વડોદરાના રિક્ષાચાલકની દીકરીએ ITIનો કોર્સ કરીને બદલી પરિવારની સ્થિતિ, ટીવી ચેનલમાં ડિઝાઇનર તરીકે મળ્યું કામ

ઓછો અભ્યાસ કર્યો હોય પણ આવડત અને ખંત, ધગશ હોય તેવા યુવાનોને તેમના રસના વિષયમાં કંઇક નવું કરીને આર્થિક સમૃધ્ધ થવામાં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત આઇટીઆઇ ઘણી મદદરૂપ બને છે. વડોદરાના ગોરવા સ્થિત સરકારી મહિલા આઇટીઆઇ ખાતે ફેશન ડિઝાઇન ટેક્નોલોજીનો અભ્યાસ કાર્યક્રમ ચાલે છે. જ્યાં મહિલાઓને માટે આઇટીઆઇ ખાતે વિવિધ અભ્યાસક્રમોમાં જુદી-જુદી તાલીમ આપવામાં આવે છે. આઇટીઆઇ ખાતે ક્રાફ્ટસમેન (સીટીએસ) સ્કીમ તળે ફેશન ડિઝાઇન ટેક્નોલોજીનો એક વર્ષનો અભ્યાસક્રમ કાર્યરત છે, જે વિનામૂલ્યે છે. રાજ્ય સરકાર દ્વારા તાલીમાર્થીઓને દર મહિને 400 રૂપિયા આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા તાલીમાર્થીને સાઇકલ પણ આપવામાં આવે છે. તાલીમાર્થીઓને સવારે 9:30થી સાંજે 5:00 વાગ્યા સુધી તજજ્ઞો દ્વારા તેમના વિષય માટેની તાલીમ આપવામાં આવે છે.

ખુશ્બુ સ્વાવલંબનથી મહિને 35થી 40 હજાર રૂપિયા કમાય છે

સ્વાવલંબનથી ખુમારી સાથેનું દ્રષ્ટાંત એટલે વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા 20 વર્ષીય ખુશ્બુ ભંડારી. ખુશ્બુએ અભ્યાસ તો માત્ર ધો-10 સુધીનો કર્યો છે પણ તે તેના કૌશલ્ય થકી મહિને 35થી 40 હજાર રૂપિયાની કમાણી કરી લે છે. તેણે ધો-10 પાસ કરીને આઇટીઆઇ મહિલા ગોરવા વડોદરા ખાતે ફેશન ડિઝાઇન ટેક્નોલોજીનો એક વર્ષનો કોર્ષ વર્ષ-2015માં કર્યો હતો. ખુશ્બુ ભંડારીએ જણાવ્યું હતું કે, મારો પરિવાર આર્થિક રીતે ઘણો સાધારણ છે. મારા પિતા રિક્ષાચાલક તરીકે કામ કરે અને મારા માતા બાળકોની સંભાળ લેવાની કામગીરી સંભાળતા હતા.

મારો પરિવાર મારા કામમાં કરે છે મદદ

વધુમાં ખુશ્બુ ભંડારીએ જણાવ્યું હતું કે, આ એક વર્ષના કોર્ષે મારા અને મારા પરિવારને શૂન્યમાંથી સર્જન જેવી સ્થિતિએ લાવી દીધા છે. મારા મોટા બહેન એસબીઆઇના કોલ સેન્ટરમાં કામ કરે છે. અમારા બંને બહેનોની કારકિર્દીના ઘડતર પછી અમારા પરિવારમાં આર્થિક સમૃદ્ધી આવતા મારા માતા-પિતાએ એમનું કામ છોડીને મારા આ કામમાં મદદરૂપ થાય છે. મારા પિતા તેમના મૂળ કામ રિક્ષા ચલાવવા સાથે હજુ જોડાયેલા છે પણ એ હવે રિક્ષા ચલાવવાનું કામ ઓછું કરે છે અને ઘરેબેઠાં આ કામમાં મને વધુ સહયોગ પૂરો પાડે છે.

ખુશ્બુ ભંડારી

ટીવી ચેનલના કાર્યક્રમમાં ડિઝાઇનર તરીકે મારી થઇ પસંદગી

ખુશ્બુ ભંડારીએ જણાવ્યું હતું કે, મારા આ ફેશન ડિઝાઇન ટેક્નોલોજીના અભ્યાસ પછી મારામાં આત્મવિશ્વાસ આવ્યો હતો. ફેશન ડિઝાઇન ટેક્નોલોજીની તાલીમ મળતા મારી આંતરિક શક્તિઓ અને કૌશલ્યને નવી દિશા મળી છે. આ કોર્ષ પૂર્ણ થતાં મને વડોદરાના અટલાદરા સ્થિત રિસેન્સ પ્રાઇવેટ લિમિટેડમાં ડિઝાઇનર તરીકે કામ મળ્યું હતુ. જેના થકી મને મહિને રૂ.15 હજાર જેવી કમાણી થાય છે અને એ ઉપરાંત હું ઘરેબેઠા ફ્રિલાન્સર તરીકે કામ કરીને રૂ.10થી રૂ.15 હજાર કમાણી કરું છું. તહેવારો અને લગ્નસરાના સમયે મારું કામ વધી જાય છે જેથી મને વધુ રકમ મળી રહે છે, ત્યારે તે રકમ વધીને રૂ.20થી 25 હજાર સુધીની રકમ મળી રહે છે. વધુમાં ગુજરાતી ટીવી ચેનલમાં ડિઝાઇનર તરીકે જુલાઇ-2019માં મારી પસંદગી થઇ છે. અને આ કાર્યક્રમમાં ડિઝાઇનર તરીકેના કામને બદલે મહિને રૂ.30 હજાર મળે છે, આ કોન્ટ્રાક્ટ ચાર માસ સુધી રહેશે.

પોતાનું બુટીક પણ શરૂ કરવું તેવું મારું સ્વપ્ન છે

ખુશ્બુ ભંડારીએ જણાવ્યું હતું કે, ફેશન શો-2018 યોજાયો હતો. જેમાં મેં ભાગ લીધો હતો અને વડોદરામાં મીસ દિવા અને મિસિસ દિવા કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્યના ડિઝાઇનરોએ ભાગ લીધો હતો. જેમાં બેસ્ટ કોસ્ચ્યુમ્સ-2018 અને બેસ્ટ ડિઝાઇનર-2018 તરીકે મારી પસંદગી થઇ હતી. હવે પછી આગામી દિવસોમાં મારે મારું પોતાનું બુટીક પણ શરૂ કરવું તેવી મારું સ્વપ્ન છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો