સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહલગ્નમાં સૈનિક યુગલ પ્રભુતામાં પગલા પાડી સમાજને સાદગીનો અનોખો સંદેશો આપશે

12મી જાન્યુઆરીએ યોજાનાર સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહલગ્નમાં 152 જોડી પૈકી એક સૈનિક યુગલ પણ છે. સૌરાષ્ટ્રના ફાટસર ગામની ખેડૂતની દીકરી દયા વાઘજીભાઇ ધાનાણી(સીઆરપીએફના કમાન્ડો)ના લગ્ન ભાવનગરના પડવાગામનાં હાર્દિક નટુભાઇ બેલડીયા (સીઆરપીએફના કમાન્ડો) સાથે થશે. આ સૈનિક યુગલ ધામધૂમથી લગ્ન કરી શકે તેમ છે. જોકે, સમૂહલગ્નમાં લગ્ન કરીને તેઓ સમાજને સાદગીનો સંદેશ આપવા ઇચ્છી રહ્યા છે.

સરહદની રક્ષા કરવાની સાથે સુખી સંસારની પણ શરૂઆત

દયા અને હાર્દિકનું પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં થયું હતું. તે પહેલા તેઓ કાશ્મીરમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. ત્યારે હવે તેઓ સહ કાર્યકરની સાથે પ્રભુતામાં પગલા પાડવા જઈ રહ્યા છે ત્યારે આ કપલને સુરતમાં બધા કમાન્ડો કપલ તરીકે ઓળખવા લાગ્યા છે. રાત દિવસ દેશની સેવા કરતા દયા અને હાર્દિક હવે સરહદની રક્ષા કરવાની સાથે તેમના સુખી સંસારની પણ શરૂઆત કરવા જઇ રહ્યા છે.

સમૂહલગ્નમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની 42 ફૂટની પ્રતિમા પણ તૈયાર કરવામાં આવી

12મી જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા યોજાનાર 61માં સમૂહલગ્ન સમારોહમાં 152 નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે. છેલ્લા 37 વર્ષથી સમૂહલગ્નનું આયોજન કરતી સંસ્થા દ્વારા આ વખતે સામાજિક સમરસતાને કેન્દ્રમાં રાખીને પટેલ સમાજ ઉપરાંત અન્ય સમાજના આગેવાનો માટે પણ એક મંચ તૈયાર કરાયું છે. સીઆરપીએફમાં ફરજ બજાવતા વર-કન્યા બંનેના લગ્ન પણ સાથે હોવાથી આ વખતના સમૂહલગ્નમાં રાષ્ટ્રીય જાગૃતિનો માહોલ જોવા મળશે. સ્વચ્છ ભારત અને પ્લાસ્ટિક મુક્ત ભારત, વ્યસન મુક્તિ, ટ્રાફિક જાગૃતિની ખાસ થીમ તૈયાર કરવામાં આવી છે. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની 42 ફૂટની પ્રતિમા પણ તૈયાર કરવામાં આવી છે.

કમાન્ડો યુગલને સમાજ તરફથી પાંચ લાખ રૂપિયાની ભેટ આપવામાં આવશે

12મી જાન્યુઆરીએ સાંજે 4:30 કલાકે લગ્ન મંગળફેરા ફરતા પહેલા વર કન્યા સહિત હાજર રહેલા તમામ લોકો રાષ્ટ્રગાન કરશે સરદાર સાહેબની પ્રતિમાને વંદના કરશે અને પછી ભૂદેવો વૈદિક વિધિ મુજબ કન્યાઓને પરણાવશે. સમાજના પ્રમુખ કાનજીભાઇ ભાલાળાએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ માત્ર એક જ કન્યાનું કરિયાવર કરશે. તેથી 152 યુગલો માટે 152 દાતાઓએ પોતાનું યોગદાન આપ્યું છે. સમૂહલગ્ન સમારોહમાં જોડાનાર સીઆરપીએફના કમાન્ડો યુગલને સમાજ તરફથી પાંચ લાખ રૂપિયાની ભેટ આપવામાં આવશે. જે પોતાના ભવિષ્યના માટે ફિક્સ ડિપોઝિટ કરી શકે છે અથવા તો તેમના જીવનમાં કોઈ પણ રીતે ઉપયોગમાં લઇ શકે તે હેતુથી રાષ્ટ્રની સેવા કરતા યુગલને સમાજે આર્થિક ભેટ આપી અને પોતાનું ઉત્તરદાયિત્વ વ્યક્ત કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો