ઘેર-ઘેર ફરી ફિનાઈલ વેચીને સ્વનિર્ભર બનનાર અવંતિકા પટેલની કહાણી

હું કલોલ પાસે આવેલા સઈજગામમાં રહીને પણ દર મહિને 20 હજારની કમાણી કરી રહી છું. મારા પતિનો પગાર 15 હજાર છે જયારે મારી કમાણી 20 હજાર એટલે 5 હજાર વધુ છે.આ કમાણીની સરખાણી કરી હું મારા પતિ કરતા ચઢિયાતી છું એવું સાબિત કરવા માગતી નથી. હું સ્પષ્ટ કરી દઉં કે મારા પતિ ચેતનના સપોર્ટ વગર મારી આ કહાની શરૂ જ ન થઈ હોત.

સસરાનું કેન્સરથી મોત થતા પતિ પર જવાબદારી

મારા ચેતન સાથે લગ્ન થયા પછી હું એના પરિવારનો એક હિસ્સો બની ગઈ હતી. મારા સસરાનું કેન્સરમાં મોત થવાથી મારા પતિને જેટલો ફરક પડ્યો એટલો જ ફરક મને પણ પડ્યો હતો. મારા પતિના માથે હવે સમગ્ર ઘરની જવાબદારી આવી ગઈ હતી. તે નોકરી કરતા હતા અને ત્યારે એમનો પગાર માંડ 10 હજાર જેટલો હતો. આ ટૂંકા પગારમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ કામ હતું. આથી મેં નક્કી કર્યું કે સાતફેરા ફરતી વખતે પતિને સુખ-દુખમાં સાથ આપવાનું વચન આપ્યું છે ત્યારે હું પણ વ્યવસાય કરી આર્થિક ટેકો કરીશ.

આ સમયગાળામાં મને ખબર પડે છે ICECD સંસ્થા મહિલા ઉધોગ સાહસિકની તાલીમ આપે છે. મેં પણ આ સંસ્થા દ્વારા આયોજિત તાલીમ કાર્યક્રમમાં ભાગ લઈ ફિનાઈલ બનાવીને વેચાણ કઈ રીતે કરવું તેનું નોલેજ લીધું. આ તાલીમ પછી ઘરેથી જ વ્યવસાય શરૂ કર્યો હતો.

ઘેર-ઘેર ફરી ફિનાઈલ વેચતી 

મેં 7 હજારની મૂડી સાથે શરૂ કરેલા આ વ્યવસાયમાં શરૂઆતમાં બહું સંઘર્ષ કરવો પડ્યો હતો. મેં 20 લિટર ફિનાઈલ સાથે કામ શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં મફતમાં સેમ્પલ આપવા પડતા. મેં ઘેર-ઘેર જઈને ફિનાઈલ વેચવાનું શરૂ કર્યું ત્યારે નબળો પ્રતિસાદ મળ્યો હતો. જોકે મેં હિંમત હારવાના બદલે ગુણવત્તા પર ધ્યાન આપ્યું અને ધીરજ ધરી તો અંતે સફળતા મળી.

આજે વ્યવસાયનો વ્યાપ વધ્યો છે

3 વર્ષ પહેલા શરૂ થયેલો મારો આ વ્યવસાય આજે સારો ચાલે છે. અમે હવે ફિનાઈલ સિવાય પણ વાસણ અને કપડા ધોવાનું લિક્વિડ તેમજ ગળી પણ બનાવીએ છીએ. હું દરરોજ ફિનાઈલ સહિતનું 150 લિટર લિક્વિડનું વેચાણ કરું છું. મારા ગામની આજુબાજુના 5 થી 6 ગામ અને કલોલમાં મારી પ્રોડક્ટ્સનું વેચાણ થાય છે. મેં વ્યવસાય કર્યો તેથી જ આજે ઘરમાં આર્થિક સંકડામણ નથી તો દીકરો પણ ઈંગ્લિશ મીડિયમમાં ભણી રહ્યો છે.

બહેનો ગૃહઉધોગ કરી સ્વનિર્ભર બને

હું બહેનોને કહીશ કે ઘરે બેસી સમય પસાર કરવાના બદલે ગૃહઉધોગ કરો. તમે ખુદનો વ્યવસાય કરી સ્વનિર્ભર તો બનશો જ પણ પરિવારને પણ સુખી કરશો.
-અવંતિકા પટેલ,સઈજગામ,કલોલ

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો