નવરાત્રિમાં આઠમ અને નોમ તિથિ પર કરો કન્યા પૂજન, નાની બાળાઓને માનવામાં આવે છે દેવીનું સ્વરૂપ

અત્યારે ચૈત્ર નવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. નવરાત્રિની આઠમ અને નોમ તિથિ પર કન્યા પૂજનની પરંપરા છે. આ વખતે આઠમ તિથિ 13 એપ્રિલ અને નોમ તિથિ 14 એપ્રિલના છે. ધર્મ ગ્રંથો મુજબ, કન્યાઓ સાક્ષાત દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે એટલે નવરાત્રિમાં તેમની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. કન્યા પૂજનની વિધિ અને મહત્વ આ મુજબ છે.

આ વિધિથી કરો કન્યા પૂજન

– કન્યા પૂજનમાં 2 થી લઈને 10 વર્ષ સુધીની કન્યાઓની જ પૂજા કરવી જોઈએ. તેના કરતા નાની અથવા વધુ ઉંમરની કન્યાઓની પૂજા વર્જિત છે.

– તમારી ઈચ્છા મુજબ, નવ દિવસ સુધી અથવા નવરાત્રિના છેલ્લા દિવસે કન્યાઓને ભોજન માટે આમંત્રિત કરો. કન્યાઓને આસન પર એક લાઇનમાં બેસાડો.

– ऊँ कौमार्यै नम: મંત્રથી કન્યાઓની પંચોપચાર પૂજા કરો. તેના પછી તેમને ભાવતું ભોજન કરાવો. ભોજનમાં ગળ્યું ચોક્કસપણે હોય એ વાતનું ધ્યાન રાખો.

– ભોજન પછી કન્યાઓના પગ ધોઈને વિધિવત કંકુથી ચાંદલો કરો તથા દક્ષિણા આપીને હાથમાં ફૂલ લઈને આ પ્રાર્થના કરો-

मंत्राक्षरमयीं लक्ष्मीं मातृणां रूपधारिणीम्।
नवदुर्गात्मिकां साक्षात् कन्यामावाहयाम्यहम्।।

जगत्पूज्ये जगद्वन्द्ये सर्वशक्तिस्वरुपिणि।
पूजां गृहाण कौमारि जगन्मातर्नमोस्तु ते।।

– પછી આ ફૂલ કન્યાના પગમાં અર્પણ કરી તેમને સન્માનપૂર્વક વિદા કરો.

આ છે કન્યા પૂજનનું મહત્વ

1. શ્રીમદદેવીભાગવત મહાપુરાણના તૃતીય સ્કંધ મુજબ, 2 વર્ષની કન્યાને કુમારી કહેવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ગરીબી દૂર થાય છે.

2. ત્રણ વર્ષની કન્યાને ત્રિમૂર્તિ કહેવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ધર્મ, અર્થ તથા કામની પ્રાપ્તિ થાય છે. વંશ આગળ વધે છે.

3. ચાર વર્ષની કન્યાને કલ્યાણી કહેવામાં આવે છે. તેમની પૂજા કરવાથી બધા જ સુખ મળે છે.

4. પાંચ વર્ષની કન્યાને રોહિણી કહેવામાં આવે છે. તેમની પૂજા કરવાથી રોગોનો નાશ થાય છે.

5. છ વર્ષની કન્યાને કાલિકા કહેવામાં આવે છે. તેમની પૂજા કરવાથી શત્રુઓનો નાશ થાય છે.

6. સાત વર્ષની કન્યાને ચંડિકા કહેવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ધન અને એશ્વર્ય મળે છે.

7. આઠ વર્ષની કન્યાને શાંભવી કહેવામાં આવે છે. તેમની પૂજા કરવાથી દુઃખ દૂર થાય છે.

8. નવ વર્ષની કન્યાને દુર્ગા કહેવામાં આવે છે. તેમની પૂજા કરવાથી પરલોકમાં સુખ મળે છે.

9. દસ વર્ષની કન્યાને સુભદ્રા કહેવામાં આવે છે. તેમની પૂજા કરવાથી બધી ઈચ્છાઓ પૂરી થાય છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો