ભુજના કાગડાવાળા કાકા, છેલ્લાં સોળ વર્ષથી કાગડાઓની વચ્ચે રહી રોજ સવારે કાગડાઓને ખવડાવે છે

અત્યારે પિતૃભક્તિ અને પિતૃશક્તિના સમન્વય સમો શ્રાદ્ધપક્ષનો મહિનો ચાલુ છે. પિતૃઓને પ્રસન્ન કરવાના આ મહિનામાં લોકો દ્વારા બ્રાહ્મણોને મનગમતું ભોજન તથા દક્ષિણા સાથે બહેન ભાણેજને પણ જમાડવાનું મહત્વ છે સાથે શ્વાન-ગાય અને કાગડાઓ માટે પણ ખાસ ભોજન અલગથી કાઢવામાં આવે છે.

કાગડાની પક્ષીઓમાં કદાચ સૌથી હોશિયાર પક્ષી તરીકેની છાપ છે. કાગડાને મોટેભાગે પાંજરે પૂરી શકાતા નથી. બાળકોના મનમાં પણ કાગડા વિશે અમુક વાર્તાઓ પ્રખ્યાત છે. ચતુર કાગડો અથવા કોઇ બાળક ન રમવાની વસ્તુ હાથમાં લઇ લે તો તરત જ પરિવારજનો હાથમાંથી લઇને તરત જ આકાશ તરફ કહે જો કાગડો લઇ ગયો. આમ, નાનપણથી જ ખોટી વાયકાઓથી કાગડો બદનામ છે.

આ કાગડા ક્યારેય પણ કોઇનો વિશ્વાસ ન કરે એવી લોકોની માન્યતાથી વિરુદ્ધ ભુજના એસ.ટી.ના નિવૃત્ત કર્મચારી ડાયાલાલ જેરામ ખત્રી છેલ્લાં સોળ વર્ષથી કાગડાઓની વચ્ચે રહી સવારે રોજ લગભગ દોઢથી બે કલાક એમને ભાવતી વસ્તુઓ લઇને દરેક કાગડાને ખવડાવે છે. આ ચતુર પક્ષીનો વિશ્વાસ મેળવ્યાનો આનંદ વ્યક્ત કરતાં ડાયાભાઇ કહે છે પર્યાવરણ માટે પણ આપણે સૌએ આનું જતન કરવું જોઇએ.

નિત્ય ક્રમને લીધે માથાં પર પણ વટથી બેસી જાય છે

ડાયાલાલભાઇ કહે છે કે, કાગડાઓની મિત્રતાને કારણે હું આવું એટલે તરત જ મારી આજુ-બાજુ મારા શરીર ઉપર કાગડાઓના ઝુંડ બેસવા લાગે. મારા હાથ પર પણ કાગડાઓનાં બેસવાને કારણે એમનાં પગનાં નિશાન કે થોડી પીડા શરૂઆતમાં રહેતી પણ હવે તો આ નિત્યક્રમ બન્યો છે. બધા જ કાગડાને વારાફરતી ખવડાવતી વખતે માથાં પર બેઠેલો કાગડો પોતાનો વારો મોડો આવતાં જ માથાં પર ચાંચ મારી ફરિયાદ કરે, હું કચ્છીમાં એને વઢું એટલે પછી શાંતિથી બેઠો રહે.

નિવૃતિ પછી આ પ્રેરણા મળી

એસટીમાંથી નિવૃત્તિ પછી સમય કાઢવા માટે બિસ્કીટ લઇને હું કાગડાઓને ખવડાવવા આવ્યો ત્યારે તો બિસ્કીટ માટે પણ નજીક આવતા નહોતા. હવે મને તેમની દરેક આદતો તથા સ્વભાવની ખબર પડી ગઇ છે. કાગડાઓની પણ પોતાની પસંદગીની વાનગીઓ હોય છે. કોઇને સેવ તો કોઇને ગાંઠિયા-બુંદી-મીઠી ખીર પસંદ હોય છે.

કાગડાવાળા કાકાનું નામ મળ્યું

રોજ કાગડાઓની વચ્ચે બેસીને ભોજન કરાવતો હોવાને લીધે આવતા-જતા લોકો મને ગામમાં પણ ‘કાગડાવાળા કાકા’ તરીકે ઓળખે છે એટલે કાગડાઓ મારી ઓળખ બની ગયા છે જેનો મને આનંદ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો