ગુજરાતમાં અહીં આવેલું છે સ્વયંભૂ મહાદેવનું મંદિર, જ્યાં સ્વયં શ્રી કૃષ્ણએ કરી હતી શિવની પૂજા

ભગવાન શિવના ભારતભરમાં અનેક મંદિરો અને ખાસ સ્થાનો આવેલા છે. ઉત્તરમાં કેદારનાથથી લઈને દક્ષિણમાં રામેશ્વરમ સુધીના શિવના 12 જ્યોતિર્લિંગ આવેલા છે. આ ઉપરાંત 14 ઉપજ્યોતિર્લિંગમાંથી એક એવા બીલનાથ મહાદેવનું મંદિર પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં બીલેશ્વર ગામ ખાતે આવેલુ છે. કૃષ્ણ ભક્ત સુદામા અને મહાત્મા ગાંધીની જન્મભૂમિ એવા પોરબંગરમાં આવેલું આ ગામ આસ્થાની દ્રષ્ટિએ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. ગામમાં આવેલું પૌરાણિક બીલનાથ મહાદેવના મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ હોવાનું કહેવાય છે. મૈત્રક કાળના (ઈ.સ 400થી ઈ.સ799) સમયમાં બનેલા આ મંદિરને ગુજરાત સરકાર દ્વારા પૌરાણિક રક્ષિત સ્મારક તરીકે જાહેર કરાયું છે.

મંદિરની છે ખાસ વિશેષતા

અંદાજિત 1300થી પણ વધુ વર્ષ જૂના આ શિવ મંદિરને અતિ પ્રાચીન માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ શિવલિંગની પૂજા ખુદ ભગવાન શ્રીકૃષ્ણએ કરી હતી. મંદિરની વિશેષતા છે કે સામાન્ય રીતે કોઈપણ શિવ મંદિરમાં નંદીની મૂર્તિ મંદિરની અંદર જોવા મળે છે. પરંતુ અહીં મંદિરની બહાર ઓટલા પર વિશાળ નંદીની મૂર્તિ છે. માન્યતા મુજબ નંદી બહારથી મંદિરની રક્ષા કરે છે.

સ્વયં ભગવાન કૃષ્ણએ કરી હતી શિવલિંગની પૂજા

મંદિર વિશેની લોકમાન્યતા મુજબ ભગવાન શ્રીકૃષ્ણએ આ મંદિરમાં પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન શિવની સવા લાખ કમળ ચઢાવીને પૂજા કરી હતી. પરંતુ એક કમળ ઓછું પડી જતા કૃષ્ણ પોતાની આંખ કાઢીને અર્પણ કરવા જઈ રહ્યા હતા, ત્યારે શિવ પ્રસન્ન થઈને તેમને પુત્ર પ્રાપ્તિ માટે વરદાન આપ્યું હતું. આ બાદ ભગવાન કૃષ્ણના ઘરે સંતાન પ્રાપ્તિ થઈ હતી. આજે પણ મંદિર નજીક આવેલી બિલ્વગંગા નદીમા આવેલા અસંખ્ય બીલીપત્રોના વૃક્ષો છે ભક્તો ત્યાં જળ અર્પણ કરીને શિવના આશીર્વાદ મેળવે છે.

મંદિરની બહાર નંદી હોવા પર લોકવાયકા પ્રચલિત છે. જે મુજબ ભૂતકાળમાં મુસ્લિમ રાજાઓએ આ મંદિરમાં લુંટ કરવા માટે આક્રમણ કર્યું હતું, તે સમયે નંદીએ પોતાના નસકોરામાંથી ભમરા છોડીને લશ્કર ભગાવ્યું હતું. પરંતુ શિવની આજ્ઞા વગર નંદીએ આમ કર્યું હોવાથી તેઓ કોપાયમાન થયા હતા. અન્ય લોકવાયકા મુજબ જયારે અલાઉદ્દીન ખીલજી સોમનાથ મંદિર ભાંગીને બીલનાથ મંદિર લૂંટવા આવ્યો ત્યારે શિવલિંગ પાસેથી અસંખ્ય ભમરાઓ નીકળ્યા અને નંદી પણ મોટી ત્રાડ પાડીને બહાર નીકળ્યા. ડરના કારણે ખીલજીના લશ્કરને ભાગવું પડ્યું હતું. ત્યારથી જ નંદી મંદિરની રક્ષા કરવા માટે બહાર જ રહે છે.

આ પૌરાણિક મંદિરની નજીકમાં જાંબુવનની પ્રાચીન ગુફા તથા ડુંગર આવેલા છે. મંદિર ખાતે શ્રાવણ મહિનામાં તેરસથી ત્રણ દિવસ માટે અમાસનો મેળો ભરાયો છે. જેમાં મોટી સંખ્યામાં દૂર દૂરથી શિવ ભક્તો અહીં આવીને આશીર્વાદ લેતા આવતા હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો