અમર બની શકાય દેહદાન કરીને.

દેહદાન કરી ને પણ અમર બની શકાય છે. દર વર્ષે ૧૩મી ઓગસ્ટ અંગદાન પ્રત્યેની જાગૃતિ કેળવવા વિશેષ દિવસ તરીકે ઉજવાય છે, જે આપણા સૌના જીવનમાં એની અનિશ્ચિત્તતાઓનો વિચાર કરીને મૃત્યુ પછી આપણા અંગો દાન આપી શકીએ એ માટે પ્રેરણા આપે છે.

આપણે આપણા ધાર્મિક દિવસોમાં ઘણા પ્રકારના દાન કરીએ છીએ. આપણે ત્યાં દાનનો અનોખો મહિમા થયો છે. ગુરુના ચરણે સર્વસ્વનું દાન હોય કે કૃષ્ણના શ્રીચરણે સઘળા સંશયોનું દાન હોય , ગરીબોને ભોજનનું દાન હોય કે મંદિરોમાં રોકડા રૂપિયાનું , સમાજની વાડીઓ વગેરેમાં સુવિધાઓ વધારવા થતું દાન હોય કે કુંવારી કન્યાઓને જમાડીને પુણ્યનું ભાથું બાંધવાનું હોય , દાન ડાબા હાથે થાય તો જમણા હાથને ખબર ન પડે એ રીતે કરવાનો મહિમા થયો છે.

આજના અપાર અનિશ્ચિત્તતાઓથી ભરેલા સમયમાં અંગદાન કદાચ શ્રેષ્ઠ દાન છે, કારણ કે એ આપણને મર્યા પછી પણ જીવતા રહેવાનો અને એ રીતે બીજાના જીવનમાં પણ પ્રકાશ ફેલાવવાનો અનોખો અવસર આપે છે. જીવતેજીવ કંઈ દાન કરી શકીએ કે નહીં એ અલગ વાત છે , પણ મૃત્યુ પછી આપણા અંગોથી કોઈ બીજું જીવી શકે એ વાત વિચારવી જ કેટલી આશા જન્માવનારી છે.

આ વાતને વધુ સ્પષ્ટ કરવા આંખોનું ઉદાહરણ લઈએ. વર્ષે બે લાખ આંખો ની જરૂર રહે છે, એની સામે ચોથા ભાગના, એટલે કે ફક્ત પચાસ હજાર જ આંખો(આઈ બોલ) દાન મળી રહે છે. ભારતમાં દર કુલ પાંચ લાખ લોકોને અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે , ૨૫૦૦૦ કિડનીની જરૂરત સામે ફક્ત ૬૦૦૦ જ મળે છે, ૫૦૦૦ હજાર હૃદયની સામે ફક્ત ૧૦૦ દાન આવે છે, ૨૦૦૦૦૦ લીવરની સામે ફક્ત ૮૫૦ લીવર જ ઉપલબ્ધ થાય છે. એનો અર્થ એમ કે અંગની જરૂરિયાતવાળી વ્યક્તિઓ અંગદાનની અછત એ વિશેની યોગ્ય જાણકારી કે પૂરતી સમજણના અભાવે મૃત્યુ પામે છે. આ એવા લોકો છે જેમનું જીવન બચી શક્યું હોત,

આમ છતાં આપણે એક વસ્તુ તો વિચારવી જ રહી કે અંગો માણસના મૃત્યુ પછી જ આપવાના છે , તેમ છતાં આપણા દેશના લોકોમાં દેહદાનની જાણકારી નો ખુબ અભાવ છે. આપણે સારી રીતે જાણીએ જ છીએ કે દેહદાન મૃત્યુ પછી કરવાનું હોય છે અને મૃત્યુ પછી આમ પણ આ શરીર નકામુ જ છે, એને અગ્નિને હવાલે કરવા કે જમીનમાં દફનાવવાને બદલે જો એ કોઈકને જીવવામાં ઉપયોગી થાય તો એથી વધુ ખુશીની વાત કઈ હોઈ શકે? પોતાના મૃત્યુ પછી કામ કરતા અંગોને લીધે દાતા એક સાથે લગભગ આઠ લોકોના જીવ બચાવી શકે છે.

ભારતની અંગદાનની સરેરાશ વિશ્વમાં સૌથી ઓછી છે , લગભગ ત્રીસ લાખ માંથી લગભગ એક માણસ અંગદાન કરે છે, અમેરિકામાં દસ લાખે ૩૫ લોકો અંગદાન કરે છે. એ હિસાબ થી અને વસ્તીમાં પણ આપણો દેશ અગ્રસ્થાને હોવા છતાં આપણે ત્યાં અંગદાન વિશે જાગૃતિ અને જાણકારી ન હોવાથી આપણા દેશમાં મૃત્યુ પછી અમુલ્ય માનવ અંગો વેડફાઈ રહ્યા છે.

આજે જેમને જીવવા માટે આવા અંગોની જરૂર છે એવા લોકો માટે અંગદાન એક આશિર્વાદ છે. આ પ્રક્રિયામાં મૃત્યુ પામેલા વ્યક્તિના અંગો તેના મૃત્યુ પછી શક્ય એટલી ઝડપથી કાઢીને જરૂરતમંદ સુધી પહોંચાડવામાં આવે છે અને તેમના શરીરમાં યોગ્ય રીતે મૂકવામાં આવે છે. આ પ્રક્રિયા કાયદાકીય દ્રષ્ટિએ માન્યતાપ્રાપ્ત છે અને એ માટેની જવાબદાર સંસ્થાઓ અને યોગ્ય કાયદાઓ આ આખી પ્રક્રિયા પર દેખરેખ રાખે છે.

આપણે દાન કરી શકીએ એવા અંગોમાં કિડની , ફેફસા, હૃદય, આંખો, લીવર, નાનું આંતરડું, ચામડીના કોષો, હાડકાના કોષો, હૃદયના વાલ્વ, નસ વગેરે અંગોનું દાન કરી શકાય છે.

દેહદાન એક એવું દાન છે જેમાં કોઈજ ખર્ચો કે કોઈ કીમત ચુકવવાની જરૂર નથી તેમ છતાં એ સૌથી મહાન અને અમુલ્ય દાન છે જે દાન કરીને આપણે ઓછામાં ઓછી આંઠ જિંદગીને નવી જિંદગી આપી શકીએ છીએ. દેહદાન કરીને આપણે આપણા અંગો સાથે અમર રહી શકીએ છીએ. સરવાળે કહીએ તો આપણે દેહદાન કરીને અમર બની શકીએ છીએ.

“મારી સિવાય બીજા કેટલાયને તારા ઋણી રાખશે “મા” મારું દેહદાન…”
– રાકેશ નાકરાણી

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો