દિકરી એટલે શું?….

પરિવાર કોઈપણ હોય ઘરમાં પોતાના પિતાને ખીજાવવાનો અને તેમના પર ગુસ્સો કરવાનો અધિકાર માત્ર દિકરી પાસે જ હોય છે. તમે જાણો છો કે દરેક દિકરી પોતાના પિતાને જ સૌથી વધુ પ્રેમ કેમ કરે છે? કારણ કે, તે જાણે છે કે સમગ્ર વિશ્વમાં આ એક જ પુરુષ છે જે તેને ક્યારેય પણ દુખ નથી કરે અને નહીં થવા દે.

દિકરી એટલે શું?

દિ – દિલની સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ
ક – કસ્તુરીની માફક કાયમ મહેકતી અને ઘરને મહેકાવતી
રી – રિધ્ધિ-સિધ્ધી આપીને ઘર અને પરિવારને દિપાવતી એક રાજકુમારી.

દિકરી નાની હોય કે મોટી, એ સ્કૂલમાં હોય કે કોલેજમાં, તે કુમારિકા હોય કે પરણિત હોય, દિકરી સદાય માટે માતા-પિતા માટે દિકરી જ રહે છે. દિકરી દાંપત્યનો દીવડો દરમ્યાન એક ચર્ચા ચાલી રહી હતી તેમાં એક વ્યક્તિએ કહ્યું કે, હું મારી પત્ની કરતાં પણ વધુ પ્રેમ મારી દિકરીને કરું છુ, તેનું કારણ જાણો છો?

એ જ્યારે ચાર વર્ષની હતી ત્યારે મારી માતાનું અવસાન થયેલું, માતાના અવસાનના દુખને લીધે હું ખૂબ રડેલો. ત્યારે મારી દિકરીએ મારા આંસુ લુંછતા મને કહ્યું હતું કે, “તમે રાડો નહીં પપ્પા, તમે રડો છો તેથી મને પણ રડવું આવી જાય છે.” આજે પણ જ્યારે હું બીમાર હોય અને મારા ખબરઅંતર પૂછવા માટે જ્યારે તે સાસરેથી આવે ત્યારે હું મારા તમામ દુખો ભૂલી જાવ છુ.

મારા માનવા પ્રમાણે કદાચ એ જ કારણ હશે કે તેના લગ્નમાં વિદાય સમયે માં કરતાં એક પિતાને વધુ વેદના થતી હોય છે. કારણ કે, માં તો રડી લે છે પરંતુ પુરુષના રૂપમાં રહેલો પિતા આસાનીથી રડી શકતો નથી. દિકરીને નાની માંથી મોટી કરતાં કરતાં જ્યારે એ લગ્નને લાયક થાય છે ત્યાં સુધીમાં પિતાને તેના વાત્સલ્ય અને પ્રેમની આદત પડી ચૂકી હોય છે.

દિકરી ક્યારેય માં બનીને પોતાની ફરજ પૂરી કરે છે તો ક્યારેક દાદી બની જાય છે અને ક્યારેય એ મિત્ર પણ બની રહે છે. જ્યારે સુખ હોય ત્યારે દિકરી બાપના હોઠનું સ્મિત બની જાય છે અને જ્યારે દુખ હોય ત્યારે પિતાના આંસુ લૂછતી હથેળી બની જાય છે. સમય જતાં વાર નહીં લગતી અને જોતજોતામાં દિકરી મોટી થઈ જાય છે અને એક દિવસ પાનેતર ઓઢીને પારકા ઘરે વિદાય થાય છે.

વિદાય થતી વેળાએ દિકરી આંખમાં આંસુ સાથે પિતાને કહે છે, “પપ્પા, હું જાઉં છુ, મારી જરા પણ ચિંતા ના કરશો, તમારી દવા સમયસર લઈ લેજો, મમ્મીનું પણ ધ્યાન રાખજો, ત્યારે ગમે તેવા કઠણ હ્રદયવાળો પિતા હોય પોતાની આંખમાં આંસુ આવતા રોકી શકતો નથી.

કવિ કાલિદાસે પણ પોતાની રચનામાં લખ્યું છે કે, શકુંતલાને વિદાય કરતી વેળાએ ક્ણ્વ ઋષિ કહે છે, સંસાર છોડીને સન્યાસી બનેલા જો અમારા જેવા ઋષિને પણ પુત્રીના વિદાય સમયે જો આટલું દુખ થતું હોય છે તો સંસારીઓને તો કેટલું દુખ થતું હશે.

એક દિવસ મિત્રની દિકરીના લગ્નમાં ગયા, પોતાની દિકરીને સાસરે વિદાય કર્યા બાદ ઘરમાં ઢીલા થઈને બેઠેલા મારા મિત્રે કહ્યું કે, આજ સુધી મે ક્યારેય ભગવાનને પ્રાર્થના કરી નથી, પણ એક પિતા ક્યારેય બીજી કોઈ પ્રાર્થના કરે કે ના કરે પણ એક પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ કે, “હે ભગવાન, તું આ સમગ્ર દુનિયામાં બધા જ પુરૂષોને સમજદાર બનાવજે, કારણ કે તેમાંથી કોઈ એક વ્યક્તિ મારી દિકરીનો પતિ બનવાનો છે. સંસારની બધીજ સ્ત્રીઓને તું પ્રેમાળ બનાવજે કારણ કે તેમાંથી કોઈ એક મારી દિકરીની સાસુ અથવા તો નણંદ બનવાની છે. તારે આ સંસારનું ફરીથી નિર્માણ જો કરવું પડે તો કરજે પણ મારી લાડકી દિકરીને કોઈ દુખ પાડવા દઇશ નહીં.”

જો તમારા ઘરમાં કોઈ દિકરી ના હોય તો પિતા અને પુત્રી વચ્ચેનો પ્રેમ શું છે એ તમે કદી નથી જાણી શકવાના. બસ એક વાતનું હંમેશા ધ્યાન રાખવું કે, ગમે તેવા મનદુખ થાય તો પણ ક્યારેય ઘરની પુત્રવધુને ક્યારેય પણ તેના પિતા વિરુધ્ધ કદી પણ કટુ વચનો સંભળાવશો નહીં. દિકરી ભગવાન વૃધ્ધ તો ચોક્કસ સાંભળી લેશે પરંતુ પોતાના પિતા વિરુધ્ધ એ ક્યારેય સાંભળી શકતી નથી.

જો સૂર્યના ઘરમાં દિકરી હોત અને તેને વિદાય કરવાનો અવસર આવ્યો હોત ત્યારે સૂર્યને ખબર પડે કે અંધારું કોને કહેવાય…

બધા જ પિતાઓને સમર્પિત જેમની પાસે દિકરીઓ છે….

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો