દીકરી બની દીકરો: 4 દીકરીઓએ નિભાવ્યો પુત્ર ધર્મ, પિતાને કાંધ આપી કર્યા અંતિમસંસ્કાર

ગોંડલના મોટાદડવામાં 4 દીકરીઓએ પોતાના મૃતક પિતાની અર્થીને કાંધ અને અગ્નિસંસ્કાર આપી પુત્ર ધર્મ નિભાવ્યો હતો. સાથે સમાજને એક નવું ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું. પટેલ પરિવારના નાનજીભાઈ ધનજીભાઈ વસાણીનું દુખદ અવસારન થતા તેની સગી 2 દિકરીઓ મનીશાબેન અને દયાબેન અને તેમની સાથે તેમની સંબંધીઓની દીકરીઓ સરોજબેન અને લીલાબેન દ્વારા કાંધ આપી અગ્નિસંસ્કાર કર્યા હતા. આમ સવારે આ ચારેય દીકરીઓએ રડતી આંખે પોતાના પિતાને અગ્નિદાહ આપી એક પુત્ર ધર્મ નિભાવ્યો હતો.

દીકરીઓએ અશ્રુભીની આંખે પિતાને અંતિમ વિદાય આપી

આપણા દેશને પુરૂષપ્રધાન માનવામાં આવે છે. આજના વર્તમાન અને હરણફાળ યુગમાં પણ મહિલાઓને ઘણી જગ્યાએ નજર અંદાજ કરવામાં આવે છે. પરંતુ મોટા ભાગના ક્ષેત્રમાં મહિલાઓએ એક આગવું સ્થાન ધરાવ્યું હોવાના ઉદાહરણો પણ પુરવાર થઇ ચૂક્યા છે. ત્યારે મોટાદડવામાં રહેતા નાનજીભાઈનું દુખદ અવસાન થતાં દીકરીઓએ કાંધ આપી હતી અને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું હતું. જે કૂખમા રમી ભમી મોટા થયાં એ જ પિતાને સ્મશાન વળાવતી વખતે દીકરીઓએ હ્રદય પર પથ્થર મુકી અગ્નિસંસ્કાર અને કાંધ આપી હતી. જે દરમિયાન આખા ગામમાં ગમગીનના દ્રશ્યો સર્જાયા હતા. જેમની છત્રછાંયા નીચે નાનાથી મોટા થયાં તેમની વિદાય વખતે દુઃખ અચુક થાય. ત્યારે આ બહેનોએ પુરવાર કરી બતાવ્યું કે નારી તુ નારાયણી છે.

દીકરીઓએ દીકરાની ખોટ કરી પૂરી, પિતાને કાંધ આપી કર્યા અગ્નિ સંસ્કાર

પિતાનું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકીએ

મનીષાબહેન અને દયાબહેન સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ‘અમે ક્યારેય સ્મશાન આવ્યા નથી. પરંતુ એક દીકરાની ભૂમિકા અદા કરવા માટે અમે અમારા પિતાને કાંધ આપીને અગ્નિસંસ્કાર કર્યા છે. અમારા જીવનમાં અમારા પિતાનો સિંહફાળો રહ્યો છે. જેનું ઋણ અમે ક્યારેય ચૂકવી નહીં શકીએ. અમે બંને બહેનો સાસરે છીએ. અમે જે પિતાની છત્રછાંયા ગુમાવી છે તેનો આઘાત વર્ણાવી શકાય તેમ નથી.’ આમ મોટાદડવા ગામમાં આ પ્રથમ ઘટના બની હતી કે જ્યાં દીકરીઓએ તેના પિતાને સ્મશાન સુધી કાંધ આપી અગ્નિસંસ્કાર કર્યા. ત્યારે આ પરિવારના દુખમાં ભાગીદાર બનવા માટે ગામ લોકો સ્મશાન યાત્રામાં જોડાયા હતા.

માહિતી અને તસવીરો: બ્રિજેશ વેગડા, મોટાદડવા.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો