આચાર સંહિતા એટલે શું ? આચાર સંહિતામાં કોઈ પણ પાર્ટી કે ઉમેદવાર શું કરી શકે અને શું ન કરી શકે?

આચાર સંહિતા એટલે શું ?

આદર્શ આચાર સંહિતા એ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા છે. ચૂંટણીઓ જાહેર થાય, ત્યારથી લઈને ચૂંટણી પરિણામો બહાર પડે ત્યાર સુધી રાજકીય પક્ષો અને તેનાં ઉમેદવારોએ માર્ગદર્શિકા પ્રમાણે આચરણ કરવાની રહે છે.

શા માટે આચાર સંહિતાની જરૂર?

ચૂંટણી દરમિયાન શાસક પક્ષ કે ગઠબંધન સહિત તમામ પક્ષોને ચૂંટણી લડવા માટે સમાન તક મળે તે માટે આચારસંહિતા ઘડવામાં આવી છે. રાજકીય પક્ષો વચ્ચે તણાવ-ઝગડાં કે ઝપાઝપી ટાળવા માટે, મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણીઓ યોજય તે માટે તેનું પાલન કરાવવામાં આવે છે. કેન્દ્ર કે રાજ્યની શાસક પાર્ટી તેની સત્તાવાર સ્થિતિનો ચૂંટણી દરમિયાન દુરૂપયોગ ન કરે, તે માટે આચારસંહિતા જરૂરી છે.

ક્યારે લાગુ થાય છે આચાર સંહિતા

કોઈ પણ ઈલેક્શનની તારીખોની જાહેરાત થતાની સાથે જ તે વિસ્તારમાં આચાર સંહિતા લાગુ થઈ જાય છે અને રાજનીતિક પાર્ટીઓ, સત્તાધારી પાર્ટી, ઉમેદવારોને એક અધિકાર ક્ષેત્રમાં જ રહીને કામ કરવાનું હોય છે. જો લોકસભા ઈલેક્શનની વાત કરીએ તો સમગ્ર દેશમાં તે લાગુ થાય છે.

લોકસભાની ચૂંટણીની જાહેરાતની સાથે જ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. સત્તાધારી પક્ષો માટે ચૂંટણી દરમિયાન આચાર સંહિતાનો સમય ખાસ હોય છે, કારણ કે આ સમય દરમિયાન કોઈ પણ પક્ષ મતદારોને રિઝવવા માટે જાહેરાત કરી શકે નહીં. રાજ્યોમાં ચૂંટણીની જાહેરાતની સાથે જ ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી સરકારી કર્મચારીઓ ચૂંટણી પંચના કર્મચારીઓ તરીકે ફરજ બજાવે છે.

આચાર સંહિતા દરમિયાન ઉમેદવારો અને રાજકીય પક્ષો શું કરી શકે અને શું ન કરી શકે.

– ચૂંટણીની આચર સંહિતા ચૂંટણી પંચનો એ નિયમ છે જેનું પાલન દરેક પક્ષે અને ખાસકરીને ઉમેદવારે કરવાનું રહે છે. આચાર સંહિતાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને સજા થઈ શકે છે. ચૂંટણી પર રોક લાગી શકે છે, FIR થઈ શકે છે અને ઉમેદવારને જેલ પણ થઈ શકે છે.

– ચૂંટણી દરમિયાન કોઈ પણ મંત્રી સરકારી પ્રવાસ કરી શકે નહીં, સરકારી સંસાધનોનો ઉપયોગ ચૂંટણી માટે થઈ શકે નહીં, ત્યાં સુધી કે કોઈ પણ સત્તાધારી નેતા સરકારી વાહનો અને ઇમારતોનો ઉપયોગ ચૂંટણી માટે કરી શકે નહીં.

– કેન્દ્ર સરકાર હોય કે પછી પ્રદેશની સરકાર, સરકાર દ્વારા કોઈ જાહેરાત થઈ શકે નહીં, ન તો નવા કામનું લોકાર્પણ થઈ શકે, ન તો સરકારી ખર્ચ પણ થઈ શકે. ચૂંટણી પંચે આ પ્રક્રિયા પર નજર રાખવાની રહે છે.

– ઉમેદવાર અને પક્ષને રેલી કાઢવા માટે અથવા બેઠક કરવા માટે ચૂંટણી પંચ પાસેથી પરવાનગી મેળવવાની રહે છે. આની જાણકારી નજીકના પોલીસ સ્ટેશનમાં પણ આપવાની રહે છે. સભાના સ્થળ અને સમયની સૂચના પણ પોલીસને આપવાની રહે છે.

– કોઈ પણ પક્ષ કે ઉમેદવાર એવું કામ નહીં કરી શકે જે જ્ઞાતિ અને ધર્મ અથવા તો સંપ્રદાયની વચ્ચે મતભેદ કે ઘૃણા પ્રસરાવવાનું કામ કરે.

– કોઈની પરવાનગી વગર તેની દિવાલ કે જમીનનો ઉપયોગ થઈ શકે નહીં. મતદાન કેન્દ્રના 100 મીટરના વિસ્તારમાં ચૂંટણીનો પ્રચાર થઈ શકે નહીં, અને મતદાનના એક દિવસ પહેલાં જે તે બેઠક પર પ્રચારનો પ્રતિબંધ મૂકાઈ જાય છે.

– ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ સરકારી ભરતી થઈ શકે નહીં.

– ચૂંટણી દરમિયાન ઉમેદવાર દ્વારા દારૂનું વિતરણ કરવું આચાર સંહિતાનાનું ઉલ્લંઘન છે.

– ચૂંટણી દરમિયાન મતદાન કેન્દ્રની આસપાસ ચૂંટણી ચિન્હનું પ્રદર્શન થઈ શકે નહીં.

– ચૂંટણી પંચના માન્ય આઇ કાર્ડ ધરાવનાર વ્યક્તિ જ મતદાન બૂથ પર જઈ શકે છે.

– હેલીપેડ, મીટિંગ ગ્રાઉન્ડ, સરકારી ગેસ્ટ હાઉસ, વગેરે જેવી સાર્વજનિક જગ્યાઓ પર કેટલાક ઉમેદવારો દ્વારા એકાધિકાર થઈ શકે નહીં. આ સ્થળોનો ઉપયોગ તમામ પ્રતિસ્પર્ધીઓ સમાન રીતે કરી શકે છે.

– વિરોધી ઉમેદવારો અને તેમના પ્રચારકો તેમના વિરોધીઓનું સન્માન કરવું જોઈએ. તેમના ઘર સામે અથવા રસ્તા પર વિરોધ કરી તેમને હેરાનગતિ કરી શકાય નહીં.

– બૂથ અધિકારીને કોઈ પણ મુદ્દે ફરિયાદ કરી શકાય છે.

ફોટો લેવા માટે આચાર સંહિતા

– મતદાન વેળાએ મતદાનની અંદર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે. જો કોઈ ચોરીછૂપીથી ફોન અંદર લઈ જાત તો તે આચાર સંહિતાનો ભંગ છે.

– મતદાન મથકની 100 મીટરની ત્રિજ્યામાં ફોટોગ્રાફી કરવા પર પ્રતિબંધ છે.

– મતદાતા કે ઉમેદવાર કોઈ પણ મતદાન મથકની અંદર ફોટોગ્રાફી કરી શક્તા નથી.

– જો મતદાન મથકની 100 મીટરની ત્રિજ્યામાં સેલ્ફી પણ લીધી તો તમારી સામે આચાર સંહિતાના ભંગની ફરિયાદ થઈ શકે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો