સંબંધોથી વિમુખ થઈ રહ્યો છે. સંબંધો અને જીવન માટે પુસ્તકમાંથી જ જ્ઞાન મળે છે. દીકરી તુલસીનો જ એક છોડ છે. જે રીતે તુલસીનાં છોડનું જતન કરીએ છીએ, તેવી રીતે વહુને પણ દીકરી ગણી માવજત થવી જોઈએ. સમાજ વહુને દીકરીનાં સ્થાને જોતો થઈ જશે, તો તમામ ગૃહ ક્લેશ દૂર થઈ જશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો