વચનનો ભંગ કર્યો !

દેશમાં સ્વાધીનતાની ચળવળનો સૂરજ ઊગી ચુક્યો હતો. ચારેબાજુ લોકજુવાળ ના વહેણ ધસમસવા લાગ્યાં હતા.આ વહેણમાં ઢસા (આજનું ગોપાલગ્રામ, જિ.અમરેલી) અને રાયસાંકળીના તાલુકેદાર દરબાર ગોપાલદાસ અગ્રેસર રહ્યાં હતા.કોઈને ગળે ન ઉતરે એવી વાત હતી. કારણ કે કોઈ રજવાડી મનેખ કે ખુદ રાજા,જેમના હાથમાં રાજસત્તાના તમામ સુત્રો હોય તે આવી ચળવળમાં શા માટે જોડાય!? તે પ્રજાની સ્વતંત્રતા શું કરવા ઈચ્છે?પણ આધુનિક વિચારસરણી ધરાવતા દરબાર ગોપાલદાસ આ લડતમાંજોડાયા હતા.

તે વખતે યોજાયેલ‘કાઠીયાવાડ રાજકીય પરિષદ’માં ગોપાલદાસ એક સામાન્ય માણસના જેમ જોડાયા હતા. અને સભાને સૌની સાથે બેસીને સાંભળી હતી.કોઈને કલ્પના પણ ન જાય કે આ રાજવી હશે ! ગાંધીજીએ, લોકમાન્ય તિળકના અવસાન બાદ દેશસમક્ષ સ્વરાજ ફાળા માટે એક કરોડ રૂપિયાની ટહેલ નાખી હતી.તેમાં ગુજરાતના ફાળે દસ લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તે માટે ખુદ ગાંધીજી આ ફાળો ઉઘરાવવા માટે સભા કરતા હતા.આ સ્વરાજ ફાળા માટે તા.૯-૬-૧૯૨૧ના રોજ વઢવાણ કેમ્પમાં જાહેરસભા યોજાઈ હતી.આ સભામાં હાજર રહેવાની ગોપાલદાસની તીવ્ર ઈચ્છા હતી. પણ તાલુકાનું મંત્રીમંડળ ના પાડતું હતું:‘આપ ન જાવતો સારું.કારણ કે આપ એક રાજવી છો !’ પણ એમ સમજાવ્યા સમજે તો ગોપાલદાસ શેના!? છેવટે મંડળના સભ્યોએ સંમતિ દર્શાવીને કહ્યું:‘આપ જાવ પણ ફાળામાં રકમ નહિ નોંધાવો તેવું વચન આપો.’ સામે ગોપાલદાસે કહ્યું: ‘ભલે મારું વચન છે,ફાળામાં હું રકમ નહિ નોંધવું.’

આ સભામાં હાજરી આપવા ગાંધીજી જે ટ્રેનમાં આવવાના હતા ત્યાં માનવમેદની ઉમટી હતી. ગોપાલદાસ પણ ટ્રેનમાં હતા.આ ટ્રેનમાં ગોરા અમલદાર એજન્ટ ટુ ધી ગવર્નર મિ.મોસે પણ આવ્યા હતા. તેમણે દરબાર ગોપાલદાસને અહીં જોયા અને નવાઈ પામીને પૂછ્યું: ‘આપ અહીં કેમ !?

’‘ગાંધીજીનું સ્વાગત કરવા આવ્યો છું.’ગોપાલદાસે નિર્ભિકતાથી કહ્યું:‘આજે સાંજે તેમની જાહેર સભા છે. ગાંધીજીનું ભાષણ અદભૂત હોય છે. આપનેય આવવા ને ભાષણ સાંભળવા નિમંત્રણ આપું છું ! ’મિ.મોસે સમસમી ગયા. બોલવા જેવું કાંઇ રહ્યું નહી તેથી ‘થેન્ક્સ’ કહીને તેમણે ચાલતી પકડી.

ગાંધીજી વઢવાણમાં શ્રેષ્ઠી શિવલાલ ખીમજીને ત્યાં ઉતર્યા હતા. શિવલાલ ગાંધીજીના ભાષણનો જાદુ બરાબર જાણતા હતા. તેથી તેમણે ઘરના સ્ત્રીવર્ગને ઘરેણાં ન પહેરી સભામાં આવવા કહ્યું હતું. કારણ કે બાપુ ભાષણમાં ભૂરકી છાંટેને‘ બાયુમાણા’ ઘરેણાં ઉતારી દે તેવો ડર હતો ! અને પોતે રૂપિયા ૫૦૦ જ નોંધાવશે તેવું મનથી નક્કી કરેલું. પણ ગાંધીજીનું ભાષણ સાંભળ્યા પછી શીવલાલે રૂપિયા એક લાખનો ફાળો નોંધાવ્યો હતો. સભામાં બેઠા ગોપાલદાસ વિચારે છે કે, શું કરવું ? એકબાજુ ફાળો નોંધાવવાની પ્રબળ ઈચ્છા અને બીજી બાજુ ફાળો ન આપવા મંડળને આપેલું વચન. દરબાર ખરા ધર્મસંકટમા મુકાયા. કોઈ રસ્તો સૂઝતો નહોતો. વળી ગાંધીજીનું ભાષણ જ એવું હતું કે કાળમીંઢ પથ્થર પણ પીઘલીને પાણી પાણી થઇ જાય ને જમણા હાથે ફાળો નોંધાવવા તૈયાર થઇ જાય. ત્યાં ફાળા માટેની ઝોળી ફરતી ફરતી પોતાના સામે આવી. ઘડીભર વિચાર કરી પછી દરબાર ગોપલદાસે પોતાના પગમાં હતી તે બેડી કાઢીને ઝોળીમાં નાખી દીધી !

સભા પુરી થયા પછી ઝોળી ગાંધીજી સમક્ષ ખાલી કરવામાં આવી. ઝોળીમાંથી રૂપિયા સાથે ચાંદીની બેડી પણ નીકળી. ગાંધીજી બે ઘડી વિચારમાં પડી ગયા. વળી બેડી હાથમાં લઈફેરવી ફેરવીને જુએ છે. ‘આવી ચાંદીની બેડી નાખનાર કોણ હશે, કોઈ રાજવી-ગિરાસદાર હોયતો તે શું કરવા આવી સભામાં આવે!?’ અવઢવના અંત સાથે સભામાં બાપુએ જ જાહેરાત કરાવી: ‘આ બેડીની ભેટ આપનાર સ્ટેજ પર આવે. ’સાચા સિક્કા જેમ ખણખણતી સભામાં સન્નાટો છવાઈ ગયો. એકબીજાના મોં સામે વકાસી રહ્યા. કોઈ સ્ટેજ પર આવ્યું નહિ તેથી ફરી જાહેરાત કરવામાં આવી. અને છેવટે દરબાર ગાંધીજી પાસે સ્ટેજ પર આવ્યા. પોતાની ઓળખાણ આપી. ગાંધીજીએ દરબારની પીઠ થાબડી ખોબેનેધોબે ધન્યવાદ આપ્યા. ગાંધીજીના સ્પર્શમાત્રથી દરબારની જીવનશૈલી બદલાવાની હોય તેવા જાણે શપથ લેવાયા !

દરબાર ઢસા પાછા આવ્યા. તેઓને ગળા લગી ખબર હતી કે મંત્રીમંડળના સભ્યો વચનભંગ કર્યાનો પોતાના પર આરોપ મુકશે. અને એમ જ બન્યું.

‘દરબારસાહેબ, આપે અમોને આપેલા વચનનો ભંગ કર્યો છે.’‘વચન ! વચનતો રાજા–મહારાજા આપે…હું થોડો રાજા-મહારાજા છું..તે…’આમ કહી તેઓ મરક મરક હસવા લાગ્યાં. સામે કહ્યું :‘ના, એમ હસવામાં વાતને ઉડાડી ન દ્યો દરબાર સાહેબ !

’‘અરે ભાઈ,મેં વચન ભંગ કર્યો જ નથી. મેં ઝોળીમાં રાતી પાઇ પણ નાખી હોય તો કહો !’સૌ એકબીજાના મો સામે જોઈ રહ્યાં. ત્યાં મર્માળુહસીને દરબાર ગોપાલદાસે કહ્યું:‘મેં ઝોળીમાં બેડી નાખી હતી.રોકડ રકમનો ફાળો ક્યાં નોંધાવ્યો હતો !?’પછી કહે:‘આમાં ક્યાં થયો વચનભંગ, બોલો !?’

વાહ, દરબાર સાહેબ વાહ…કહેતાં સૌ એક સાથે હસવા લાગ્યાં.

ચંદરવો(૧૦-૪-૨૦૧૬) લેખક – રાઘવજી માધડ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો