લગ્ન માટે પટેલ સમાજના છોકરાઓને પડી રહેલી મુશ્કેલીઓ પાછળ આ છે કારણ.. દરેક સમાજને લાગુ પડે એવી વાત.. જાણો વિગતે..

આજે દરેક સમાજને લાગુ પડે એવી વાત કરવા જઈ રહ્યો છું એટલે આ સામાજીક માધ્યમ પર રજૂ કરી રહ્યો છું. હું વાત અહીં માત્ર પટેલ સમાજની નહિ પણ દરેક સમાજની કરવા જઈ રહ્યો છું. પટેલ સમાજનું આ લેખમાં ઉદાહરણ માત્ર છે. આ મુદ્દે સાંપ્રત પરિસ્થિતિ દરેક સમાજની ફિલહાલ લગભગ એકસરખી જ છે. વેવિશાળ જેવી બાબતે અમારે અહીં સાંભળવા મળતો એક જાણીતો સંવાદ રજૂ કરું છું.

“છોકરો મહિને કેટલું કમાય છે?” 30 થી 35 હજાર

“ઘરનું મકાન છે?” હા

“જમીન કેટલા વિઘા છે?” Xyz વિઘા છે.

“અમારી છોકરી ખેતી નહિ કરે” (તો જમીન શુ તમારી છોકરીની ખાંભી ખોડવા જોઈએ છે?)

“છોકરો શુ કરે છે?” છોકરો હીરામાં છે.

“માફ કરશો હીરામાં હોય એવા છોકરાને અમારે અમારી છોકરી નથી આપવી.અમે અમારી છોકરી માટે ભણેલ હોય એવો/નોકરી કરતો હોય એવો કે પોતાનો બિઝનેસ હોય એવો છોકરો શોધી રહ્યા છીએ”

(લગભગ અડધું સુરત હીરા પર નભે છે (અને હીરા પર જ બીજા હજાર છૂટક-પાટક ધંધાઓ નભે છે) તો શું હીરામાં હોય એવા છોકરાઓએ વાંઢુ જ રહેવાનું?)

ઉપરોક્ત સંવાદો ઘણા જાણીતા લાગે છે કારણકે આ સંવાદો ઘણા છોકરા/છોકરીઓના માં-બાપ વચ્ચે કે વેવિશાળ માટે વચ્ચે રહેલ વ્યક્તિને દીકરીના માં-બાપ તરફથી ઘણીવાર બોલાયા હશે.ઉપરોક્ત કારણોસર ઘણા છોકરાઓને છોકરીઓના માં-બાપે ઇવન છોકરીઓએ રિજેક્ટ કર્યા હશે. ક્યાં જઈને ઉભા છીએ આપણે? ક્યાં જઈને ઉભો છે આપણો સમાજ? લોકોને શુ જોઈએ છે? છોકરીઓને શુ જોઈએ છે? એમના માં-બાપને શુ જોઈએ છે? દિકરાઓના મા-બાપને એવું કહેતા સાંભળ્યા છે કે જોણ ખૂબ ઉંચા થઈ ગયા છે.એનું કારણ છે આપણી લાઇફસ્ટાઇલ ખૂબ ઉંચી જતી રહી છે.જેમાં સિનેમા/ધારાવાહિક/ઈન્ટરનેટ જેવા માધ્યમોનો સિંહફાળો છે.લગભગ છોકરીઓ ઇચ્છતી હોય છે કે એનો લાઈફપાર્ટનર કોઈ tv શ્રેણીના હીરો જેવો હોવો જોઈએ.રિચ હોવો જોઈએ,લુકવાઇઝ કોઈ ધારાવાહિકના નટ જેવો હોવો જોઈએ, સારું ભણતર હોવું જોઈએ.બધાને બધું જ સારું જોઈએ છે.સારો છોકરો/સંસ્કારી છોકરો/ઉચ્ચ અભ્યાસ/સારી નોકરી યા પોતાનો બિઝનેસ.જે લગ્ન જેવી બાબતમાં કોઈ કાળે શક્ય જ નથી.થોડીઘણી બાંધછોડ કરવી જ પડતી હોય છે.સામે પક્ષે પોતે શુ છે? પોતાની લાયકાત શુ છે? એ કોઈએ જોવું જ નથી.

જેમની દીકરીઓ ભણેલ-ગણેલ છે તેઓ એમના માટે બરાબરીનું ઠેકાણું શોધતા હોય એ વાત યોગ્ય છે.પણ તમે નહિ માનો જેને ઘરમાં ખાવા ખીચડીનાં પણ વાંધા છે,જેમની દીકરીઓ અલ્પ શિક્ષિત છે,ખેતમજૂરી કરે છે,સિલાઈકામ યા ઘરકામ કરે છે એમને પણ લડી જ લેવું છે બોલો! એમને પણ ભણેલું પાત્ર જોઈએ છે,સુપર રિચ મુરતિયો જોઈએ છે.એમની લગ્ન કે વેવિશાળ બાબતે ડિમાન્ડસ્ બધી રીતે ફૂલ હાઈ હોય છે બોલો! તમે નહિ માનો પણ ગામડે મારા પાડોશમાં રહેતી પાડોશીઓની બે લગ્નને ઉંમરલાયક (અલ્પ શિક્ષિત) છોકરીઓને મેં એકવાર પૂછેલું કે “તમારે કેવો છોકરો જોઈએ? લગ્ન માટે છોકરાને લઈને તમારી અપેક્ષાઓ શુ છે?” ત્યારે ઉપર જણાવ્યા પ્રમાણેની એમની લાયકાત વિરુદ્ધની હાસ્યાસ્પદ અપેક્ષાઓ સાંભળીને મારાથી વધુ કઇ બોલી શકાયું નહિ પણ એટલું કહ્યું હતુ કે રાહ જુઓ સમય આવ્યે એવું ઠેકાણું મળી જશે.એ સમય તો આવ્યો નહીં પણ ધીમે-ધીમે સમય સરકી ગયો અને ત્રીસેક વર્ષ સુધી મા-બાપ તરફથી એવા ઠેકાણાંની તલાશમાં લગ્ન ન થઈ શકતા અંતે અધરકાસ્ટના છોકરા સાથે ભાગી ગઈ.હાલ એક સ્મોલટાઉનની શાકભાજી માર્કેટમાં વણેલા નાડા વેચવાનો ફુલટાઇમ બિઝનેસ એ અને એમના સપનાના રાજકુમાર કરી રહ્યા છે.આવી વધુ પડતી અપેક્ષાઓને લીધે સમાજમાં ઘણીવાર છેતરામણીના કિસ્સાઓ પણ બહાર આવતા હોય છે.જેમાં હાલની સગાઈ/લગ્નના માર્કેટની ડિમાન્ડ પ્રમાણેનો ખોટો વૈભવ ઉભો કરાય છે,દેવું કરીને લીધેલ લાખો-કરોડોની પ્રોપર્ટી કે બિઝનેસ દર્શાવાય છે.જેવી માછલી જાળમાં ફસે,લગ્ન વગેરે થઈ જાય પછી ખોટ ગઈ દર્શાવીને બધું સંકેલી લેવાય છે અને માદરે વતન જઈને એમની દીકરીને પૃષ્ઠભાગે ધૂળ ઘુસી ત્યાં સુધી ખેતમજૂરી કરાવાય છે.પછી કોઈ કરી પણ શું શકે? છેવટે વધીને મામલો ડિવોર્સ સુધી પહોંચે યા પડ્યું પાનું નિભાવ્યે છૂટકો!

આ બધુ થવાનું કારણ યોગ્યતા વગરની ખોટી ડિમાન્ડ લઈને બેસેલા જિદ્દી માં-બાપ જ હોય છે.એ લોકો જ લોકોને એવું કરવાનું શીખવાડે છે યા મજબૂરીવશ એવું કરવા પ્રેરે છે.આવા બધા કિસ્સાઓમાં જે પ્રોપર્ટી બતાવીને છોકરીના મા-બાપને લલચાવી લેવામાં આવે છે એ ઘર/કાર બધું લોન પર હોય છે.તમે માનશો નહિ સુરતમાં નવા ડેવલોપિંગ એરિયાઝમાં લગભગ પ્રોપર્ટીઝ લોન ઉપર છે.જે લોકો સગાઈ/લગ્નના માર્કેટમાં (અહીં હું “માર્કેટ” શબ્દનું ઘડી-ઘડી પ્રયોજન એટલા માટે કરી રહ્યો છું કે હવે સબંધ એ સબંધ નહિ પણ સૌદા થઈ ગયા છે અને સૌદા માર્કેટમાં જ થઈ શકે) કરોડોના ફ્લેટ કે રો-હાઉસીસ પ્રોપર્ટી તરીકે દર્શાવે છે એ ફિલહાલ એમની નહિ બેંકની પ્રોપર્ટી છે.જેમાં એ ઇન્સ્ટોલમેન્ટ રૂપી ભાડું ભરીને ભાડે રહે છે એવું ગણી શકાય.પછી જેટલી ટર્મ હોય એટલા વર્ષે એ પ્રોપર્ટીના માલિક એ ખુદને ગણાવી શકે ત્યાં સુધી એ બેંકની પ્રોપર્ટી છે.સાલું આવા ઊભા કરેલ ભપકાથી અંજાઈ જનાર કન્યાના મા-બાપ સારા ઠેકાણાંના મોહવશ બીજું કાંઈ જોતા પણ નથી હોતા કે માણસ પર દેવું કેટલું છે? છોકરીના માબાપે અસલમાં તો પ્રોપર્ટી કેટલી છે? એમ પૂછવાનો બદલે દેવું કેટલું છે? એમ પૂછવું જોઈએ.અત્યારના જમાનામાં જે માણસ પર કોઈ દેવું નથી એ માણસ સુખી છે.

માન્યું કે છોકરાઓ સામે છોકરીઓની સંખ્યા દરેક સમાજમાં ઓછી છે પણ એનો ગેરફાયદો લઈને અમુક જડસુ મા-બાપ એમની કલ્પના પ્રમાણેનું ઠેકાણું મળવાની એક જીદ પકડીને બેસી ગયા છે જેના લીધે પૂરો માહોલ ધૂંધવાઈ રહ્યો છે.એમની આવી જીદને લઈને અમુક એલિજેબલ મુરતિયાઓ સગપણ કે લગ્નથી વંચિત રહી જાય છે.પોતાની દીકરી માટે સારું ઠેકાણું શોધવું એ દરેક માં-બાપનો હક છે નો ડાઉટ પણ પહેલા પોતાની દીકરીની યોગ્યતા પણ જોવી રહી! કારણકે જેવો મુરતિયો તમે તમારી દીકરી માટે શોધી રહ્યા છો એવો દરેક વાતે પૂરો મુરતિયો અગર મળે પણ છે તો સામે પક્ષે એની ડિમાન્ડ પણ પોતાના લાઈફ પાર્ટનરને લઈને હાઈ જ હોવાની ને? પણ આ બાબતે મોટો વાંધો આજની તારીખે એ છે કે આવા જડસુ મા-બાપ પોતાની અલ્પ શિક્ષિત દીકરીઓ માટે પોતાની આવી બધી ડિમાન્ડસ લઈને આવા કોઈ મુરતિયાની મીટ માંડીને રીતસરની જીદ લઈને બેઠા હોય છે એમાં લગ્નલાયક કન્યાઓની ઉંમર હાથમાંથી સરકી જાય છે અને છેવટે છોકરીઓ કોઈ સાથે અફેર કરીને એમને લઈને ભાગી જાય એવા દાખલાઓ સમાજમાં ઘણા બધા બની રહ્યા છે જે આપણે સૌ અવાર-નવાર જોઈએ છીએ.

હવે તમે એમ વિચારશો કે પોતાની દીકરી માટે સારું ઠેકાણું અને યોગ્ય પાત્ર શોધવું એ દરેક માં-બાપની ફરજ છે.નો ડાઉટ..છે જ.. પણ હવે મુદ્દા તરફ જઈએ.ઘણી કન્યાઓના મા-બાપે ઇવન કન્યાઓએ એવી ગ્રંથી બાંધી લીધી હોય છે કે હીરામાં કામ કરતો હોય એવા છોકરાને પોતાની છોકરી નથી દેવી.હીરામાં છોકરી શા માટે ના દેવી? હીરાનો ધંધો શુ હલકો ધંધો છે? (અહીં હું રઇસ મુવીનો એક ડાયલોગ ચીપકાવવા ઇચ્છીશ કે ‘કોઈ ધંધા છોટા-બડા નહિ હોતા ઔર ધંધે સે બડા કોઈ ધરમ નહિ હોતા’) મારી જાણકારી મુજબ કહું તો હીરાના ધંધામાં કામ કરતા લોકો મહિને સરેરાશ 30/35 હજારથી 1.5 લાખ જેવા રૂપિયા જેવી રકમ મહિને રળી લેતા હોય છે.પહેલા કરતા આ ઇન્ડસ્ટ્રીનો માહોલ અત્યારે ઘણો સુધાર પર છે. pf, મેડીકલેઇમ, ટુર, દિવાળી વેકેશન પગાર જેવી ફેસિલિટીઓ પણ ઘણી ડાયમંડ કંપનીઓ દ્વારા એમના એમ્પ્લોઈઝને અપાય છે.પણ લોકોનું માનવું હોય છે કે હીરાનો ધંધો કોઈ ગેરેન્ટી વગરનો ધંધો છે.ક્યારે મંદી આવે અથવા ક્યારે પુરા ધંધાનો જ સંકેલો પડી જાય કઈ કહી ન શકાય.તો સામે પક્ષે ભણીગણીને કોઈ પ્રાઇવેટ સેકટરમાં નોકરી કરતા મુરતિયાની નોકરીની પણ શું ગેરેન્ટી હોય છે? કોઈપણ સમયે પાણીચું પકડાવી દેવામાં આવે કે હકાલપટ્ટી એમાં પણ થઈ જ શકે ને? (બીજી એક વાત એ કરી દઉં કે અહીં કમસેકમ b.com કે એનાથી ઉપર થોડુંઘણું ભણી લીધું હોય એને ભણેલ સમજવામાં આવે છે.10/12 પાસ/ફેઈલ હોય પણ સારું કમાતો હોય એવા મુરતિયાઓની આજના સગપણ કે લગ્નના માર્કેટમાં કોઈ ડિમાન્ડ જ નથી.અને એમની ધારણાં પ્રમાણેનો ભણેલો મુરતિયો ભણીને ભલે ત્રણ-પચીનું નોકરું કરીને ઊંધો વળી જતો હોય.પણ છોકરી દેશે એવા ભણેલને જ..એવા ભણેલ કરતા હીરાવાળા મહિને દહાડે સારું એવું કમાઈ લેતા હોય છે)

અમારે કાઠિયાવાડીમાં એક કહેવત છે કે “વર હોય તો ઘર કરાય, ઘર હોય તો વર ન કરાય” ઘર હોય તો વર ન કરાય કહેતા એનો ભાવાર્થ એમ નીકળે છે કે બાપીકી મિલકત હોવા ન હોવાથી કંઈ ફરક નથી પડતો.ફરક પડે છે મુરતિયો કેટલો પાણીદાર છે.એના કાંડામાં આપબળે પોતાનું સામ્રાજ્ય ખડું કરવાનું બળ છે કે નહીં?! બાપે ઉભી કરેલ મિલકત પર દીકરીઓ આપી દેવાવાળાઓ એ વિચારવું રહ્યું કે બાપે ઉભી કરેલ મિલકતો કપાતરોએ વેચાવી નાખેલાના દાખલા છે અને માત્ર ચડ્ડી પહેરીને આ શહેરમાં આવેલ લોકોએ પોતાના સામ્રાજયો ખડા કર્યા છે.

આવી પરિસ્થિતિ ઉભી થવાનું કારણ શું? ચલો મારુ જ ઉદાહરણ આપીને સમજાવું જે ઘણાને લાગુ પડી જશે.એમ થશે હા,આ મારી જ વાત છે.મારા ફેમેલીમાં ત્રણ ભાંડરડાઓમાં હું સૌથી મોટો છું.ભણવામાં તેજસ્વી હતો નો ડાઉટ પણ ઘરની પરિસ્થિતિ નબળી હોવાથી ભણતર અધૂરું છોડીને મારે કામ પર લાગવું પડ્યું. કમાતો થઈને મારા પપ્પાનો હાથ બટાવવાનું મેં શરૂ કર્યું એટલે મારાથી નાના બે ભાંડુઓ ભણી શક્યા.એમાં નાની બહેને ભણવાના સીમાડાઓ ઓળંગી દીધા. મારા દાદાના પાંચ ભાઈઓના પરિવારમાં કોઇએ llb નથી કર્યું અને આણે llb કર્યું.કોઈપણ સમાજમાં છોકરાઓ વધુ ના ભણી શક્યા હોવાનું કારણ લગભગ આ જ હશે કે ઘરની નબળી પરિસ્થિતિમાં મોટા હોવાને લીધે અભ્યાસ અધુરો છોડીને કામ પર લાગવું પડતું હશે અને છોકરીઓને વધુ ભણવા મળતું હશે.સામે પક્ષે છોકરીઓમાં પણ એવું થતું હોય છે.જો ભાંડરડાઓમાં સૌથી મોટી હોય તો અભ્યાસ અધુરો છોડીને કોઈ કામ પર લાગી જવું પડતું હોય છે.અમારે અહીં સુરતનું જ ઉદાહરણ આપું તો અહીં ટેકસટાઇલ ઉદ્યોગ ખૂબ મોટા પાયે છે.યુવતીઓ સાડીઓમાં લેસ પટ્ટી વગેરે મૂકીને,સિલાઈકામ કરીને મહિને 30 થી 35 હજાર જેવું કમાઈ લેતી હોય છે. મા-બાપે પહેલા એમ સમજીને કામ કરાવવાનું શરૂ કર્યું હોય છે કે કમસેકમ એમના લગ્નનો ખર્ચ વગેરે પોતે કામ કરીને ઉપાડી લે તો પણ ઘણું પછી અમુક કિસ્સાઓમાં ધીમે-ધીમે છોકરીઓની આવક ગળે વળગતી હોય છે અને એમના લગ્નમાં રુકાવટનો એક રોલ એ પણ અદા કરતી હોય છે.અંતે કંટાળીને પછી છોકરીઓ કોઈ સાથે ભાગી જવાના કિસ્સાઓ પણ બનતા હોય છે.

મૂળ વાત પર આવીને વાત શરૂ કરું તો મારા કિસ્સામાં મુશ્કેલીઓ હવે શરૂ થઈ.મારા માટે અને નાની બહેન માટે ઠેકાણાઓ શોધાવાનું શરૂ થયું.સેમ મારી સ્ટોરી પ્રમાણે બન્નેને એક જ પ્રોબ્લેમ આવતો.છોકરીઓ મારાથી વધુ ભણેલ હોતી અને છોકરાઓ એનાથી ઓછું ભણેલ હોતા.વેવિશાળ બાબતની આ સમસ્યાને લીધે હમણાંથી પટેલ સમાજે એક નવી પદ્ધતિ અપનાવી છે.જેને “સામાંસામુ” કહેવાય છે.સમાજમાં દીકરીઓની અછત હોવાથી દીકરા-દીકરીઓના માં-બાપ એવું વિચારતા થયા છે કે જો દીકરી દઈશું તો સામી દીકરી લઈશું.પણ આમાં ઘણી કન્યાઓએ પોતાના ભાઈના લીધે કે ઘણા મુરતિયાઓએ પોતાની બહેનના લીધે કોમ્પરોમાઇઝ કરી લેવુ પડતું હોય છે અને અણગમતા પાત્ર સાથે અસંતોષ સાથે આખી જીંદગી વિતાવવી પડતી હોય છે યા આગળ જતાં કોમ્પરોમાઇજ સાથે ડેવલોપ થયેલ સંબંધ પડી ભાંગતો હોય છે.આ “સામાંસામુ”ની પદ્ધતિને લીધે ઘણા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે જેણે કેટલાયે ઘર ભાંગ્યા છે.મારા કિસ્સામાં મને આ પદ્ધતિ કોઈકાળે મંજુર નહોતી.

પહેલાના સમયમાં લોકો માત્ર સારા માણસો જોઈને/ઘરપરિવાર/સારું કુળ જોઈને વચ્ચેવાળા વ્યક્તિના ભરોસા પર દીકરીઓ આપી દેતા.પણ અત્યારે સમય જુદો છે.અત્યારના ઝડપી યુગમાં લોકો પાસે સમય નથી એમાંય દીકરીઓવાળાની આવી હાઈ ડિમાન્ડસ્ જોઈને વચ્ચેવાળાને નક્કી જ હોય કે સંઘ દ્વારકા નહિ પહોંચે.ખોટો સમય બગાડીને વચ્ચે ચાલે કોણ? સમાજની આ સમસ્યાને ધ્યાને લઈને અહીં સુરતમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ મેદાને પડી છે.જેમાંની એક “જીવનસાથી સંસ્થા” જેનો હમણાં સુરતમાં સફળતાપૂર્વક છઠો સમૂહલગ્ન સમારોહ યોજાઈ ગયો.આવી સંસ્થાઓ આ “સામાંસામું” પદ્ધતિથી લગ્ન ન કરવા પડે એટલે ભાઈ-બહેનના બાયોડેટા જોડકાઓમાં સ્વીકારે છે અને એ સંસ્થામાં ભરાયેલ ફોર્મમાંથી બીજા લગ્નલાયક ઉમેદવારોમાંથી તમને જીવનસાથી પસંદ કરવાની ચોઇસ આપે છે જેથી યુવક-યુવતીઓએ “સામાંસામું” પદ્ધતિથી કોમ્પરોમાઇજ ના કરવું પડે.અહીં પણ ઘણેખરે અંશે પ્રોબ્લેમ એજ્યુકેશન ડિફ્રન્સનો આવતો જ હોય છે પણ સાવ “સામાંસામું” ન થતું હોવાથી ઘણા યુગલો કોમ્પરોમાઇજ કરી લેતા હોય છે અને ગોઠવાઈ જતા હોય છે.આ સંસ્થામાં મેં પણ ફોર્મ ભરેલું પણ પ્રોબ્લેમ એજ યુઝવલ એજ્યુકેશનનો જ આવી રહ્યો હતો.બહેનને કોઈ કાળે કોમ્પરોમાઇજ કરવું ન હતું કે ના એના લીધેથી મારે.નજરો હવે બીજી દિશામાં દોડાવી.હું નાત-જાતમાં પહેલેથી નથી માનતો એટલે નિર્ણય લીધો કે જો અધરકાસ્ટમાં સારું પાત્ર મળતું હોય તો અધરકાસ્ટમાં કરવું.

ફિલહાલ વડોદરા જીલ્લો અને સુરત જીલ્લો સામસામે રોટી-બેટીના રિલેશનમાં હોય એવું લાગે છે.આ સંબંધ કોણે શરૂ કર્યો હોય એ ખબર નથી પણ વડોદરા જીલ્લામાંથી વિવિધ કાસ્ટમાંથી ઘણી દીકરીઓ સૌરાષ્ટ્રિયન પટેલ સમાજમાં અપાઈ છે.એ લોકોનું અહીં સૌરાષ્ટ્રના પટેલોમાં દીકરીઓ આપવાના કારણોમાં એ લોકોના સમાજમાંના બેરોજગારી, દહેજ, દારૂ,વગેરે જેવા દુષણોનો અહેમ રોલ છે.તેઓ સમજે છે કે સૌરાષ્ટ્રિયન પટેલ સમાજના યુવકો વ્યવસ્થિત,સારું કમાનાર અને સમયસર કામધંધો કરવાવાળા હોય છે.તેઓ બેટી આપે છે બદલામાં એમની રોટી (દહેજ) બચે છે.ટૂંકમાં તેઓ સમજે છે કે એમની દીકરી સુખમાં છે.પણ પટેલ સમાજ અને બીજા અન્ય સમાજોની આ સમસ્યાની મજબૂરીનો લાભ ઉઠાવવા એક આખું માર્કેટ અસ્તિવમાં આવ્યું છે જેમાં લગ્નોત્સુક લોવર અધરકાસ્ટની દીકરીઓની રીતસર દલાલી થાય છે.દલ્લાઓ રીતસર કોઈ ચીજવસ્તુઓનું ખરીદ-વેચાણ કરતા હોય એમ દીકરીઓની દલાલી કરે છે.આવી કોઈ લગ્નોત્સુક પાર્ટી પાસેથી દલાલો જેવી પાર્ટી એ પ્રમાણે લાખ દોઢ લાખથી લઈને બબ્બે ત્રણ ત્રણ લાખ સુધી રૂપિયા ખંખેરે છે.(છોકરીઓવાળા છોકરાવાળા પાસેથી કંઈ માંગતા નથી હોતા પણ દલાલોનું જ આખું સેટિંગ હોય છે) છતાંપણ મજબૂરીવશ લોકો પૈસા આપીને પણ લગ્ન કરે છે.

મારા કિસ્સામાં જ એવુ થયેલું.મારા સબંધીમાંથી કોઈએ છોકરી ચીંધેલી.એક ભાઈ વચ્ચે હતા.હું છોકરી જોઈ આવ્યો.એકબીજાને ગમ્યું.છોકરી જોવા ગયો એ વખતે છોકરીએ મારો ફોનનંબર લીધો.ત્યારે મને નવાઈ થયેલી કે છોકરીએ મારો નંબર કેમ લીધો?! જોઈને પરત ફરતી વખતે રસ્તામાં વચ્ચે ચાલનાર ભાઈએ રોન કાઢી.આ સંબંધ માટે મારી પાસે દોઢ લાખની માંગણી કરવામાં આવી ત્યારે ખબર પડી કે વચ્ચે ચાલનાર ભાઈ કોઈ સેવાભાવી માણસ નહિ પણ દલાલ છે.મેં ઘસીને ના પાડી કે હું લગ્ન કરી રહ્યો છું કોઈની દીકરીને વેચાતી નથી લાવી રહ્યો.સામે છોકરીના પક્ષે દલાલ દ્વારા ના પડાઈ ગઈ.થોડા દિવસો પછી મને છોકરીનો ફોન આવ્યો બધી વાતચીત થઈ અને એણે જણાવ્યું કે અમે કોઈ પાસે એક પૈસો પણ નથી માંગતા આ બધો દલાલોનો સ્વાર્થ હોય છે.અગાઉ પણ એવું થયેલું એટલે પસંદ પડતા મેં તમારો નંબર લીધેલો. દલાલનું પત્તુ વચ્ચેથી કાપીને મેં આ સંબંધ પર મંજૂરીની મહોર મારી. આવી દસ-બાર છોકરીઓ મારી આસપાસના સર્કલમાં મારી નજરમાં છે.વ્યવસ્થિત છોકરીઓ છે,સેટ છે,સુખી છે.તમારી આસપાસ પણ હશે.બીજો એક કાર્યક્રમ 2015માં સુરતમાં કતારગામ પટેલ સમાજની વાડી ખાતે મથુર સવાણીની આગેવાનીમાં “રોટી-બેટી” ટાઇટલ હેઠળ યોજાઈ ગયો જેમાં ઓરિસ્સાની 42 ગરીબ કુર્મી પરિવારની દીકરીઓ સામે 5000 લગ્નોત્સુક પટેલ યુવકોએ ફોર્મ ભર્યા.(આ આપણા સમાજની કમનસીબી છે) આ કાર્યક્રમનો હેતુ એ હતો કે સુરતમાં ટેકસ્ટાઈલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા ગરીબ કુર્મી પરિવારોની “રોટી” કહેતા દહેજ બચાવવી સામે તેઓ પટેલ સમાજના યુવકોને પોતાની “બેટી” આપે. અત્યારે પટેલ સમાજની આટલી ખરાબ હાલત હોવાનું માત્ર અને માત્ર એક કારણ આપણી પ્રિવીયસ જનરેશને દિકરાઓની લ્હાયમાં દીકરીઓની કરેલ બેફામ સ્ત્રીભ્રુણ હત્યા છે.આપણી પ્રિવીયસ જનરેશનને કરેલ કર્મોના ફળ અત્યારે એમની ઔલાદો ભોગવી રહી છે.છેલ્લી ગણતરી પ્રમાણે ગુજરાતમાં ચાઈલ્ડ સેક્સ રેશિયો 1000 છોકરાઓ સામે 886 છોકરીઓનો હતો.દરેક સમાજમાં છોકરાઓ સામે છોકરીઓની ઘટ છે.પણ પટેલ સમાજની જ વાત કરું તો ઘણા પટેલ યુવકો ફિલહાલ અધરકાસ્ટમાં લગ્ન કરી રહ્યા છે.પટેલ સમાજમાં યુવક-યુવતીઓનો તફાવત અધરકાસ્ટમાંથી પટેલ જ્ઞાતિમાં લગ્ન કરતી યુવતીઓને લીધે ખાસ્સો ઘટ્યો હશે.વિચારવું રહ્યું કે આવી રીતે આ તફાવત છોકરાઓ સામે છોકરીઓની ઘટથી બદલીને છોકરાઓ સામે છોકરીઓ સામેની વધમાં તબદીલ ના થઇ જાય.પટેલ સમાજ માટે આ લાલબત્તી છે.

જો એવું થશે તો એ વધેલ યુવતીઓને ઘસીને ગુમડે ચોપડશું કે પછી બિયારણ માટે રાખી મુકીશું? પણ એવું થશે નહીં કારણકે અમુક જડ માં-બાપો પોતાની હાઈ ડિમાન્ડસની જીદ મૂકી ના શકતા અમુક પટેલ સમાજની યુવતીઓ પણ અધરકાસ્ટમાં ચાલી જાય છે જે પરિણામ ફરી ઈકવલ કરી દે છે.આ નવી પેઢી છે.તમારી જેમ જડસુ નથી.એ નાતજાતમાં માનતી નથી.એનાથી ઉપર વધીને એ માત્ર પ્રેમમાં બિલિવ કરે છે.એને તમે રોકી નહિ શકો.આવા કિસ્સાઓ છાશવારે બનતા રહે છે અને બન્યા જ કરશે.અમારી પ્રિવીયસ જનરેશનને અહીંથી કહેવા માગું છું કે તમારી જડ માન્યતાઓવાળી તમે છેલ્લી પેઢી બચી છો.તમે જાઓ એટલે પૂરું.અમારી જનરેશન અલગ છે એટલીસ્ટ તમારા જેવા સમાજનું નિર્માણ તો અમે નહિ જ કરીએ.તમારા અમુક જડ રિવાજોને ફગાવી દેવા જેવી ક્રાંતિઓ આ પેઢી કરી જશે જે હું અત્યારથી જોઈ શકું છું.તમારી પેઢીએ ભૂતકાળમાં સ્ત્રીભ્રુણ હત્યાઓ જેવો ગંભીર અપરાધ કર્યો છે એના ફળ હજુ આજની અમારી જનરેશન ભોગવી રહી છે.એ ભૂલોને સુધારવાનો હજુ સમય છે.હું ઉંમરલાયક કે ઉંમર વટાવી ગયેલ અવિવાહિત દીકરીના દરેક માબાપને ઇવન દીકરીનોને અહીંથી કહેવા ઇચ્છીશ કે હજુ સમય સરકી નથી ગયો.પોતાની ડિમાન્ડસને જડતાપૂર્વક વળગી ના રહેતા ક્યારેક તમારા સંતાનને પણ પૂછી જોજો કે એમને શુ જોઈએ છે? એ કેવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે? એમની યોગ્યતા પણ જોજો.એ ભણેલ જ ઈચ્છે છે કે ઓછું ભણેલ હશે પણ સારું કમાતો હશે,સારો વ્યક્તિ હશે,એની કેર કરશે એવો લાઈફ પાર્ટનર હશે તો એમને ગમશે? એ પૂછજો. એમની મરજી શુ છે? એ પૂછજો.જો માત્ર અને માત્ર તમારી જ મરજી ચલાવશો તો ડિવોર્સના કેસીસ જે વધી રહ્યા છે એ હજુ પણ વધશે.ડિવોર્સના કેસીસના ઘણા કારણો હોય છે પણ એમાંનું એક કારણ માં-બાપની ઇચ્છાથી પોતાની મરજી વિરુદ્ધ લગ્ન એ પણ હોય છે.

– ઘનશ્યામ દોંગા

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો