જાંબાઝ બાળકે જીવના જોખમે ધસમસતા પાણીમાં ઍમ્બ્યુલન્સને બતાવ્યો માર્ગ, સોશિયલ મીડિયા યૂઝર્સે વહાવ્યો શાબાશીનો ધોધ

કૃષ્ણા નદી પર દેવદુર્ગા-યાદગીર રોડને જોડતા એક પુલ પર ધસમસતા પાણીના કારણે સામેની દિશામાં એક ઍમ્બ્યુલન્સ અટવાઈ હતી. પાણીના મારાના કારણે ઍમ્બ્યુલન્સનો ડ્રાઈવર પણ આગળ કેવી રીતે વધવું તેની અવઢવમાં હતો. આ કટોકટીની વેળાએ ત્યાંના સ્થાનિક ટાબરિયાએ જીવના જોખમે જે રીતે ઍમ્બ્યુલન્સને રસ્તો કરી આપ્યો હતો. તેનો વીડિયો જોઈને તમને પણ તેના પર ગર્વ થશે. સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને અનેક યૂઝર્સે આ ટાબરિયાની હિંમત અને સૂઝબૂઝનાં વખાણ કર્યાં હતાં. એક બાજુ જ્યાં શહેરમાં લોકો ઍમ્બ્યુલન્સને પણ રસ્તો આપવામાં આડોડાઈ કરે છે તેવામાં આ ગ્રામિણ બાળકની આવી નિસ્વાર્થ સેવાની ભાવના જોઈને આપણને પણ લાગશે જ કે હજુ માણસાઈ સાવ મરી પરવારી નથી.

વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ જોઈ શકાય છે કે ટેણિયો ધસમસતા પાણીમાં દોડતો દોડતો આગળ વધી રહ્યો છે. તે જે રસ્તે થઈને આગળ વધી રહ્યો છે તેની પાછળ પાછળ જ ઍમ્બ્યુલન્સ પણ આગળ વધી રહી છે. ઍમ્બ્યુલન્સને આ રીતે પુલ પરથી પસાર થવામાં મદદ કરીને આ ટેણિયાએ તેની જિંદગી પણ ખતરામાં મૂકી દીધી હતી. સતત બોલીને તેની હિંમત વધારનાર અને સામે છેડે પહોંચવામાં ગાઈડ કરનાર અન્ય એક વ્યક્તિએ આ બાળકની પાસે પહોંચીને તેને પકડ્યો હતો. જો ભવિષ્યમાં તમે પણ ક્યાંક ટ્રાફિકમાં અટવાયેલી ઍમ્બ્યુલન્સને જુઓ તો આ બાળકની અજાણ્યાનો જીવ બચાવવાની આ જદોજહદને યાદ કરીને ઍમ્બ્યુલન્સને માર્ગ આપી દેજો જેથી અંદર રહેલા કોઈ દર્દીનો પણ જીવ બચી જાય.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો