પાડોશીઓ પાસેથી ઉધાર લઈને ઘરે જ શરૂ કર્યું મસાલા પેક કરવાનું કામ, હવે દર મહિને કમાય છે 45 હજાર રૂપિયા

જયપુરના અમિત કુમાર પારીકની પાસે કોઈ કામ ન હતું. દિવસ-રાત એક જ વાત વિચારતો કે એવું શું કરીએ કે ઘરમાં બે પૈસાની કમાણી થાય. બાજુમાં જ પવન પારીકની દુકાન હતી. તેમની દુકાનમાં મસાલાના પેકેટ્સ આવતાં હતાં. એને જોઈને અમિતે અનેક વખત પવનને કહ્યું હતું કે યાર, હું આનું માર્કેટિંગનું કામ શરૂ કરી લઉં. તેઓ યુટ્યૂબ પર પણ બિઝનેસના નવા નવા આઈડિયા શોધતા હતા. એક દિવસ તેને કામકાજી ડોટકોમ નામની એક યુટ્યૂબ ચેનલ પર મસાલા પેકિંગ કઈ રીતે થાય છે એની જાણકારી મળી. અમિતે ચેનલમાં આપવામાં આવેલા નંબર પર ફોન કર્યો તો તેમણે અમિતને કન્સલ્ટેશન આપવાની સાથે તેમને જયપુરના બે લોકોના નંબર આપ્યા, જે બ્લિસ્ટર પેકિંગ મશીન સપ્લાઇ કરતા હતા.

અમિત તેમની પાસે પહોંચી ગયો. તેમણે જણાવ્યું કે આ મશીન 65 હજાર રૂપિયાનું છે. એક કલાકમાં સવા સોથી દોઢ સો પીસ તૈયાર કરે છે. હવે મુશ્કેલી એ હતી કે અમિતની પાસે માત્ર 10 હજાર રૂપિયા જ હતા અને મશીન 65 હજારનું હતું. તેમણે પોતાના સંબંધીઓ અને કેટલાક મિત્રો પાસેથી પૈસા ઉધાર લીધા અને મશીન ખરીદી લીધું. મશીનની સાથે કમ્પ્રેશર પણ આવ્યું હતું. હવે પેકિંગ મટીરિયલ ખરીદવાનું હતું, જેમાં બ્લિસ્ટર (જેમાં મટીરિયલ ભરવાનું હતું) અને એને પેક કરવા માટે એક પેપરની જરૂર હતી. અમિતે નક્કી કર્યું કે તે પોતાના દીકરાના નામથી પેપર પ્રિન્ટ કરાવશે.

એક પેપરની પ્રિન્ટિંગ કોસ્ટ 2 રૂપિયા 55 પૈસા હતી. તો એક બ્લિસ્ટર શીટની કિંમત સાડાચાર રૂપિયા હતી. અહીં પણ ત્યારે મુશ્કેલી પડી જ્યારે મેન્યુફેક્ચર્સે કહ્યું હતું કે ઓછામાં ઓછા ચાર હજાર પીસનો ઓર્ડર આપવો પડશે, ત્યારે જ કામ કરી શકીશું. આનાથી ઓછા ઓર્ડરમાં મશીન ચલાવવાનું મોંઘું પડે છે. અમિતે ફરીથી કેટલાક લોકો પાસેથી નાણાકીય મદદ માગી. બધું મટીરિયલ ખરીદવામાં 30થી 35 હજાર રૂપિયાનો ખર્ચો થયો. આ રીતે કામ શરૂ થતાં પહેલાં જ લગભગ 95 હજાર રૂપિયાનું રોકાણ થઈ ગયું.

હવે પેકિંગ મશીન અને પેપર તો આવી ગયાં હતાં, પરંતુ એમાં જે મટીરિયલ ભરવાનું હતું એ આવ્યું ન હતું. અમિતે લવલી, એલચી, સૂંઠ, બદામ, કિસમિસ જેવી 11 પ્રોડક્ટસને પેક કરવાનું વિચાર્યું હતું. મટીરિયલમાં અમિતની મદદ કરી તેના વધુ એક પાડોશી અગ્રવાલજીએ. તેમણે અમિતને ઉધારી પર મટીરિયલ અપાવ્યું અને જણાવ્યું કે કેટલું ભરવાનું છે, કેમ કે તેમને કરિયાણાની દુકાન હતી અને તેમને આ કામનો અનુભવ પણ હતો. જે બાદ અમિતે ઘરમાં જ પેકિંગનું કામ શરૂ કરી દીધું. અમિતનાં માતા-પિતા અને દીકરો પણ તેમની સાથે કામમાં મદદ કરવા લાગ્યાં. પત્ની ઘરનું કામકાજ કરે છે. મા બ્લિસ્ટરમાં મટીરિયલ ભરે છે. અમિત મશીનમાં એને પેક કરે છે. દીકરો પેકેટ્સને એક જગ્યાએ રાખે છે.

પ્રોડક્ટ વેચવા માર્કેટ નથી ગયા

ખાસ વાત એ હતી કે તેઓ ક્યારેય પોતાની પ્રોડક્ટસને વેચવા માટે માર્કેટમાં નથી ગયા, પરંતુ તેમણે આજુબાજુ એમ જણાવી દીધું કે મારી પાસે આ પ્રોડક્ટસ તૈયાર છે, કોઈને માર્કેટિંગ કરવું હોય તો જણાવે. શરૂઆતમાં એક-બે સેલ્સમેન આવ્યા. તેમની સાથે એવી ડીલ થઈ કે એક પેકેટ પર 10 રૂપિયા કમિશન મળશે. અમિત કહે છે કે મેં પેકેટ એ રીતે તૈયાર કર્યા હતા કે પાંચથી સાત રૂપિયાનો ફાયદો મને મળે અને દશ રૂપિયા ડોર ટુ ડોર જઈને પ્રોડક્ટ વેચનાર સેલ્સમેનને મળે. શરૂઆતના બે-ત્રણ મહિના સુધી સો-સવા સો પેકેટ જ વેચાતાં હતાં, જે બાદ ધીમે-ધીમે વેચાણ વધ્યું. લોકડાઉનમાં તો ઘણું જ કામ મળ્યું. પેકેટની સંખ્યા ચારસો સુધી પહોંચી ગઈ હતી, પરંતુ હાલ કામકાજ ડાઉન છે. સોથી સવા સો પેકેટ જ વેચાય રહ્યાં છે.

અમિત કહે છે, છેલ્લા દોઢ વર્ષમાં સરેરાશ કમાણીની વાત કરવામાં આવે તો મહિને 40થી 45 હજાર રૂપિયાની કમાણી થઈ છે. અમિતે હવે વાસણ સાફ કરવાનું સ્ક્રબ બનાવવાનું મશીન પણ ખરીદી લીધું છે, જે સાડાત્રણ લાખ રૂપિયામાં આવ્યું છે. આ મશીનમાં સ્ક્રબ તૈયાર કરવામાં આવશે. એનું પેકિંગ પણ મસાલાવાળા મશીનથી જ થઈ જાય છે. તે વધુમાં કહે છે, જેમની પાસેથી પૈસા લીધા હતા તેમને પરત કરી દીધા છે. હવે મારી પાસે પોતાનુ મશીન છે. ઘરથી કામ કરું છું. સ્ક્રબનું કામ એક માસ પહેલાં જ શરૂ થયું છે, હવે મટીરિયલ માર્કેટમાં જશે, ત્યારે એનો રિસ્પોન્સ કેવો મળે છે એની જાણ થશે. તેઓ કહે છે, મસાલા પેકિંગનું કામ સવારે બે કલાકમાં જ પૂર્ણ કરી લઉં છું. એક કલાકમાં સોથી સવાસો પેકેટ તૈયાર થઈ જાય છે, જે બાદ સેલ્સમેન તેને ઘરથી જ લઈ જાય છે, બાકીનો ટાઈમ બિઝનેસને કઈ રીતે આગળ વધારવો એના પ્રયત્નોમાં વ્યસ્ત હોઉં છું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો