અંબાજી માતાને ‘ચાચર ચોકવાળી’ કેમ કહેવાય છે? ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી વીશે જાણો વિગતે.

ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી મંદિર ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે. ઈ.સ. 12મી સદીથી અહીં મંદિર હતું તેવા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. તે સમયે થઈ ગયેલા વિમલ શાહે માતાજીની સ્તુતિ કરી હતી. આદિ શંકરાચાર્યે કરેલી ભગવતીની સ્તુતિ તથા પ્રવાસ વર્ણનોમાં પણ જોવા મળે છે. છેક પુરાણોથી લઈને સમયાંતરે રચાયેલા કેટલાક ગ્રંથોમાં પણ અંબાજી માતાનું વર્ણન અને સ્તુતિઓની પરંપરા જોવા મળે છે. એક કથા પ્રમાણે સિંધમાં રહેલા પરમારોએ સિંધ છોડ્યું ત્યારે માતાજીને સાથે લાવ્યા હતા. મહારાજા આગળ ચાલતા હતા અને પાછળ માતાજીની સવારી હતી. રાજવીને પાછળ જોવાની મનાઈ હતી. રસ્તામાં ગાઢ જંગલ આવતા સહજ રીતે મહારાજથી પાછળ જોવાયું કે કેટલે દૂર માતાજી છે. કહેવાય છેકે, તે ક્ષણે માતાજી સ્થિર થઇ ગયાં, ત્યારે પરમાર રાજવીએ મંદિર બનાવ્યું.

અંબાજી માતાનું મંદિર દાતાના રાજવી પરમારોની માલિકીનું હતું: 

અંબાજી માતાનું મૂળ મંદિર બેઠા ઘાટનું અને નાનું હતું. ગર્ભગૃહમાં માતાજીનો ગોખ અને મંદિરની સામી બાજુએ ચાચર ચોક છે. અને એટલા જ માટે માતાજીને ‘ચાચર ચોકવાળી’ પણ કહેવામાં આવે છે. આ ચોકમાં હોમ હવન વગેરે વિધિ પણ થાય છે. વર્તમાન સમયમાં જે મંદિર છે તે અદ્યતન મંદિર બનાવવાનું કાર્ય શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શરૂ થયું. અંબાજી માતાનું મંદિર દાતાના રાજવી પરમારોની માલિકીનું હતું તેવું તેમણે જાહેર કર્યું હતું પરંતુ ભારત સરકારે આ માંગણી સ્વીકારી નહીં ને તત્કાલીન દ્વિભાષી રાજ્ય મુંબઈ સરકારને વહીવટ લઈ લેવા જણાવ્યું. (ઈ.સ. 1953) પણએ પછી કાયદાકિય વિવાદ થતા ઈ.સ. 1960માં તેનો ચુકાદો આવ્યો. સરકારની તરફેણમાં ચુકાદો આવતાં ગુજરાત સરકારે આ દેવસ્થાનનો વહીવટ હસ્તગત કર્યો.

ગુજરાતના 20 પ્રતિષ્ઠિત નાગરિકો વહીવટી સમિતિમાં સામેલ છે: 

ઈ.સ. 1963માં બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપણા હેઠળ વહીવટી સમિતિની રચના થઈ અને તેનું નામ ‘શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ’ રાખવામાં આવ્યું. તેના ચેરમેન તરીકે હોદ્દાની રૂએ કલેક્ટર ઉપરાંત આ સમિતિમાં વિવિધ ક્ષેત્રોમાંથી આવતા ગુજરાતના વીસ પ્રતિષ્ઠિત નાગરિકોનો સમાવેશ કરવામાં આવે છે. મંદિરના સંચાલકની વહીવટી કામગીરી માટે નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીની વહીવટદાર તરીકે રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવે છે, જે પૂર્ણ સમય માટે સંચાલનની જવાબદારી સંભાળે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ બન્યા પછી મંદિરને અદ્યતન બનાવવા માટે વિચારણા શરૂ થઇ. એ માટે ઈ.સ. 1972માં અંબાજી વિકાસ સમિતિની રચના તે સમયના ટ્રસ્ટી અને જાહેર જીવનના કાર્યકર શ્રી શંકરલાલ ગુરુના અધ્યક્ષપદે કરવામાં આવી.

1975માં મંદિરના જીર્ણોદ્વારની કામગીરી હાથ ધરવામાં આવી: 

આ સમિતિની ભલામણો અનુસાર ઈ.સ. 1975માં મંદિરના જીર્ણોદ્વારની કામગીરી હાથ ધરવામાં આવી. સમગ્ર મંદિરની કાયાપલટ કરીને ગગનચૂંબી વિશાળ પૂર્ણ આરસનું દેવસ્થાન રચવાનો ભગીરથ પ્રયાસ હાથ ધરાયો હતો. મંદિરને નિજ મંદિર, મંડપ અને શીખર એમ ત્રણ વિભાગોમાં વહેંચી તબક્કાવાર કામગીરી હાથ ધરાઈ. ઈ.સ. 1975થી ઈ.સ. 1988 દરમિયાન મોટાભાગનું કામ સંપન્ન થયું હતું. મંદિરના 103 ફૂટ ઊંચા શિખર ઉપર કળશ ચડાવવાની વિધિ કરવામાં આવી હતી. શીખર ઉપર આરાસુરી અંબાજીમાં આવેલી ખાણમાંથી કાઢવામાં આવેલ વિશેષ આરસપહાણના અખંડ પથ્થરમાંથી બનાવાયેલ 3 ટનથી વધુ વજનનો કળશ મૂકવામાં આવ્યો છે.

ફ્લાય ઓવરબ્રિજ તથા શક્તિ દ્વાર:

અંબાજી મંદિર સન્મુખ પશ્ચિમ દિશાએ અંબાજી આબુરોડ સ્ટેટ હાઈવેથી અંબાજી મંદિર સુધીનો આરસ પથ્થર જડિત 120 મીટર લાંબો તથા 17 મીટર પહોંળાઈ ધરાવતો ફ્લાય ઓવરબ્રિજ બનાવતાં સમગ્ર મંદિર પરિસર ભવ્ય અને રળિયામણું બન્યું છે. વિશાળ સંખ્યામાં યાત્રિકો હોય ત્યારે પણ આવવા જવાની ખૂબ સરળતા રહે છે. યાત્રિકો માટે શૌચાલય, બાથરૂમ, લોકર્સની સુવિધાઓ પણ છે.

નૃત્ય મંડપ અને અને સુવર્ણ કળશો: અંબાજી મંદિરના આગળના ભાગમાં સફેદ આરસ પથ્થરના કલાત્મક નૃત્ય મંડપ બનાવવામાં આવ્યો છે. નાગરી શૈલી પ્રમાણે બનાવેલા આ નૃત્ય મંડપમાં બેસીને શ્રદ્ધાળુઓ માની પૂજા, આરાધના, સત્સંગ વગેરે શાંતિથી કરી શકે છે. આ નૃત્ય મંડપ બનતાં શાસ્ત્રોક્ત રીતે મંદિરે પૂર્ણ થયું છે. અંબાજી મંદિર ઉપર હાલમાં કુલ 358 સુવર્ણ કળશો ચમકી રહ્યાં છે. ભારતભરના શક્તિપીઠોમાં સૌથી વધારે સુવર્ણ કળશે ધરાવતું મંદિર અંબાજી છે.

વીસાયંત્ર: અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિ નથી પરંતુ વીસાયંત્રની પૂજા થાય છે. વીસાયંત્રને શણગાર કરીને તેને મુગટ તથા ચૂંદડી સાથે એ રીતે શણગારવામાં આવે છે કે તે સવારી પર આરૂઢ માતાજીની મૂર્તિ હોવાનો ભાસ થાય છે. દરરોજ વિવિધ વાહનો – સિંહ, વાઘ, હાથી, નંદી, ઐરાવત, ગરૂડ વગેરે ઉંમર પ્રમાણે શણગારોથી માતાજીને દૈદીપ્યમાન બનાવાય છે. અંબાજી શક્તિપીઠમાં તંત્ર-શાસ્ત્રોક્ત રીતે યંત્રની પૂજા કરવામાં આવે છે. આ યંત્રમાં 51 અક્ષરો હોવાનું પ્રમાણ મળે છે. આ યંત્ર કલ્પવૃક્ષ સમાન ગણાય છે. સિદ્ધપુરના ‘મૌનસ’ ગૌત્રના બ્રાહ્મણો 150 વર્ષથી આ યંત્રની પૂજા કરે છે.

અંબાજી તીર્થ માં દર્શનીય સ્થળોઃ કુંભારીયાનાં જૈન દેરાસરો 

કુંભારીયામાં આવેલા 5 દેરાસરમાં એક મહાવીર સ્વામીનું દેરાસર છે. કુંભારીયાના શાંતિનાથ ભગવાનના દેરાસરની ફરતી ભમતીમાં 24 જિનની દેવકુલિકાઓ આવેલી છે. આ દેરાસર કર્ણદેવના સમયમાં બંધાયું હોય તેમ લાગે છે. કુંભારીયા તીર્થનું સૌથી મોટું જિનાલય શ્રી નેમિનાથ ભગવાનનું દેરાસર છે.

માનસરોવર: અંબાજી મંદિરથી સાવ નજીક પૂર્વ દિશામાં એક સરોવર આવેલું છે. તેને ‘માનસરોવર’ તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી દર્શનાર્થે આવેલ યાત્રીઓ માનસરોવરનું પવિત્ર જળ મસ્તકે ચડાવે છે. ભગવાન શ્રીકૃષ્ણના ચૌલકર્મ વખતે વાળ ઉતારવાની વિધિ પૂર્ણ થયા પછી માનસરોવરના પાણીથી સ્નાન કરાવ્યાની માન્યતા છે. આજે પણ ઘણી જ્ઞતિઓમાં પોતાના બાળકોની બાબરી અંબાજીમાં ઉતારવાનો રિવાજ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો